Western Times News

Gujarati News

પહેલી મેથી ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી અપાશે

Files Photo

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના નવા કેસ સતત રેકોર્ડ બનાવી રહ્યાં છે. નવા કેસનો આંકડો ૨ લાખનો પાર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણને માત આપવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી ૪૫ વર્ષથી ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી હતી. પહેલા ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું હતું. હવે કેન્દ્ર સરકારે મોટો ર્નિણય કર્યો છે. દેશમાં ૧ મેથી શરૂ થઈ રહેલા રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કામાં ૧૮ વર્ષથી ઉંમરના તમામ લોકોને રસી મળશે. આ માટે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી.

મહત્વનું છે કે દેશમાં પહેલા કોરોના વોરિયર્સ અને મેડિકલ સ્ટાફને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેશમાં ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના જે લોકોને કોઈ ગંભીર બીમારી છે તેના માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે ૪૫ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે રસીકરણની શરૂઆત કરી હતી. આ વચ્ચે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારને ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને પણ રસી આપવા માટે રજૂઆત કરી હતી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે અંગે મોટો ર્નિણય લીધો છે. દેશમાં ૧ મેથી ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થઈ જશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં ૯૨ દિવસમાં રસીના ૧૨ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે કુલ ૧૨,૨૬,૨૨,૫૯૦ ડોઝ લગાવવામાં આવ્યા છે. લાભાર્થીઓમાં સ્વાસ્થ્ય ક્ષેત્રના ૯૧,૨૮,૧૪૬ લોકો સામેલ છે જેને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને ૫૭,૦૮,૨૨૩ તે સ્વાસ્થ્ય કર્મી છે જેને બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે સરકાર પાછલા એક વર્ષથી વધુ સમયે તે નક્કી કરવા માટે કામ કરી રહી છે કે ઓછામાં ઓછા સમયમાં સૌથી વધુ ભારતીયોને કોરોના વેક્સિન મળી શકે.૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વાયરસ વેક્સિનને લઈને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે

તેને લઈને જલદી પ્રોટોકોલ વિશે જાણકારી આપવામાં આવશે. આ લોકોએ વેક્સિન માટે પૈસા આપવા પડશે કે નહીં તે વિશે સરકાર જલદી જાણકારી આપશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨,૭૩,૮૧૦ નવા કોવિડ  દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૧,૫૦,૬૧,૯૧૯ પર પહોંચી ગયો છે. જેમાંથી ૯,૨૯,૩૨૯ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે ૧૨૯૫૩૮૨૧ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. એક જ દિવસમાં રાજ્યમાં ૧૬૧૯ લોકોના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૭૮,૭૬૯ થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૨,૩૮,૫૨,૫૬૬ લોકોને રસી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.