Western Times News

Gujarati News

રસીકરણ પ્રથમ ડોઝના ૨૮ દિવસ થયા, બીજાે ડોઝ આપવા માટે તૈયારીઓ

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના રસીકરણ અભિયાનને ૨૮ દિવસ પૂરા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૧.૨૩ લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ૧૧.૨૩ લાખ લોકો પૈકી ૭.૯૨ લાખ હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સ છે. હવે પ્રથમ ડોઝ લેનારને ૨૮ દિવસ પછી બીજાે ડોઝ આપવાની તૈયારી શરૂ કરવા માટે દેશભરમાં નવો જથ્થો આવી રહ્યો છે.

ગુજરાતમાં આગામી સપ્તાહથી બીજા ડોઝ માટે અભિયાન શરૂ થશે. અત્યાર સુધીમાં રસી લેનાર વ્યક્તિઓમાં સામાન્ય સિવાય કોઈ ગંભીર પ્રકારની આડઅસરના કિસ્સા નોંધાયા નથી. કોરોનાના દર્દીઓની સારવાર કરતાં સરકારી અને ખાનગી હોસ્પિટલોના દર્દીઓ, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ અને અન્ય કર્મચારીઓ, હોસ્પિટલના સફાઈકર્મીથી લઈને લેબોરેટરીના સ્ટાફને રસી આપવાની શરૂઆત ૧૬ જાન્યુઆરીથી થઈ હતી.

ગુજરાતમાં ૩ લાખથી વધુ સ્ટાફને રસી આપવાનો આરંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલ ખાતેથી થયો હતો. સામાન્ય હેલ્થ સ્ટાફને રસી પ્રત્યે ભરોસો બેસે તે માટે રસીકરણના પહેલા દિવસે અગ્રીમ હરોળના તબીબોએ પ્રથમ ડોઝ લીધો હતો. પંદર દિવસ બાદ ફ્રન્ટલાઈન વર્કર્સ એટલે કે, પોલીસ, મહેસૂલ, શહેરી વિકાસ હેઠળના મહાનગરપાલિકા, પાલિકા, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ માટે રસીકરણની શરૂઆત થઈ હતી. રવિવારે પૂરા થયેલા ૨૮મા દિવસે રાજ્યના ૩૧૭ કેંદ્ર પરથી માત્ર ૬૯૮૩ લોકોએ રસી લીધી હતી. રસી લેનારા લોકોની સંખ્યા ૭,૯૧,૬૦૨ પર પહોંચી છે.

રાજ્ય સરકારે જાહેર કરેલા આંક પ્રમાણે ૧૧.૨૩ લાખ લોકોને હવે બીજાે ડોઝ આપવાનો છે. ૨૮ દિવસ પછી રસીનો બીજાે ડોઝ આપવો જરૂરી છે તેમ તબીબી ક્ષેત્રોના નિષ્ણાતોએ જણાવ્યું છે. આ ડોઝ સમયસર એ જ પદ્ધતિથી આપાવાની શરૂઆત થાય તે જરૂરી છે. પહેલા ડોઝના ૨૮ દિવસ પછી બીજાે ડોઝ અપાય તેના બે સપ્તાહ બાદ જે તે વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ વધવાની શરૂઆત થાય છે.

આ તરફ રાજ્યમાં કોરોનાનું પ્રમાણ ઘટતું જાેવા મળી રહ્યું છે. રવિવારે ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૨૪૭ કેસ નોંધાયા હતા અને અમદાવાદમાં એક દર્દીનું મોત થયું હતું. રાજ્યના ૧૧ જિલ્લા એવા છે જેમાં એક પણ કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.