Western Times News

Gujarati News

SVPમાં મંજુરી વિના રૂ.૪૧ કરોડના કામ કરવામાં આવ્યા

Files Photo

જવાબદાર અધિકારી  અને આર્કિટેક્ટ સામે પગલાં ભરવા માંગણી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ  : રાજ્ય સરકારની ગ્રાંટ અને મ્યુનિસિપલ શાસકોની દેખરેખ હેઠળ તૈયાર થયેલ એસવીપી હોસ્પીટલમાં વિવાદો કાયમી બની ગયા છે. હોસ્પીટલ કાર્યરત થઈ તે સમયથી જ અનેક પ્રકારના વિવાદો બહાર આવી રહ્યા છે. જેનો કોઈ ઉકેલ આવતો નથી. ત્યારે વધુ એક વિવાદ કે કૌભાંડ બહાર આવ્યુ છે. એસવીપી હોસ્પીટલના નિર્માણ સમયે મંજુર કરવામાં આવેલા ટેન્ડરની રકમ કરતાં રૂ.૪૦ કરોડ કરતા વધુ રકમના કામો બારોબાર કરવામાં આવ્યા છે. જેના માટે આર્કિટેક્ટને જવાબદાર માનવામાં આવે રહ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર એસવીપી હોસ્પીટલ નિર્માણ સમયે ઈન્ટરનલ તેમજ એક્ષ્ટર્નલ ઈલેક્ટ્રીફિકેશન, એકસ્ટ્રા લા વોલ્ટેજ સિસ્ટમ, એચ.વી.એ.સી. ન્યુમેરીક ટ્યુબ સિસ્ટમ સહિતના કામો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. તથા તેમાં ઓછા ભાવ આપનાર પાર્ટીઓને કામ આપવામાં આવ્યા હતા.

જેમાં ઈન્ટરનલ એન્ડ એક્ષટર્નલ ઈલેકટ્રીફિકેશન માટે પ્રવિણ ઈલેકટ્રીકને રૂ.૩૦.૬૯ કરોડ, એકસ્ટ્રા લા-વોલ્ટેજ સિસ્ટમ માટે સુ-ટેક પ્રા.લી.ને રૂ.ર૦.ર૯ કરોડ, એચવીએસી કામ માટે ઈટા એન્જીનિયરીંગને રૂ.રર.૬ર કરોડ તથા ન્યુમેરીક ટ્‌યુબ સિસ્ટમ માટે કોપર્ણ લેબોરેટરીઝને રૂ.૪.૯૩ કરોડના કામ સોંપવામાં આવ્યા હતા.

આ તમામ કામ ર૦૧૬-૧૭માં આપવામાં આવ્યા હતા. પરંતુ એક વર્ષ બાદ જાન્યુઆરી-ર૦૧૮માં લોકાર્પણના કારણો દૃશાવીને કામગીરી ઝડપથી કરવા માટે કોન્ટ્રાક્ટરોને મ્યુનિસિપલ કમિશ્નર ઠરાવથી પેમેન્ટ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેકનિકલ ફેરફાર અને ડીઝાઈનના કારણો દૃશાવીને રૂ.૪૧ કરોડની રકમના કામો બારાબાર પધરાવી દેવામાં આવ્યા હતા. જેમાં પ્રવિણ ઈલેકટ્રીક કંપનીને રૂ.૧૬.૩૧ કરોડના કામ, સુ-ટેક ઓટોમેશન પ્રા.લી.ને રૂ.૧૧.૦૯ કરોડ, ઈટા એન્જીનિયરીંગને રૂ.૧૧.૪પ કરોડ તથા કોપર્ણ લેબોરેટરીઝને રૂ.ર.૧પ કરોડના કામ ટેન્ડર પ્રક્રિયા વિના જ બારોબાર આપવામાં આવ્યા હતા.

મ્યુનિસિપલ લાઈટ ખાતાના સુત્રોએ સ્વ-બચાવમાં જીએસટીનો અમલ, કોન્ટ્રાક્ટર દ્વારા કામ થયા બાદ આર્કિટેક્ટ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા રીવાઈઝડ ડ્રોઈંગ, હોસ્પીટલ એજન્સીની જરૂરીયાત મુજબ કરવામાં આવેલ વધારાની કામગીરી જેવા કારણો આપવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ કારણો પોકળ છે. મ્યુનિસિપલ લાઈટ ખાતાના ઉચ્ચ અધિકારીઓ તથા આર્કિટેક્ટની ભૂલના કારણે તંત્રને રૂ.૪૧ કરોડનું આર્થિક નુકશાન થઈ રહ્યુ છે.

નોંધનીય બાબત એ છે કે ટેન્ડર જાહેર થયા બાદ તેમાં સુધારા વધારા કરવાની સતા નથજી. તથા રૂ.૪૧ કરોડની રકમના કામો બારોબાર આપવાની સત્તા કમિશ્નર પાસે પણ નથી. એસવીપીના લોકાર્પણના કારણે કામ શરૂ થયા બાદ પણ મંજુરી માટે કમિટિ સમક્ષ રજુ કરવામાં આવ્યા નહોતા. આ તમામ કામો પૂર્ણ થઈ ગયા બાદ લાઈટ ખાતા દ્વારા મંજુરી માટે રજુ કરવામાં આવ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.