Western Times News

Gujarati News

ઘર કંકાસમાં માતાએ પુત્રીને લટકાવી પોતે આપઘાત કર્યો

Files Photo

ઘર કંકાસને કારણે માતા હત્યારી બની અને ફૂલ જેવી બાળકીની હત્યા કરી પોતે પણ આપઘાત કરીને મોતને વ્હાલું કર્યું છે

અમદાવાદ,  ઘર કંકાસમાં માતાએ ફૂલ જેવી દીકરીની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના બની છે. આ કેસમાં ઈસનપુર પોલીસે હત્યા અને દુષ્પ્રેરણાની અલગ અલગ બે ફરિયાદ નોંધી સાસરિયા પક્ષના ૬ લોકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

તસવીર જાેવા મળી રહેલી માતા-પુત્રીનો હસતો ચહેરો હવે કાયમ માટે ફોટામાં જ રહેશે. કારણ છે ઘર કંકાસને કારણે માતા હત્યારી બની અને ફૂલ જેવી બાળકીની હત્યા કરી પોતે પણ આપઘાત કરીને મોતને વ્હાલું કર્યું છે. ઇસનપુર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે માતા અને દોઢ વર્ષની દીકરીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

પોલીસે તપાસ કરતા માતા નિમિષા સોલંકીએ દોઢ વર્ષની દીકરી મૈત્રીને ગળેફાંસો આપી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યાનું સામે આવ્યું હતું. મહિલાનું આવું પગલું ભરવા પાછળનું કારણ ઘર કંકાસ હતું. જેથી પરિણીતાના સાસરિયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવાનો ગુનો નોંધી પોલીસે મૃતકના પતિ, સાસુ-સસરા સહિત ૬ લોકોની ધરપકડ કરી છે.

પોલીસનું કહેવું છે કે રાત્રે આ પરિવારમાં ઝઘડો થયો હતો. બાદમાં રાત્રે બધા સૂવા ગયા ત્યારે પરિણીતાએ પુત્રીની હત્યા કરી પોતે આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે મૃતક નિમિષાના લગ્નના ૩ મહિના પછી સાસરિયાઓએ માનસિક શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

ત્યાર બાદ નિમિષા પોતાના પિયર આવી ગઈ હતી અને વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં પરિણીતા નિમિષાએ સાસરિયા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. જેમાં સાસરિયાઓની ધરપકડ કરાઈ હતી. ફરિયાદ બાદ સાસરિયાઓ પુત્રવધૂ નિમિષાને સમજાવીને ઘરે લાવ્યા હતા.

પરંતુ પરિણીતાને ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું હતું. બનાવના દિવસે રાત્રે ઝઘડો થયા બાદ મહિલાએ આવું અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક પરિણીતાના લગ્નને બે વર્ષથી વધુનો સમય થયો છે. મૃતક પરિણીતાના ભાઈએ આક્ષેપ કર્યા છે કે તેની બહેન અને દોઢ વર્ષની ભાણીની તેના પતિ જીતેન્દ્ર સોલંકીએ જ હત્યા કરી છે. મૃતક પરિણીતાના પરિવાજનો આક્ષેપ છે કે બાળકીનો જન્મ થતા જ સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપતા હતા. પોલીસે સાસરિયા પક્ષના ૬ લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.