Western Times News

Gujarati News

વાળ્યા ન વળ્યા તે હાર્યા વળ્યા

પ્રતિકાત્મક

હાઇકોર્ટની ફીટકાર બાદ ૧૦૮ સહીતના તઘલખી નિર્ણયો રદ્‌ કરવામાં આવ્યા

(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાતીની કહેવત “વાળ્યા ન વળે તે હાર્યા વળે” મ્યુનિ. કોર્પોરેશનના કોવિડ સ્પેશ્યલ અધિકારીઓ માટે સાચી સાબિત થઈ છે. છેલ્લા એક મહીના દરમ્યાન તઘલખી નિર્ણયો લઈને પ્રજાને પરેશાન કરવામાં આવી હતી. નાગરીકોની લાખ કાકલુદી છતાં સત્તાના નશામાં મસ્ત અધિકારીઓ નિર્ણયમાં ફેરબદલ કરવા માટે તૈયાર ન હતા.

પરંતુ ગુજરાત હાઇકોર્ટની આકરી ફીટકાર બાદ ગણતરીના કલાકોમાં જ “ગાડી સીધા પાટા” પર આવી ગઈ છે. તેમજ સત્તાનો નશો હાલ પૂરતો તો ઉતરી ગયો છે. હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા કોવિડ દર્દીઓ માટે અને “માનવીય” નિર્ણયો લેવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના નાગરીકોએ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે એડમીટ થવા માટે ૧૦૮માં જ જવાનો નિર્ણય ગાંધીનગરથી મોકલવામાં આવેલા ઓએસડી અને મ્યુનિ.કમીશ્નરે જાહેર કર્યો હતો. તેમના આ તઘલખી અને મનસ્વી નિર્ણયના પરીણામે ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ પરેશાન થઈ ગયા હતા.

સીવીલ હોસ્પિટલમાં રોજ ૩૦ થી ૪૦ ૧૦૮ એમ્બ્યુલન્સની લાઇનો લાગતી હતી તથા ૧૦૮ માટે દર્દીઓ બે-બે દિવસ સુધી પ્રતિક્ષા કરવા મજકુર બન્યા હતા. કોવિડ જેવી મહામારીમાં જ્યાં એક-એક પળ કીંમતી છે ત્યાં માત્ર હોસ્પિટલ સુધી જવા માટે ૪૮ કલાક સુધી રાહ જાેવામાં આવે તો તેના પરિણામ અંગેની કલ્પના કરવી જ મુશ્કેલ છે.

તેમ છતાં ગાંધીનગર થી માત્ર કોરોનાને નાથવા માટે આવેલા તજજ્ઞો કોઈ વાતે માનવા તૈયાર થયા ન હતા. જેના પરીણામે, અનેક દર્દીઓએ હોસ્પિટલ એડમીશનની લાઈનમાં જીવ ગુમાવ્યા છે. એક મહીલાનુ તો સીવીલ કેમ્પસમાં ઓક્સીજન ટેન્ડ અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સામે જ મૃત્યુ થયુ હતુ.

જ્યારે કોરોનાના એક શંકાસ્પદ દર્દી ૧૦૮ સેવા વિના શારદાબેન હોસ્પીટલમાં દાખલ થવા ગયા હતા. હોસ્પિટલના દરવાજા પાસે દર્દી તરફડીયા મારી રહ્યા હતા તેમછતાં સત્તાના નશામાં માનવતા ભૂલી ગયેલા લોકોને લેશમાત્ર દયા આવી ન હતી.
મ્યુનિ. કોર્પોરેશનમાં “કોવિડ” ની જ ફરજ બજાવતા આયાતી અધિકારીઓએ માત્ર ૧૦૮માં દાખલ થવાનો જ તઘલખી નિર્ણય લીધો હોય તેમ પણ નથી.

અમદાવાદના આધારકાર્ડ વિના દર્દીઓને દાખલ ન કરવાની જાહેરાત પણ થઈ હતી. પરંતુ હાઇકોર્ટના ડરથી તેમાં ફેરવી તોળ્યુ હતુ. રેમડેસીવીર ઇન્જેકશન હોય કે પછી ઓક્સીજન સીલીન્ડર ! તમામ મામલે “ઓન સ્પેશ્યલ ડ્યુટી” અધિકારીઓ નિષ્ફળ સાબિત થયા છે.

તેથી તેમની નિષ્ફળતા ઢાંકવા માટે અવાર નવાર સુપર સ્પ્રેડરના ટેસ્ટ કે પછી પરિવહન સેવા બંધ કરવા જેવા અન્ય તઘલખી નિર્ણયો જાહેર કરે છે. શહેરમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ચાલી રહી છે. શટલ રીક્ષામાં સાત-આઠ પેસેન્જરો મુસાફરી કરી રહ્યા છે. તે તરફ ધ્યાન આપવામાં આવ્યુ નથી. ભૂતકાળની માસ્ક કોવિડ ગાઇડલાઇન ના ચુસ્ત અમલ સાથે એએમટીએસ અને બીઆરટીએસ શરૂ થઈ શકે તેમ હતી. પરંતુ તે તરફ પણ ધ્યાન આપવામાં આવ્યુ નથી.

પ્રથમ લહેર સમયે હોમ આઇસોલેશન માટે જે કામગીરી કરવામાં આવતી હતી તે પણ બંધ થઈ ગઈ છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ બંધ છે પરંતુ શાકમાર્કેટ ખુલ્લા છે પ્રથમ લહેર સમયે શાકમાર્કેટમાંથી વધુ સુપર સ્પ્રેડર મળ્યા હતા તે બાબત આ મહાનુભાવો ભૂલી ગયા છે.

શહેરના નાગરિકોના પરસેવાની કમાણીમાંથી તૈયાર થયેલ એસ.વી.પી. હોસ્પિટલ માત્ર વી.આઈ.પી.ઓ માટે જ તૈયાર કરવામાં આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ હતુ. પરંતુ કહેવત છે ને કે ઉપરવાળા ની લાકડીનો અવાજ આવતો નથી. અહીં ઉપરવાળા એટલે હાઇકોર્ટ સમજવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.