Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં પ્રથમ લૉકડાઉન જેવો માહોલ

અમદાવાદમાં ફરીવાર સન્નાટો છવાયો, વેપારી વર્ગને મોટા નુકસાનનો ભય

અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતના ૨૯ શહેરોમાં અમુક અપવાદને બાદ કરતાં લગભગ ગત વર્ષ જેવું જ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે ફરીએકવાર વેપાર ધંધા ઠપ્પ થઈ જવાની સંભાવનાઓ જણાઈ રહી છે. સામાન્યપણે જે રસ્તાઓ પર આખો દિવસ અવરજવર રહેતી હતી તે રસ્તાઓ પર સન્નાટો જાેવા મળ્યો હતો.

રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને વેપારી વર્ગ લોકડાઉનના નિયમોનું પાલન તો કરી રહ્યા છે પરંતુ તેમને ચિંતા છે કે પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે ધંધામાં થયેલા નુકસાનની રિકવરી થવામાં વાર લાગશે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્ના જણાવે છે કે, પ્રથમ લૉકડાઉન પછી લોકોની માંગને કારણે ઠપ્પ થયેલા વેપારને ઉભા કરવામાં ઘણી મદદ મળી હતી. પરંતુ આ વર્ષે કદાચ વેપારીઓએ વધારે નુકસાન ઉઠાવવું પડે.

જમાલપુર શાક માર્કેટ પાસે રાબેતા મુજબ ભીડ જોવા મળી હતી. (તસવીરઃ જયેશ મોદી)

અત્યારે લોકોમાં ભયનો માહોલ છે, કારણકે કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને સાથે જ જરૂરી વસ્તુઓની તંગી પણ વર્તાઈ રહી છે. આ સિવાય વેપારીઓ ઈચ્છે છે કે સરકાર તરફથી ખુલાસો કરવામાં આવે કે જથ્થાબંધના વેપારીઓ જેમનું કામ પોતાની દુકાનથી થતું હોય છે, તે પોતાની દુકાન ચાલુ રાખી શકે છે કે નહીં.

જયેન્દ્ર આગળ જણાવે છે કે, અમને સરકાર પાસેથી આશા છે કે તે ઓનલાઈન માર્કેટ સાથેની હરિફાઈનો સામનો કરી શકાય તેવા કોઈ પગલા પણ લે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓનલાઈન પ્લેટફોર્મ્સને માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓની જ ડિલિવરી કરવાની મંજૂરી હોવી જાેઈએ.

ઉલ્લેખનીય છે કે જ્યારથી રાત્રિ કર્ફ્‌યુનો સમય ૮ વાગ્યાનો કરવામાં આવ્યો છે, રેસ્ટોરાં માલિકોએ સૌથી વધારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. અને હવે તાજેતરમાં ઉમેરવામાં આવેલા નવા નિયમોને કારણે તેમના નુકસાનમાં ચોક્કસપણે વધારો થશે. જાે કે, ઓનલાઈન ફૂડ ડિલિવરીની મંજૂરી એક રાહતની બાબત છે.

હોટલ્સ એન્ડ રેસ્ટોરન્ટસ અસોસિએશનના પ્રેસિડન્ટ નરેન્દ્ર સોમાણી જણાવે છે કે, ફૂડ ડિલિવરીની મંજૂરી રાતના ૧૧ વાગ્યા સુધી હોવી જાેઈએ. જાે રેસ્ટોરાંમાં આવતા ઓર્ડરના સંદર્ભમાં વાત કરીએ તો માત્ર ૨૦ ટકા જેટલો ધંધો બચ્યો છે. કોરોનાને કારણે લોકોમાં ડરનો માહોલ છે. અમુક રેસ્ટોરાંમાં ટેકઅવેની સુવિધા ચાલુ રાખવામાં આવી છે, પરંતુ અમુકે આવતા અઠવાડિયા સુધી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.