Western Times News

Gujarati News

કોરોનાગ્રસ્ત દર્દીના અપમૃત્યુનું મોટું કારણ મોડેથી ટેસ્ટ-તપાસ અને સારવાર માટે દવાખાને આવવું

કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે વિગતે જણાવે છે ડો. કમલેશ નિનામા

⦁ કોરોનાના લક્ષણોની ઉપેક્ષા ન કરવી, તાત્કાલિક ટેસ્ટ-સારવાર જરૂરી-  અઠવાડીયું-દસ દિવસ મોડેથી આવતા દર્દીઓને દવાની અસર પણ ઓછી થઇ જાય છે ⦁ હોમ આઇસોલેટ દર્દીઓએ પણ પોતાનું ઓક્સીજન લેવલ તપાસતું રહેવું

કોરોના સંક્રમણના કસોમાં મોટી સંખ્યામાં આવી રહ્યાં છે સાથે મોટી સંખ્યામાં દર્દીઓને ગંભીર હાલત પણ થતી જોવા મળી રહી છે અને ખૂબ ગંભીર દર્દીઓ અકાળે મૃત્યુ પણ પામી રહ્યાં છે. કોરોનામાં દર્દીની ગંભીર હાલત ન થાય અને મૃત્યુ જેવી સ્થિતિનો સામનો ન કરવો પડે એ માટે શું કરી શકાય એ વિશે દાહોદના ઝાયડસ ખાતેના કોવીડ હોસ્પીટલના નોડલ ઓફિસર ડો. કમલેશ નિનામા વિગતે માહિતી આપી છે. ડો. નિનામા ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે છેલ્લા વર્ષથી સતત કોવીડ દર્દીઓની સારવારમાં લાગેલા છે. તેમની વાત તેમના શબ્દોમાં અત્રે પ્રસ્તૃત છે.

ડો. કમલેશ નિનામા જણાવે છે કે, હું ડો. કમલેશ નિનામા આજે આપની સમક્ષ એક મહત્વની વાત મુકવા માગું છું. કોરોનાના કેસો વધી રહ્યાં છે અને ઘણાં દર્દીઓની સ્થિતિ ગંભીર થતા મૃત્યુનાં કિસ્સા પણ નોંધાઇ રહ્યાં છે. આવી પરિસ્થિતિ ન સર્જાય એ માટે આપણે શું સાવચેતી રાખવી જોઇએ તેની વાત હું કરીશ.

સૌપ્રથમ તો વ્યક્તિમાં કોરોનાના કોઇ પણ લક્ષણ જણાય તો વહેલામાં વહેલી તકે ટેસ્ટ-તપાસ કરાવી સારવાર લઇ લેવી જોઇએ. દર્દીની ગંભીર સ્થિતિ ત્યારે થાય છે જયારે તે દવાખાને મોડેથી તપાસ માટે આવે છે. ખાંસી, શરદી, તાવની તકલીફ હોય તેમ છતાં દર્દી સહન કરે અને દર્દી મોડું કરીને અઠવાડીયે-દસ દિવસે દવાખાને આવે તો એનો જે દવાનો સમયગાળો હોય છે તે પણ વીતી ગયો હોય છે. એટલે જે દવા આપીએ તેની અસર પણ ઓછી થતી હોય છે.

ખાસ કરીને બ્લડપ્રેસર, ડાયાબિટિશ, હ્રદય રોગ, ફેફસા કે કિડનીની તકલીફ હોય એવા દર્દીઓને જો થોડા ઘણા પણ કોરોનાના લક્ષણ જણાતા હોય તો તાત્કાલિક કોરોનાની તપાસ કરાવી, યોગ્ય ડોક્ટર જોડે સારવાર-સલાહ લેવી જોઇએ. ઘણાં દર્દીઓ હોમ આઇસોલેશનમાં હોય છે તેમનું ચાર-પાંચ દિવસે ઓક્સીજન લેવલ ઘટતું હોય છે. તો આવા દર્દીઓ નિયમિત રીતે ઓક્સીજનનું લેવલ ખાસ તપાસવું જોઇએ. ઓકસીજન લેવલ સામાન્ય છે એ તપાસવા આપણે છ મિનિટ સામાન્ય સ્પીડે ચાલીને ઓક્સીજન લેવલ તપાસવું જોઇએ.

બીજી મહત્વની વાત એ પણ છે કે ઓક્સીજન લેવલ ન ઘટે એ માટે આપણે જાતે શ્વાસની કસરતો પણ કરવી જોઇએ. સામાન્ય રીતે તકલીફ ન પડતી હોય પરંતુ ચાલીએ ત્યારે તકલીફ પડતી હોય અને ઓક્સીજન ઓછું જણાતું હોય તો પણ ડોક્ટરની સલાહ લેવી જોઇએ. પોતાના આવા લક્ષણો પ્રત્યે ઉપેક્ષા ન રાખવી જોઇએ.

જેટલી જલ્દી આપણે આ લક્ષણોને સમજીને સારવાર લઇશું એટલી જ વધુ શકયતા છે કે ગંભીર સ્થિતિને નિવારી શકીશું. જેટલે મોડેથી દવાખાને તપાસ માટે આવીશું એટલી જ સ્થિતિ વધુ ગંભીર થતી જશે. એટલે મારી સૌને વિનંતી છે કે, કોરોનાના નાનામાં નાના લક્ષણોની પણ ઉપેક્ષા ન કરવી જોઇએ અને વહેલામાં વહેલા ટેસ્ટ, નિદાન અને સારવાર કરવામાં આવશે તો કોરોનાની ગંભીર સ્થિતિથી બચી શકીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.