Western Times News

Gujarati News

મચ્છરજન્ય રોગચાળો કાબુ બહાર ગયા બાદ આઈઆર સ્પ્રેનો કોન્ટ્રાક્ટ અપાશે

કોન્ટ્રાક્ટરોની સિન્ડીકેટ તૂટીઃ રૂ.૩પ ના ભાવ આપ્યા બાદ રૂ.ર૧ ના ભાવથી કામ કરવા તૈયાર!!

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સામાન્ય રીતે ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં મનપા દ્વારા રોગચાળાને નિયંત્રણમા લેવા માટેના તમામ પગલાં લેવામાં આવે છે જેમાં આઈઆર સ્પ્રે અને ફોગીંગ સાધનોની ખરીદી મુખ્ય છે. પરંતુ ચાલુ વરસે અગમ્ય કારણોસર શાસકપક્ષે આ બંન્ને કામોને મંજુરી આપી નહોતી. હાલ, મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. તથા રાજ્ય સરકારે પણ આ મામલે ગંભીર નોંધ લઈ રહી છે જેના કારણે મ્યુનિસિપલ શાસકોએ ઘરે ઘરે જઈને દવા છંટકાવના કોન્ટ્રાક્ટરો સાથે સમજુતિ કરી છે. તથા આગામી શનિવારે મળનાર મીટીંગમાં આઈઆર સ્પ્રે ના કોન્ટ્રાક્ટને મંજુરી આપવામાં આવશે.

શહેરમાં મેલેરીયા, ઝેરી મેલેરીયા અને ડૈન્ગ્યુના કેસ ચિંતાજનક હદે વધી રહ્યા છે. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોની ઉત્પતિને નિયંત્રણમાં લેવા માટે તકેદારીના તમામ પગલાં લેવાં આવી રહ્યા છે. તથા મચ્છરોના પોરા નાશ કરવા માટે વિવિધ ઉપાયો પણ થઈ રહ્યા છે તેમ છતાં દવા છંટકાવ વિના રોગચાળાને નિયંત્રણમાં લેવા મુશ્કેલ છે. દર વરસે મે-જૂન મહિનામાં અંદાજે સાડા સાત લાખ મકાનોમાં આઈઆર સ્પ્રેના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. સદર સ્પ્રેની અસર ત્રણ મહિના સુધી રહેતી હોવાથી ઘરોમાં મચ્છરોનો ઉપદ્રવ રહેતો નથી.


ચાલુ વરસે પણ આઈઆર સ્પ્રે ના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં મકાનોની સંખ્યા ઘટાડીને સવા બે લાખ કરવામાં આવીં હતી. તેથી કોન્ટ્રાક્ટરોએ ઘરદીઠ રૂ.૩પ ના ભાવ આપ્યા છે. અગાઉના વરસોમાં આ કામ માટેરૂ.૧૮ ચુકવાતા હતા. કોન્ટ્રાક્ટરોએ બમણા ભાવ આપ્યા હોવાથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો.

મ્યુનિસિપલ હેલ્થ કમિટીએ ઘરદીઠ રૂ.રરના ભાવની ઓફર કરી હતી. જેનો કોન્ટ્રાક્ટરોએ અસ્વીકાર કર્યો હતો. તેથી ફરીથી ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. સદર કામ માટે આંગળીના વેઢે ગણી શકાય એેટલા જ કોન્ટ્રાકટરો છે તેથી તેમની સિન્ડીકેટ મજબુત છે. તેથી તમામ કોન્ટ્રાકટરોએ ફરીથી ઘરદીઠ રૂ.૩પના ભાવ આપ્યા હતા. જ્યારે સરસપુર વિસ્તારના એક કોન્ટ્રાક્ટરે માત્ર રૂ.૧૬ના ભાવ આપ્યા હતા. આમ, આઈઆર સ્પ્રેના ભાવમાં ભારે વિસંગતતા જાવા મળતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

જ્યારે રોગચાળો વકરી રહ્યો હોવાથી શાસક પક્ષને કામ શરૂ કરવામાં વિલંબ કરવો પોષાય એમ નથી. તેથી બે દિવસ અગાઉ તમામ કોન્ટ્રાક્ટરો સાથે ખાસ બેઠક કરવામાં આવી હતી. જેમાં ભારે રકઝક બાદ બંન્ને પક્ષો દ્વારા બાંધછોડ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યુ હતુ કે વાહકજન્યરોગચાળાને નિયંંત્રણમાં લેવા માટે સરકારે તાકીદ કર્યા બાદ શાસક પક્ષ અને અધિકારીઓ હરકતમાં આવ્યા છે.

મ્યુનિસિપલ મેલેરીયા ખાતા દ્વારા મચ્છરોના બ્રિડીંગ શોધવા અને ઉત્પતિસ્થાનોનો નાશ કરવા માટે સઘન ઝુબેશ શરૂ કરવામાં આવી છે. જ્યારે સત્તાધારી પાર્ટીએ આઈઆર સ્પ્રેના કામ શરૂ કરવા નિર્ણય કર્યો છે.  કોન્ટ્રાક્ટરો સાથે થયેલ મીટીંગમાં દૈનિક ૮૦ ઘરોમાં વધારો કરીને ૧ર૦ ઘરની મર્યાદા કરવામાં આવી છે. જ્યારે જે કોન્ટ્રાક્ટરોએ રૂ.૩પ ના ભાવ આપ્યા હતા તેઓ રૂ.ર૧ના ભાવથી કામ કરવા તૈયાર થયા છે. આઈઆર સ્પ્રેના કામમાં ‘નફામાં થયેલ નુકશાની’ નું વળતર ખાનગી ફોગીંગ કે અન્ય કામમાંથી સરભર થઈ શકશે એવી આશા પણ કોન્ટ્રાક્ટરો રાખી રહ્યા છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.