Western Times News

Gujarati News

ચિત્રકૂટની જેલમાં ગેંગવોરમાં ફાયરિંગ, બે ગુંડા ઠાર મરાયા

હત્યા કરનારો ગેંગસ્ટર જેલમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયોઃ જેલમાં ચેકિંગ શરૂ

નવી દિલ્હી,  ઉત્તર પ્રદેશની ચિત્રકૂટ જેલમાં ફાયરિંગની ઘટના બની છે. જાણવા મળ્યા મુજબ જેલમાં બે જૂથ વચ્ચે ફાયરિંગ થયું હતું અને જેલની અંદર જ ૨ બદમાશોની હત્યા કરવામાં આવી છે. માર્યો ગયેલો એક બદમાશ બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીનો ખાસ માણસ હતો. હત્યા કરનારો ગેંગસ્ટર જેલ પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.

જાણવા મળ્યા મુજબ તાજેતરમાં જ સુલ્તાનપુર જેલમાંથી ચિત્રકૂટ જેલમાં શિફ્ટ કરવામાં આવેલા પૂર્વાંચલના મોટા ગેંગસ્ટર અંશુ દીક્ષિતે શુક્રવારે બપોરના સમયે ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ચિત્રકૂટ જેલમાં બંધ મુકીમ કાલા અને મેરાજની હત્યા થયાનું બહાર આવ્યું છે. મુકીમ કાલા પશ્ચિમી ઉત્તર પ્રદેશનો ઈનામી ગેંગસ્ટર હતો. જ્યારે મેરાજ બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીનો ખાસ માણસ હતો.

મુન્ના બજરંગીની હત્યા બાદ મેરાજ બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીનો ખાસ માણસ બની ગયો હતો. જેલમાં ફાયરિંગની ઘટના બાદ પ્રશાસનના ટોચના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન અંશુ દીક્ષિત અને પોલીસ ટીમ વચ્ચે પણ ફાયરિંગ થયાનું જાણવા મળ્યું છે જેમાં અંશુ માર્યો ગયો છે.

ચિત્રકૂટ પ્રશાસનના કહેવા પ્રમાણે અંશુ દીક્ષિતે મુકીમ કાલા અને મેરાજ અલીની હત્યા બાદ ૫ કેદીઓને બંધક બનાવી લીધા હતા. આ દરમિયાન જેલ પ્રશાસને અંશુને કેદીઓને છોડી મુકવા વિનંતી કરી હતી પરંતુ અંશુ નહોતો માન્યો. બાદમાં પોલીસ અને અંશુ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં અંશુ માર્યો ગયો છે અને હાલ જેલમાં ચેકિંગ ચાલી રહ્યું છે.

મેરાજ મુન્ના બજરંગીની ગેંગનો સક્રિય સદસ્ય ગણાતો હતો. ગત ૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ જૈતપુરા થાણામાં મેરાજ વિરૂદ્ધ હથિયારોના લાઈસન્સના નવીનીકરણમાં ગોલમાલ કરવા મામલે કેસ નોંધાયો હતો. મેરાજ પહેલા ફરાર થયો હતો અને બાદમાં તેણે વારાણસી થાણામાં આત્મ સમર્પણ કરી દીધું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.