Western Times News

Latest News from Gujarat

૩૩ દિવસ વેરાન ટાપુ પર ૨ પુરુષ, ૧ મહિલા ફસાઈ રહ્યા

ફ્લોરિડા: અમેરિકન કોસ્ટ ગાર્ડે ક્યુબાના ૩ નાગરિકોને એક વેરાન ટાપુ પરથી ૩૩ દિવસ પછી બચાવી લીધા છે. તેઓની બોટ દરિયાના પાણીમાં ફસાઈને તૂટી ગઈ હતી. ત્યારબાદ આ લોકો કોઈરીતે તરીને આ ટાપુ પાસે પહોંચ્યા હતા. આકાશમાં ચક્કર લગાવી રહેલા અમેરિકન કોસ્ટ ગાર્ડના લોકોએ તેઓને સૌપ્રથમ જાેયા હતા.

જે ૩ લોકોને આ વેરાન ટાપુ પરથી બચાવવામાં આવ્યા છે તેમાં ૨ પુરુષ અને ૧ મહિલા સામેલ છે. અમેરિકન કોસ્ટ ગાર્ડના લેફ્ટિનેન્ટના જણાવ્યા મુજબ, આ લોકો ૩૩ દિવસ પછી સુરક્ષિતરીતે બચી ગયા તે અવિશ્વનિય છે.

આ લોકો શારીરિકરીતે આજે પણ એટલા જ તંદુરસ્ત છે કે જેટલા ૩૩ દિવસ પહેલા હતા. આ વેરાન ટાપુ પર એક મહિના કરતા વધારે સમય રહેવા છતાં આ લોકોના શરીર પર કોઈ અસર પડી નથી. તેમણે આ વેરાન ટાપુ પર માત્ર નારિયેળ પર દિવસો પસાર કર્યા છે. તેઓ નારિયેળનું પાણી પીતા હતા અને ફળ ખાઈને દિવસો પસાર કરતા હતા. નારિયેળમાં શરીરને પોષણ આપે તેવા ઘણાં તત્વ હોવાથી તેઓને વધુ કોઈ સમસ્યા નડી નહોતી.

યુએસ કોસ્ટ ગાર્ડના જણાવ્યા મુજબ તેમનું વિમાન જ્યારે ફ્લોરિડા અને ક્યુબાના વેરાન ટાપુ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેઓને ૨ પુરુષ અને ૧ મહિલા જાેવા મળી. આ લોકો મદદ માટે ઝંડો લહેરાવી રહ્યા હતા. ત્યારબાદ કોસ્ટ ગાર્ડે તેઓને મદદ કરવા માટે રેડિયો સેટ, જમવાનું અને પાણી નીચે મોકલી આપ્યા હતા.

બાદમાં ત્યાં પહોંચેલી એક રેસ્ક્યુ બોટે આ લોકોને સુરક્ષિતરીતે નીકાળ્યા. જાણવા મળી રહ્યું છે કે આ વેરાન ટાપુ પર ફસાયેલા કોઈપણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નહોતી. તેમ છતાં તેઓને મેડિકલ સેન્ટરમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જલદી જ તેઓને ક્યુબન સરકારને સોંપવામાં આવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers