Western Times News

Gujarati News

ભાવનગરનાવાવડી ગામે તળાવમાં ડૂબી જતાં ચાર તરૂણોના મોત, બે સગાભાઈ હતા

Files Photo

ભાવનગર: ગારિયાધારના મોટી વાવડી ગામે રહેતા જયેશ, મોન્ટુ, તરૂણ અને મીત નામના ચાર તરુણો ગામના પાદરમાં આવેલા તળાવમાં નાહવા ગયા હતા. પરંતુ પાણી ઊંડું હોવાથી નાહવા પડેલા ચારેય તરુણો ડૂબવા લાગ્યા હતા. બચાવની ભારે કોશિશ કરવા છતાં કોઈ પ્રયાસ ફાવ્યા ન હતા. આખરે ચારેય તરુણોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે રહેતા જયેશ ભુપતભાઈ કાકડીયા, મોન્ટુ હિંમતભાઈ ભેંડા, તરૂણ શંભુભાઈ ખોખર અને મીત શંભુભાઈ ખોખર સહિત ચારેય મિત્રો ગામના પાદરમાં આવેલ તળાવમાં નહાવા માટે ગયા હતા. જ્યાં તળાવમાં ડૂબી જતાં ચારેય તરુણોના મોત નિપજ્યા હતા. ચારેય તરુણોના ડૂબી જવાથી મોત થતાં ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

મોટી વાવડી ગામના તરુણો પાદરમાં આવેલા તળાવમાં નહાવા ગયેલા જે તરુણો મોડી સાંજ સુધી ઘરે પરત નહિ ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં શોધખોળ દરમ્યાન તળાવના કાંઠેથી તરુણોના ચપ્પલ, સાયકલ અને કપડાં સહિતની વસ્તુઓ મળી આવતા તરુણો તળાવના પાણીમાં ડૂબી ગયા હોવાની શંકા ઊભી થઈ હતી. પરિવારે ગામલોકોની મદદ લઈ તળાવ શોધખોળ હાથ ધરી હતી.તળાવમાં ન્હાવા ગયેલા ચારેય તરુણોને શોધવા પરિવારના લોકોએ ગ્રામજનો અને તરવૈયાઓની મદદથી તળાવમાં શોધ કરતા મોડી રાત્રે ચારેય તરુણોના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતા.

આ તમામ મૃતક તરુણોમાંથી તરૂણ ખોખર અને મીત ખોખર નામના તરુણો બંને સગા ભાઈઓ હતા અને ચારેય જણા ગારિયાધારની સરકારી શાળામાં સાથે ભણતા હતા.ગારિયાધારના મોટી વાવડી ગામે આવેલ આ તળાવમાં થોડા દિવસો પૂર્વે જ સૌની યોજના અંતર્ગત તળાવ ભરવામાં આવ્યું હતું, જે આ તરુણોને પાણીની ઊંડાઈનો ખ્યાલ ન રહેતા ચારેય તરુણો પાણીમાં ડૂબી ગયા હતા.

તરુણો ડૂબી જવાની જાણ થતા ગારિયાધાર મામલતદાર, ફાયર વિભાગ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં ચારેય તરુણોના મૃતદેહને ગારિયાધારના સીએચસી ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર ઘટનાને લઈને ગારિયાધાર પોલીસે તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.