Western Times News

Gujarati News

૪૦ દિવસ પછી ૨ લાખથી ઓછા કોરોનાના દૈનિક કેસ નોંધાયા

Files Photo

ભારતમાં કોરોનાથી રાહત મળી રહી હોવાના સંકેત મળ્યા છે, ૨૪ કલાકમાં દેશમાં ૨૯૫૬૮૫ નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થયો

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર ઘટતી દેખાઈ રહી છે. આ વખતે કોરોનાના દૈનિક કેસની સંખ્યા ૨ લાખ કરતા નીચે નોંધાઈ છે. ૧૪ એપ્રિલ બાદ પહેલીવાર એવું બન્યું છે કે કોરોનાના દૈનિક કેસનો આંકડો ૨ લાખ કરતા નીચો રહ્યો છે. બીજી રાહતની વાત એ છે કે મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ભારતમાં કોરોનાથી રાહત મળી રહી હોવાના સંકેત મળ્યા છે. જેમાં ૨૪ કલાકમાં ભારતમાં ૨,૯૫,૬૮૫ નવા કેસ નોંધાયા છે. આ પહેલા ૧૪ એપ્રિલના રોજ એટલે કે લગભગ ૪૦ દિવસ પહેલા કોરોનાના કેસ ૨ લાખથી ઓછા નોંધાયા હતા. જ્યારે એક દિવસમાં ૧,૯૯,૫૮૪ નવા કેસ નોંધાયા હતા. આમ ૨૧ દિવસ પછી કોરોનાથી મરનારા લોકોની સંખ્યા ૩૫૦૦થી ઓછી નોંધાઈ છે. આ પહેલા ૩ મેના રોજ દેશમાં ૩,૪૩૯ લોકોના એક દિવસમાં કોરોનાના લીધે મોત થયા હતા.

ભારતમાં કોરોનાના નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૨૨ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. ૩ મેએ દેશમાં ૧૭.૧૩% એક્ટિવ કેસ હતા, જે ઘટીને ૧૦% કરતા ઓછા થઈ ગયા છે. પાછલા ૨ અઠવાડિયામાં એક્ટિવ કેસની સંખ્યામાં લગભગ ૧૦ લાખનો ઘટાડો નોંધાયો છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૨૬ લાખની નીચે આવી ગઈ છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩,૧૮૭ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૯,૩૦૫ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. જ્યારે દૈનિક મૃત્યુઆંક ૫૦ની અંદર પહોંચી ગયો છે, સોમવારે રાજ્યમાં કોરોના લીધે ૪૫ દર્દીઓના મોત થઈ ગયા છે. સોમવારે રાજ્યમાં ૯૯,૬૦૦ કોરોના ટેસ્ટ માટેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોરોનાના સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં હવે રાહતના સંકેત મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પાછલા ૨૪ કલાકમાં સંક્રમણના ૨૨,૧૨૨ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૪૨,૩૨૦ લોકો સાજા થયા છે અને ૩૬૧ના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં હવે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૩,૨૭,૫૮૦ થઈ ગઈ છે, અને કોરોનાથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો ૮૯,૨૧૨ પર પહોંચી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.