Western Times News

Gujarati News

ગ્રામજનોએ વીજ કંપનીના કર્મચારીઓને મદદ કરી એક જ દિવસમાં લાઈટ ચાલુ કરી

‘સંઘે શક્તિ કલૌ યુગે’ ‘સાથી હાથ બઢાના સાથી રે…. એક અકેલા થક જાયે તો મીલકર બોજ ઉઠાના’ ને સાર્થક કરતાં ભાવનગર જિલ્લાના ઝરિયા ગામના નાગરિકો -વાવાઝોડામાં અસરગ્રસ્ત લાઇટના થાંભલા રીપેર કરવાં વીજ કંપનીના કર્મચારીઓ સાથે ખભેખભો મીલાવી ગામની લાઇટ એક જ દિવસમાં રિસ્ટોર કરી 

ગામના ૨૩ વર્ષના કોલેજીયનથી માંડી ૭૫ વર્ષના વયોવૃધ્ધ પણ વીજ પુરવઠો સ્થાપિત કરવાં માટે જોડાયાં

ઝરિયા ગામની મહેનત વીજ વિભાગનો પરિશ્રમ અને રાજ્ય સરકારની નિર્ણાયકતાથી ૨૪ કલાકમાં જ વીજ પુરવઠો સ્થાપિત કરી અઘરું કામ આસાન બનાવી દીધું

ઝરિયા ગામમાં વન વિસ્તારમાંથી પથરાળ પહાડી વિસ્તારમાંથી લાઇટ આવતી હોવાથી રાહ જોઇએ તો અઠવાડિયે પણ ગામમાં લાઇટ આવતી નહીં – ગામના રહીશ ડોડિયા રતનસંગભાઇ

તાઉ-તે વાવાઝોડાને પગલે ભારે પવન અને ઝાડ પડી જવાને કારણે ભાવનગર શહેર સાથે જિલ્લાના ગામોમાં પણ વીજ પુરવઠાને અસર થઇ હતી. જિલ્લામાં આશરે ૧૦,૫૦૦ જેટલાં વીજળીના થાંભલાં સાથે ઘણાબધા ટ્રાન્સફોર્મર પણ જમીનદોસ્ત થઇ ગયાં હતાં. જેના કારણે જિલ્લાના ગામોમાં ઝડપથી વીજ પુરવઠો સ્થાપિત કરવો વીજ વિભાગ માટે પણ મુશ્કેલ કાર્ય હતું.

વીજ વિભાગના કર્મચારીઓ ભાવનગર શહેર અને જિલ્લામાં વીજ પુરવઠો સ્થાપિત થાય તે માટે રાત- દિવસ મહેનત કરતાં હતાં. પરંતુ, આ મહાકાય ટાસ્ક હતું. જેને એક દિવસમાં પૂર્ણ કરવું બહું કપરું કામ હતું. જિલ્લામાં વીજ પુરવઠો બહાલ કરવાં માટે ખાસ રીતે ‘રોપેક્ષ ફેરી’ મારફતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો ૪૦૦ જેટલો સ્ટાફ પણ લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય જિલ્લાના વીજ કર્મચારીઓ- ઇજનેરોને પણ બોલાવવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે પણ બે દિવસીય ભાવનગર જિલ્લાની મુલાકાત લઇને તળાજા અને મહુવા વિસ્તારની રૂબરૂ મુલાકાત લઇને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવતાં વીજ વિભાગને ઉર્જાવાન બનાવી કામગીરીમાં ગતિશીલતા આણી હતી.

વાવાઝોડા બાદના કપરાં સંજોગોમાં અંતરિયાળ ગામોમાં અઠવાડિયા પહેલા ગામમાં ફરીથી વીજ પુરવઠો ચાલું કરી શકાય તેવી શક્યતા ખૂબ ઓછી હતી.

સિહોર તાલુકાનું આવું જ એક ગામ ઝરિયા હતું કે જ્યાં પણ અનેક વીજ થાંભલાં પડી જવાથી વીજ પુરવઠો ઝડપથી આપી શકાય તેમ ન હતો. વળી, ઝરિયા ગામમાં આવતી વીજળીની લાઇન સાંઢિડા વન વિસ્તારમાંથી આવે છે. ભારે પવનને કારણે જંગલ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં ઝાડ પડી જવાને કારણે વીજળીના અનેક થાંભલાં પડી ગયાં હતાં.

આ ઉપરાંત ઓછું હોય તેમ ઝરિયા ગામ પથરાળ અને પહાડી ઉંચી ટેકરી પર આવેલું ગામ હોવાથી વીજ પુરવઠો શરૂ કરવાં માટે ઘણી મહેનત અને સમય માંગી લેતું કામ હતું.

આ વાતની જાણ થતાં ગામના આગેવાનોએ વીજ વિભાગને તમામ મદદની ખાતરી આપી અને તેઓ જરૂરી તમામ મદદ કરશે તેમ જણાવ્યું હતું. આ કામ માટે ગામના ૨૩ વર્ષના કોલેજિયન યુવાન ડોડિયા કુલદીપભાઇ થી માંડીને ૭૫ વર્ષના ખેડૂત ડાભી તળશીભાઇ સહિતના ૫૦ લોકોની ટીમ આ કામ માટે એકઠી થઇ અને કામે લાગી. ગામના ટ્રેક્ટરને પણ આ કામ માટે કામે લગાવવામાં આવ્યાં.

આમ, ‘સાથી હાથ બઢાના સાથી રે, એક અકેલા થક જાયે તો મીલકર બોજ ઉઠાના’ ને સાર્થક કરતાં ભાવનગર જિલ્લાના ઝરિયા ગામના નાગરિકોએ આ રીતે મુશ્કેલ જણાતું કામ ઘણું આસાન બનાવી દીધું હતું.

આમ, વીજ વિભાગના માર્ગદર્શન અને ગામ લોકોના સહયોગથી ઝરિયા ગામમાં જે વિજળી એક અઠવાડિયા પછી આવવાની હતી તે માત્ર એક જ દિવસમાં આવી ગઇ અને તે રીતે અન્ય ગામ લોકો માટે પણ ઝરિયા ગામે એક આગવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

આ અંગે ઝરિયા ગામના આગેવાનશ્રી ડોડિયા રતનસંગભાઇએ જણાવ્યું કે, ગામમાં વીજળી જવાથી ગામમાં પાણી પુરવઠો બંધ થઇ ગયો હતો. ગામની ઘંટી બંધ થવાથી દરણાં દરાવવાં ક્યાં જવું તે પ્રશ્ન હતો. તેથી વીજ વિભાગના કર્મચારીઓ સાથે જોડાઇને વીજળીના થાંભલાં ઉભા કરવાં, વીજળીના તારને ખેંચીને જોડવાં, ખાડા કરીને નવાં વીજળીના થાંભલાં નાંખવા વગેરે જેવાં કામ માટે અમારા ગામના ૪૦ થી ૫૦ લોકોની ટીમ કામે લાગી ગઇ અને તેને કારણે માત્ર એક  જ દિવસમાં ફરીથી ગામમાં વીજ પુરવઠો સ્થાપિત થઇ ગયો.

આ કામ માટે ગામના નવયુવાનો સાથે ગામના ૭૫ વર્ષના વયોવૃધ્ધ ડાભી તળશીભાઇએ પણ ઉંમરની પરવાં કર્યા વગર આ કામમાં સહકાર આપ્યો જેના કારણે અશક્ય લાગતું કામ ઝડપથી પૂરું થઇ શક્યું તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આમ, કળીયુગમાં કહેવાય છે કે, ‘સંઘે શક્તિ કલૌ યુગે’ એટલે કે કળિયુગમાં સંઘશક્તિથી મુશ્કેલ કામ આસાન બનાવી શકાય છે. આમ, ઝરિયા ગામની મહેનત વીજ વિભાગનો પરિશ્રમ અને રાજ્ય સરકારની નિર્ણાયકતાથી ૨૪ કલાકમાં જ વીજ પુરવઠો સ્થાપિત કરી અઘરું કામ આસાન બનાવી દીધું હતું.

****


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.