Western Times News

Gujarati News

પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા આતંકીઓને નવેસરથી ટ્રેનિંગ આપી રહ્યું

Files Photo

શ્રીનગર: પાકિસ્તાની સૈન્ય જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા આતંકીઓને નવેસરથી ટ્રેનિંગ આપી રહ્યું છે. એક ગુપ્ત અહેવાલમાં આ માહિતી અપાઈ હતી. ખરેખર કેન્દ્ર સરકારે ચાલુ વર્ષના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં અટવાયેલી રાજકીય પ્રક્રિયા શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. એવામાં ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓને આશા છે કે સરહદ પારથી શાંતિ પ્રયાસોને પાટા પરથી ઉતારવાના પ્રયાસો કરાશે. તાજેતરમાં પુલવામાના ત્રાલ વિસ્તારમાં સત્તારુઢ ભાજપના કાર્યકર રાકેશ પંડિત અને સોપોરમાં સુરક્ષાદળોની આતંકીઓ સાથે અથડામણ તેના સ્પષ્ટ સંકેત છે. જુદી જુદી એજન્સીઓના આકલનમાં આ વાત સામે આવી છે.

સરહદે ૨૫ ફેબ્રુઆરીથી શાંતિ છે પણ સરહદ પારના ઈનપુટ જણાવે છે કે તાજેતરમાં ત્યાંના સૈન્યએ પીઓકેમાં નવા આતંકી રંગરૂપ સાથે અભ્યાસ કર્યો છે. આ સૈન્ય ટ્રેનિંગ અભ્યાસને ‘તસ્ખીર એ જબલ’ નામ અપાયું છે. તેનો અર્થ છે ‘પર્વત પર કબજાે કરવો’. તેમાં ગેરિલાયુદ્ધ અને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ અપાઈ રહી છે. પાક. સૈન્યએ પૂંછ સેક્ટર, કોટલી, મંગલા અને ભિમ્બરથી વિપરીત રાવલકોટમાં તોલીપીરના વિસ્તારમાં અભ્યાસ કર્યો હતો. આ ઘૂસણખોરીનો પરંપરાગત માર્ગ મનાય છે.

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તોઈબાના ટોચના કમાન્ડર મુદસ્સિર પંડિત સહિત ૩ આતંકીઓને ઠાર માર્યા હતા. અથડામણ રવિવારે સાંજે બારામુલ્લા જિલ્લાના સોપોરના ગુંડ બ્રથમાં થઈ હતી. મૃત આતંકીઓમાં એક પાકિસ્તાની અસરાર ઉર્ફે અબ્દુલ્લાહ છે. મુદ્દસ્સિર તાજેતરમાં ત્રણ પોલીસકર્મીઓ, બે કાઉન્સિલર અને અનેક નાગરિકોની હત્યાઓમાં સામેલ હતો.

ઈન્ટેલિજન્સ એજન્સીઓ અનુસાર ખીણમાં ૨૨૦ સક્રિય આતંકીઓમાંથી આશરે ૯૦-૧૦૦ વિદેશી છે. મોટા ભાગના ઉત્તર કાશ્મીરમાં સક્રિય છે. હાલમાં તે સુરક્ષાદળોથી બચવા એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જઈ રહ્યા. તેમણે ગ્રેનેડ ફેંકવા, હથિયાર છીનવવા અને પેટ્રોલિંગ ટુકડી તથા નાકા પર હુમલો કરી ભાગી જવાની રણનીતિ અપનાવી છે.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે અમે આતંકીઓના ઈરાદાઓને નિષ્ફળ બનાવવા એલર્ટ પર છીએ.
અહેવાલ અનુસાર ખીણમાં ગત ૩ વર્ષની તુલનાએ સ્થાનિક યુવાઓના આતંકી બનવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. શ્રીનગરમાં તહેનાત એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ચાલુ વર્ષના મે સુધી આશરે ૪૦-૫૦ સ્થાનિક યુવક જુદાં જુદાં આતંકી સંગઠનોમાં સામેલ થઈ ચૂક્યા છે. ૨૦૨૦માં પહેલા ૯ મહિનામાં આશરે ૧૩૦, ૨૦૧૯માં ૧૪૦ અને ૨૦૧૮માં ૨૧૦થી વધુ સ્થાનિક યુવકોએ હથિયાર ઉપાડ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.