Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સુપર સ્પ્રેડરના એન્ટીજન ટેસ્ટ કરશે

પ્રતિકાત્મક

શહેરમાં ૧પ સ્થળે શાકભાજી, કરીયાણા, દવા વિક્રેતા, વાળંદ, રીક્ષાચાલકના ટેસ્ટ થશે

સુપર સ્પ્રેડર ટેસ્ટના સ્થળ
(૧) નારણપુરા : નવદીપ હોલ પાસે, (ર) રાણીપ : રાણીપ કોમ્યુનીટી હોલ, વાડીગામ સોસાયટી, (૩) સાબરમતી : રૂશ્વણી ભાવસાર હોલ, સાબરમતી (૪) નવરંગપુરા : ટાઉન હોલ પોલીસ સ્ટેશન, એલીસબ્રીજ (પ) ઓઢવ : અંબિકાનગર (૬) ઓઢવ : ગુજરાતી મ્યુનિ.શાળા, ટેક્ષટાઈલ ચાર રસ્તા (૭) ગોતા : શ્રિનાથ એવન્યુ, વંદેમાતરમ્‌ ટાઉનશીપ (૮) થલતેજ : થલતેજ ગામ શાકમાર્કેટ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે. મનપા દ્વારા કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે બગીચા, લેઈક ફ્રન્ટ, ઝૂ, જીમ્નેશીયમ તથા શહેર પરિવહન સેવાઓ અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવ્યા છે. તદ્‌પરાંત શનિવાર અને રવિવારે મોલ-મલ્ટીપ્લેક્ષ બંધ રાખવા હુકમ કર્યા છે સાથે સાથે રાત્રી કરફર્યુની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

મ્યુનિ. કોર્પોરેશનના આ તમામ પગલા અપુરતા સાબિત થઈ રહયા હોવાથી વધુ એક વખત સુપર સ્પ્રેડરના એન્ટીજન ટેસ્ટ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે “મીમ” દ્વારા એ.એમ.ટી.એસ અને બી.આર.ટી.એસ સેવા નિયમ મુજબ કાર્યરત કરવા માટે કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. શહેરની જાહેર પરિવહન સેવા બંધ છે જયારે શટલ રીક્ષાઓમાં સાતથી આઠ મુસાફરો ભરવામાં આવી રહયા છે તેની સામે વિરોધ વ્યકત થઈ રહયો છે. સરકારનો “ઘા” માત્ર “ગરીબો” પર જ થઈ રહયો હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહયા છે.

શહેરમાં કોરોના વ્યાપને અટકાવવા માટે સુપર સ્પ્રેડરના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યા મુજબ શાકભાજી, કરીયાણા, રીક્ષાચાલક, વાળંદ, કડિયાકામ કરતા કારીગર, મેડીકલ સ્ટોર્સના માલિક વગેરે સંભવિત સુપર સ્પ્રેડર્સના એન્ટીજન ટેસ્ટ કરી તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા કોમ્યુનીટી હોલ, મસ્ટર સ્ટેશન જેવા કુલ ૧પ સ્થળોએ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે.

તદ્‌પરાંત ફુડ આઈટમની ડીલીવરી કરતા “ડીલીવરી બોય” તેમજ સુપર માર્કેટમાં કામ કરતા કર્મચારીઓના ફરજીયાત આરટી- પીસીઆર ટેસ્ટ થશે જેની જવાબદારી કોઈ એક એજન્સીને સોપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે પાછલા વરસે પણ તંત્ર દ્વારા સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં બહેરામપુરાની એક જ ચાલીમાંથી ૩૦ કરતા વધુ સુપર સ્પ્રેડર્સના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં સુપર સ્પ્રેડરને શોધવાની કવાયત મે મહીનાના બીજા સપ્તાહમાં શરૂ કરવામાં આવી હતી. ૦૮ થી ૧૪ મે દરમ્યાન તંત્ર દ્વારા ૭૦૯ સુપર સ્પ્રેડરને શોધવામાં આવ્યા હતા જેમાં ખાડીયા વોર્ડમાં સૌથી વધુ ૬પ સુપર સ્પ્રેડર કન્ફર્મ થયા હતા મે મહીનામાં કરવામાં આવેલા ટેસ્ટીંગ બાદ કુબેરનગર વોર્ડમાંથી ૪૬, અસારવામાં ૩૬, બાપુનગર-૩૬, લાંભા વોર્ડમાં ૧૧, વસ્ત્રાલમાં ૧૪, વાસણામાં ૩૧ સુપર સ્પ્રેડરના રીપોર્ટ પોઝીટીવ આવ્યા તે સમયે રેડઝોનના દસ વોર્ડમાંથી ર૦૯ સુપર સ્પ્રેડર મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.