Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં દોઢ વર્ષ પછી 4જી નેટવર્ક ફરી શરૂ થયું

જમ્મુ, જમ્મુ-કાશ્મીરમાં ૪જી નેટવર્કની સર્વિસ ફરીથી શરૃ કરવામાં આવી હતી. કાશ્મીરના પ્રવક્તાએ કહ્યું હતું કે સમગ્ર કાશ્મીરમાં ૪જી નેટવર્કની સુવિધા રિસ્ટોર કરી દેવામાં આવી છે.

આર્ટિકલ-૩૭૦ રદ થયા પછીથી સુરક્ષાના  કારણોસર આખાય જમ્મુ-કાશ્મીરમાં ૪જી નેટવર્કની સર્વિસ બંધ કરવામાં આવી હતી. ઓગસ્ટ-૨૦૧૯થી ૪જી નેટવર્ક બંધ હતું. એના બરાબર ૧૮ માસ પછી સરકારે ૪જી નેટવર્ક શરૂ કરી દીધું છે.

કાશ્મીર પ્રશાસનના પ્રવક્તા રોહિત કાન્સલે કહ્યું હતું કે આખાય જમ્મુ-કાશ્મીરમાં ૪જી નેટવર્ક શરૃ કરી દેવાયું છે. જોકે, ગયા વર્ષે ઈન્ટરનેટ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે જાન્યુઆરીમાં ૨જી નેટવર્કની સર્વિસ શરૃ કરી દેવામાં આવી હતી.

કાશ્મીરના પુલવામા સહિતના વિસ્તારોમાં તંગદિલી સર્જાઈ હતી ત્યારે થોડા સમય પહેલાં એ ૨જી નેટવર્ક થોડા દિવસો માટે બંધ રખાઈ હતી. એ સિવાય ૨જીની સર્વિસ ચાલુ રખાઈ છે.

૪જી નેટવર્કનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. આખાય જમ્મુ-કાશ્મીરમાં ૪જી નેટવર્ક આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ થઈ હતી. એ વખતે સ્પેશિયલ કમિટીએ એવી દહેશત વ્યક્ત કરી હતી કે અત્યારે ૪જી નેટવર્ક શરૃ થવાથી અફવા ફેલાશે અને તેનાથી જમ્મુ-કાશ્મીરની શાંતિ ડહોળાશે.
૪જીની સર્વિસ ચાલુ થઈ તેને જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓએ આવકાર આપ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને ૪જી સર્વિસ શરૃ થઈ તે બાબતે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.