Western Times News

Gujarati News

કંપનીનું બનાવટી મેઈલ આઈડી બનાવી ઈરાનમાંથી ર૪ લાખ પડાવવાનો કારસો

ગઠીયાના બેંક એકાઉન્ટમાં નાણાં પહોચે તે પહેલા સાયબર ક્રાઈમે ઈરાનની કંપનીને પરત અપાવ્યા

ગાંધીનગર : આયાત-નિકાસના ક્ષેત્રે સાથે સંકળાયેલી કંપનીઓ હવે ઓનલાઈન વ્યવહારો કરતી થઈ છે. પણ તેનો ગેરલાભ લેવાના પ્રયાસો પણ થઈ રહયા છે. છત્રાલ ખાતે આવેલી એક કંપનીના નામે રૂ.ર૪.૩૧ લાખની છેતરપિંડી થઈ હતી પરંતુ ગાંધીનગર એજન્સી સાઈબર ક્રાઈમે પોલીસે પોતાના પ્રયત્નોથી આ નાણાં પરત અપાવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ છત્રાલ જીઆઈડીસીમાં આવેલી અમી રેફ્રાકસ્ટ્રા હોલ્ડ નામની કંપની સ્ટીલની વસ્તુઓ બનાવે છે. ઈરાનની અમોલ કાર્બારેન્ડમ નામની કંપની સાથે એક સોદા માટે ઈમેલ મારફતે વ્યવહાર થતો હતો. કોઈ ગઠીયાએ છત્રાલની કંપની જેવું ભળતું ઈમેલ આઈડી બનાવી ઈરાનની કંપનીનો વિશ્વાસ કેળવ્યો હતો અનેરૂ.ર૪.૩૧ લાખ મંગાવ્યા હતા. ઈરાનની કંપનીએ આ રકમ મેઈલ આઈડીમાં જણાવ્યા મુજબ ટ્રાન્સફર કરી હતી અને છત્રાલની કંપનીને ઉત્પાદનો મોકલવા જણાવ્યું હતું. છત્રાલની કંપનીએ નાણા મળ્યા હોવાનો ઈનકાર કર્યો હતો જેથી ઈરાનની કંપનીએ નાણાં ચુકવ્યા હોવની બાબતના પુરાવા અને સ્કિનશોટ મોકલ્યા હતાં.

આમ ભળતુ ઈમેલ આઈડી બનાવી છેતરપિંડી થયાની ખાતરી થતાં ગાંધીનગર રેન્જની સાઈબર ક્રાઈમ પોલીસને ફરીયાદ કરાઈ હતી. રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાના માર્ગદર્શનમાં રહેલી સાયબર પોલીસે ઈરાનમાંથી ટ્રાન્સફર થયેલા નાણાં અંગે ફોરેકસ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો હતો. રૂ.ર૪.૩૧ લાખ ફોરેકસ વિભાગે પાર્કીગ એકાઉન્ટમાં રાખ્યા હતા, જેથી તેને તરત જ ઈરાનની કંપનીના ખાતામાં પરત મોકલાયા હતા.

સાયબર ક્રાઈમના પોલીસ ઈન્સ્પેકટર એસ.એન. ચૌધરી અને પીએસઆઈ ડી.ડી. રહેવરે આઈપી એડ્રેસની મદદથી બનાવટી ઈ-મેઈલ બનાવનારા સુધી પહોચવા પ્રયાસ કર્યો હતો. જેમાં આઈપી એડ્રેસ વિદેશનું હોવાનું જણાયું હતું. પોલીસે તેને ટ્રેસ કરવાનો સતત પ્રયાસ કર્યો હતો પરંતુ તે બાઉન્સમાં થતું હતું. વિદેશની કોઈ ગેગ રાજયના ઉધોગો સાથે છેતરપિંડી કરવા મથી રહી હોવાનું પોલીસ માને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.