Western Times News

Gujarati News

યુવા પેઢીને પ્રાકૃતિક કૃષિ  તરફ વળવાનો અનુરોધ કરતા રાજયપાલ આચાર્ય દેવવ્રત

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ સંપન્ન

આણંદ – : રાજયના રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતએ ગ્‍લોબલ વોર્મિંગ અને વર્તમાન યુગમાં રાસાયણિક અને યુરિયા ખાતરોના કારણે જમીનની ફળદ્રૂપતા ઓછી થવાની સાથે માનવજીવન અને આરોગ્‍યની સામે અનેક પડકારો ઉભા થવા પામ્‍યા છે ત્‍યારે આજની યુવા પેઢીને પ્રાકૃતિક કૃષિ  તરફ વળવાનો અનુરોધ કર્યો હતો.

આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૭મા પદવીદાન સમારોહમાં ૪૧ વિદ્યાર્થીઓને ૧૦૧ સુવર્ણપદકો, પદકો અને રોકડ પુરસ્‍કાર એનાયત કરતાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ પદવી ધારક વિદ્યાર્થીઓને જે શીખ્‍યા છે તે કૌશલ્‍ય-વિદ્યાનો નિયમિત રીતે ઉપયોગ કરવાની સાથે જે આજીવન વિદ્યાર્થી બની રહે છે તે દુનિયાને કંઇક નવું આપી શકે છે તેમ જણાવી વિદ્યા-ખેતી ક્ષેત્રે તેની સાથે જોડાયેલા રહેવા કહ્યું હતું.

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ આજની યુવા પેઢીને જે શિક્ષણ પ્રાપ્‍ત કર્યું છે તે પોતાના સુધી સીમિત ન રાખતાં સમાજ જીવનના કલ્‍યાણ માટે ઉપયોગ કરવાની શીખ આપી હતી. રાજયપાલશ્રીએ પદવીધારક યુવાઓને જે શિક્ષણ પ્રાપ્‍ત કર્યું છે તે નિ:સ્‍વાર્થ ભાવે જયાં જરૂર હોય તયાં તેનો ઉપયોગ કરવાનું સુચવી સત્‍ય બોલવા અને ધર્મનું આચરણ એટલે કે જે ક્ષેત્રમાં આપણે હોઇએ તે ક્ષેત્રમાં આપણે પ્રાપ્‍ત કરેલ જ્ઞાનનો ઉપયોગ ઉપયોગ કરવો અને પોતાના આચારણને શુધ્‍ધ અને પવિત્ર રાખવા કહ્યું હતું.

રાજયપાલશ્રીએ પર્યાવરણ-જલવાયુ આવી રહેલ પરિવર્તન પ્રતિ ચિંતા વ્‍યકત કરી આજની યુવા પેઢીને પર્યાવરણ અને જલવાયુના રક્ષણ અર્થે કુદરતી સંશાધનોનો ઉપયોગ કરવા સંકલ્‍પબધ્‍ધ થવા સુચવ્‍યું હતું. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતએ જેમ પશુપાલન ક્ષેત્રે આમૂલ ક્રાંતિ આવી છે તેવી જ કૃષિ ક્ષેત્રમાં નવા વિચારોને અમલી બનાવી ક્રાંતિ લાવવા યુવા પેઢીને આગળ આવવા આહવાન કર્યું હતું.

રાજયપાલશ્રીએ સમયની સાથે પરિવર્તનની જરૂર હોય ભારતીય સંસ્‍કૃતિની પરંપરાગત ખેત પધ્‍ધતિનો કૃષિમાં ઉપયોગ કરીને પરિવર્તન લાવવા પર ભાર મૂકયો હતો.રાજયપાલશ્રીએ પોતાના સ્‍વાનુભાવો વર્ણવી પ્રાકૃતિક ખેતીથી કૃષિ ખર્ચ ઓછો આવતો હોવાથી ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે પર્યાવરણનું પણ જતન થતું હોઇ આજે લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હોવાનું જણાવ્‍યું હતું.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતએ સુવર્ણપદક અને પદવીઓ પ્રાપ્‍ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી લોકકલ્‍યાણ અને માનવજીવનના ઉત્‍થાન માટે કાર્ય કરતા રહેવાની સાથે જેમને પોતાનું સર્વસ્‍વ જીવન તમારા માટે ખર્ચી નાંખ્‍યું છે તેમનું સન્‍માન કરવાની સાથે કૃષિ વિકાસમાં ભાગીદાર બનશો તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્‍તે ડૉ. આર. કે. ઠુમરને બેસ્‍ટ ટીચરનો અને ડૉ. બી. ડી. પટેલને બેસ્‍ટ રીસર્ચનો જયારે ડૉ. ડી. ડી. ચૌધરીને બેસ્‍ટ સહાયક રીસર્ચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. ગુજરાત કો.ઓ. મિલ્‍ક માર્કેટીંગ ફેડરેશનના મેનેજીંગ ડાયરેકટર શ્રી આર. એસ. સોઢીએ દિક્ષાંત પ્રવચન કરતાં પદવીધારકોને તેમના નવીન વિચારો દ્વારા દેશના કિસાનો માટે વધુ સારા મોડલ વિકસિત કરવાની સાથે રાષ્‍ટ્ર નિર્માણમાં યોગદાન આપવા જણાવ્‍યું હતું.

શ્રી સોઢીએ આવનારા સમયમાં ભારતમાં કૃષિ ક્ષેત્રે ખુબ જ મોટી રોજગારી પેદા થવાની સાથે ન્‍યુટ્રીશન ફુડ પુરૂં પાડી શકવાની ક્ષમતા ધરાવશે ત્‍યારે પદવીધારકો જયારે વિવિધ ક્ષેત્રોમાં જાય ત્‍યારે  તેઓ તેમના વર્ક-ઇમાનદારીથી ઇમેજ અને ઇજજત બનાવશે તેવી આશા વ્‍યકત કરી હતી.

શ્રી સોઢીએ વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રોમાં આવનારા પરિવર્તનો અને સમસ્‍યાઓ સામે આજની યુવા પેઢીને આગળ આવીને કૃષિ સપ્‍લાય ચેનને મજબૂત બનાવવા પોતાની ભાગીદારી નિભાવવા કહ્યું હતું.

શ્રી સોઢીએ યુવાનોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કૃષિ, પશુપાલન અને અન્‍ય સંબંધિત પ્રવૃત્તિઓને વધુ સારી બનાવવી એ આજની યુવા પેઢીની જવાબદારી છે તેમ જણાવી પદવીધારક વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ, તાંત્રિક સંશોધન અને વિકાસની મદદથી કૃષિને નફાકારક વ્‍યવસાય બનાવવામાં પોતાની સક્રિય ભૂમિકા ભજવશો તેવી આશા વ્‍યકત કરી શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ ડેરી એન્‍જિનિયરીંગના સ્‍નાતક અને અનુસ્‍નાતક  કક્ષાએ જરૂરી સાધનો સુચારૂં રીતે ગોઠવી ઉપયોગ થઇ શકે તથા વિદ્યાર્થીઓ ડેરી એન્‍જિનિયરીંગના વિષયોનો ઊંડાણપૂર્વક જ્ઞાન પ્રાપ્‍ત કરી શકે તે માટે રૂા. ૮૮.૨૦ લાખના ખર્ચે નવનિર્મિત લેબોરેટરી

તથા કોલેજ ખાતે સ્‍નાતક કક્ષાના ચાર વર્ગ તેમજ અનુસ્‍નાતક કક્ષાના છ વર્ગોની સત્રાંત પરીક્ષાઓ, મીડ સેમેસ્‍ટર પરીક્ષાઓ તેમજ પૂરક પરીક્ષાઓ લેવામાં આવે છે તે માટેના રૂા. ૧૦૦ લાખના ખર્ચે નવનિર્મિત એકઝામિનેશન હોલની તકતીનું અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે  રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને  ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૬મા વાર્ષિક અહેવાલ, કૃષિ પાકોમાં પ્રોસેસીંગ અને મુલ્‍યવર્ધન તથા કરૂણા અભિયાન પુસ્‍તિકાનું વિમોચન કરવામાં આવ્‍યું હતું.

પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. વી. વ્‍યાસે સ્‍વાગત પ્રવચન કરી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ તેમજ વૈશ્વિક મહામારીના સમયમાં પણ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને અસર ન થાય

અને નિરંતર શૈક્ષણિક કાર્ય ચાલુ રહે તે માટે કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો આપી હતી. તેમણે વધુમાં આણંદ કૃષિ યુનિવર્સિટીએ વર્ષ-૨૦૧૯માં આઇસીએઆર રેન્‍કીંગમાં ૨૪મું સ્‍થાન મેળવીને ગુજરાતમાં પ્રથમ રહી હતી. આજ રીતે વર્ષ-૨૦૨૦માં અટલ રેન્‍કીંગમાં યુનિવર્સિટીએ ચોથું સ્‍થાન મેળવ્‍યું હોવાનું જણાવ્‍યું હતું. અંતમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના રજિસ્‍ટાર ડૉ. એમ. એમ. ત્રિવેદીએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે વિવિધ યુનિવર્સિટીઓના કુલપ્‍તિશ્રીઓ, બોર્ડના સભ્‍યો, વિવિધ ફેકલ્‍ટીઓના ડીનશ્રીઓ અને વડાઓ, પ્રાધ્‍યાપકશ્રીઓ, વૈજ્ઞાનિકો, એકેડેમીક, રીસર્ચ, એકસટેન્‍શન કાઉનસિલના પ્રાધ્‍યાપકશ્રીઓ, સુવર્ણપદક ધારક વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે પદવીધારક વિદ્યાર્થીઓ-વાલીઓ આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી કરવામાં આવી રહેલ જીવંત પ્રસારણના માધ્‍યમથી જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.