Western Times News

Gujarati News

હું રોટલી બનાવતી હોઉં ત્યારે રવિન્દ્ર જાડેજા ચા બનાવતા હોય છેઃ રીવાબા

‘દીકરીને ભણતર અને દીકરાને સાવરણી બંને એક સરખા છે. -પુરુષો ઘરનું કામ કરશે તો દરબારીપણું જતું નહીં રહે- રીવાબા જાડેજા

રાજકોટ: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્રસિંહ જાડેજાનાં ધર્મપત્ની રીવાબા જાડેજાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં રીવાબા જાડેજા મહિલાઓને સંબોધતા કહી રહ્યા છે કે, ‘દીકરીને ભણતર અને દીકરાને સાવરણી બંને એક સરખા છે. આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે.

આપણા દીકરાઓને આપણે કહેવાની જરૂર છે કે તે પણ દીકરીની જેમ જ ઘરનું કામ કરે. ઘરનું કામ કરવાથી જાડેજા અથવા તો ઝાલા સરનેમ ને કોઈ ચોકડી નથી મારવાનું.

સાવરણી ઉપાડવાથી આપણું દરબારી પણ જતું નથી રહેવાનું. મારા પતિ રવિન્દ્ર સિંહ જાડેજા ને કોઈ કામ કરવાની જરૂર નથી. તેમ છતાં તેઓ ઘરમાં મને કામમાં મદદ કરાવે છે. ઘરકામમાં ૫૦% અમે એકબીજાની મદદ કરીએ છીએ. હું જ્યારે રોટલી બનાવતી હોય ત્યારે રવિન્દ્રસિંહ ચા બનાવતા હોય છે. આપણા સમાજમાં દાયકાઓથી જ્યારે પણ સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતા હોય છે.

બળાત્કાર જેવા હિન કૃતિઓ દીકરી સાથે કરતા હોય છે. ત્યારે ઘણા ખરા લોકો તે ઘટનાને લઇ દીકરીઓ ઉપર પણ પ્રશ્નાર્થ ચિન્હ લગાવતા હોય છે. દીકરી ની રહેણી કહેણી તેમજ તેના પહેરવેશ ને લઈને પણ ટીકાઓ કરતા રહેતા હોય છે. ત્યારે ઘણા સમયથી આપણા સમાજમાં એક વાત પ્રસરી રહી છે કે આપણે દીકરીઓને કેમ જીવતા શીખવું તે તો શીખવ્યું છે

તે માટે માતા-પિતાઓ શિખામણ આપતા હોય છે. પરંતુ ક્યારેય આપણે આપણા દીકરાઓને કેમ જીવવું તે શીખવ્યું છે ખરા? હાલ રીવાબા જાડેજાના વાયરલ થઇ રહેલા વીડિયોને સૌ કોઈ આવકારી રહ્યું છે. ત્યારે સાચા અર્થમાં રીવાબા જાડેજા ની શીખ સમાજના છેવાડાના લોકો સુધી પહોંચે અને તેનું અમલીકરણ થાય તે પણ જરૂરી છે. ત્યારે રીવાબા જાડેજા ની વાતનું અમલીકરણ તેમનો સમાજ ક્યારે કરે છે તે જાેવું અતિ મહત્વનું બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.