Western Times News

Gujarati News

ભરૂચમાં તંત્ર દ્વારા ત્રણ સ્થળે આઈસોલેશન કોવિડ કેર  સેન્ટર કાર્યરત કરાયા

તબીબી સ્ટાફનું મોનીટરીંગ સાથે દવા અને જમવા સહિતની વ્યવસ્થા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને હોસ્પિટલોના બેડ ભરાઈ ચુકયા છે.કોવીડના સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓની સુવિધા માટે વહીવટી તંત્ર તરફથી ત્રણ સ્થળે આઈસોલેશન કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

ભરૂચમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હોસ્પિટલો દર્દીઓથી ભરાય ચુકી છે.કોવીડના સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓ બેડના અભાવે સારવારથી વંચિત ન રહી જાય તે માટે વહીવટીતંત્ર તરફથી ત્રણ સ્થળોએ આઈસોલેશન કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.ભરૂચ જીલ્લામાં એક વર્ષમાં કોરોનાથી પીડીત દર્દીઓની સંખ્યા પાંચ હજાર થી વધુ થઈ છે.ખાસ કરીને કોરોનાની બીજી લહેર લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે.

દર્દીઓની વધી રહેલા સંખ્યાના કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલના બેડ ફુલ થઈ ગયા છે.આવા સંજોગોમાં ભરૂચ જીલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડીયાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરમાં ત્રણ સ્થળોએ આઈસોલેશન કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજની હોસ્ટેલમાં શરૂ કરાયેલાં આઇસોલેશન કેર સેન્ટરમાં જે દર્દીઓમાં કોરોનાના લક્ષણ હોય પણ ઓકિસજન લેવલ ૯૩ થી ૯૫ ની વચ્ચે રહેતું હોય તેમને તથા જે દર્દીઓને તબીબે હોમ આઇસોલેશન થવાની સલાહ આપી હોય પણ ઘરમાં સુવિધા ન હોય તેવા દર્દીઓને દાખલ કરવામાં આવી રહયાં છે.અહીં દર્દીઓને નાસ્તો, ભોજન અને નિયમિત સારવાર આપવામાં આવી રહી છે અને તેનાથી દર્દીઓ પણ સંતોષની લાગણી અનુભવી રહ્યા છે.

ભરૂચના એસડીએમ એન.આર.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આઇસોલેશન કેર સેન્ટર ખાતે ઓકિસજન સહિતની અનેક સુવિધાઓ ઉભી કરાશે. કોરોનાથી કોઈનું મૃત્યુ ન થાય અને તેમને સમયસર સારવાર મળી રહે તે માટે તંત્ર તમામ શકય પ્રયાસો કરી રહ્યું છે.

ભરૂચના કોરોના ના સામાંન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ  અને ઘરમાં આઈસોલેશનની યોગ્ય વ્યવસ્થા ન હોય તેવા લોકો માટે વહીવટી તંત્રની આ વ્યવસ્થા આશીર્વાદરૂપ  કહી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.