Western Times News

Gujarati News

જુહાપુરાના કુખ્યાત અઝહર કીટલીને ATSએ ભરૂચમાંથી ઝડપ્યો

આઠ મહીના અગાઉ દોઢ કરોડની લુંટ કર્યાનું કબુલ્યુ : બે પિસ્તોલ, છ જીવતા કાર્તૂસ સહીતના હથિયારો જપ્ત
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત એટીએસની ટીમે જુહાપુરાના કુખ્યાત અઝહર કીટલીને ભરૂચ ખાતેથી ઝડપી લીધો છે તેની પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. એટીએસને તેની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી માહીતી પણ મળી છે. ઉપરાંત એક મોટી લુંટનો પણ પર્દાફાશ થયો છે. કીટલી ભરૂચમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા ગયો હોવાનું મનાઈ રહયું છે.

સમગ્ર ઘટના અંગેની માહીતી એવી છે કે જુહાપુરમાં લતીફ મસ્જીદ નજીક રહેતો અઝહર ઈસ્માઈલભાઈ શેખ ઉર્ફે અઝહર કીટલી કેટલાય ગંભીર ગુનામાં સંડોવાયેલો છે અને ઘણાં સમયથી ફરાર હતો દરમિયાન અઝહર ભરૂચ ખાતે હોવાની એટીએસને જાણ થતાં જ તેમની એક ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને સ્થાનિક એજન્સીની મદદ લઈ ભરૂચના દહેગામ રોડ ઉપર આવેલી અલમુકામ સોસાયટીમાંથી ઝડપી લીધો હતો. એટીએસને બાતમી મળી હતી કે તે ભરૂચમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા રોકાયો છે પરંતુ એવી કોઈ ઘટના બને તે પહેલા જ ઝડપાઈ ગયો છે.

બીજી તરફ એટીએસએ તેની પુછપરછ કરતા તેની પાસેથી ૧ પિસ્તોલ, એક દેશી તમંચો, છ જીવતા રાઉન્ડ, ૧ છરો અને ચપ્પુ સહીતના હથિયારો મળી આવ્યા હતા. કડક પુછપરછ કરતા કિટલીએ સાગરીતો સાથે મળીને આઠ મહીના અગાઉ સાંતેજ નજીક દોઢ કરોડ રૂપિયાની લુંટ કરી હોવાનું કબુલ્યું હતું એટીએસ આ લુંટ અંગે ભોગ બનનારનો સંપર્ક કરી ફરીયાદ નોંધાવવા પ્રયાસ કરવાની સંભાવના છે.

ભુતકાળમાં સ્થાનિક પોલીસ તથા ક્રાઈમબ્રાંચની ટીમ ઉપર પણ હુમલો કરી ચુકેલા કીટલી સામે મારામારી, ખંડણી, જેવા અનેક ગંભીર ગુના નોંધાઈ ચુકયા છે ગુજરાતનો મોટો ડોન બનવા માંગતા કિટલી સામે મારામારી, ધમકી સહીતના ગુના નોંધાયેલા છે જયારે ગત માર્ચ મહીનામાં જ તેણે એક ઈસમના ઘરે જઈને માતાએ નોંધાવેલી ફરીયાદના બદલામાં પ૦ લાખની રકમ માંગી હતી. એટીએસ હાલમાં તેની તપાસ કરી તેણે આચરેલા અન્ય ગુના પણ બહાર લાવવા પ્રયાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.