Western Times News

Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમની બે વર્ષની મહેનત પાણીમાં ગઈ

ભારતીય ટીમની રક્ષણાત્મક નીતિ હારનું મુખ્ય કારણ

ચેમ્પિયનશીપ મેચ માટે સ્થળની પસંદગીના મુદ્દે આઈસીસી પર માછલા ધોતા સીનીયર ક્રિકેટરો ઃ અનિશ્ચિતતા વચ્ચે રમાયેલી ફાઈનલ ટેસ્ટ મેચ નિરસ બની ઃ ભારતીય ટીમની હાર થતાં ક્રિકેટ ચાહકો નિરાશ

ઈંગ્લેન્ડના સાઉથહેમ્પ્ટન ખાતે રમાયેલી ટેસ્ટ મેચ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં વરસાદના વિધ્ન વચ્ચે ન્યુઝીલેન્ડ ચેમ્પિયન બન્યું છે ભારતીય ટીમની પ્રથમ દિવસથી જ રક્ષણાત્મક નીતિના કારણે ન્યુઝીલેન્ડની ટીમ ફોર્મમાં જણાતી હતી ન્યુઝીલેન્ડની સૌથી મોટો ફાયદો ટોસ જીતવાનો થયો હતો ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ વરસાદ પડયો હતો.

આઈસીસીએ રિઝર્વ ડે રાખ્યો હોવાથી બીજા દિવસે મેચનો પ્રારંભ થયો હતો. ભારતીય ટીમ બેટીગ કરવા ઉતરી ત્યારે પ્રથમ દાવમાં ર૧૭ રન બનાવ્યા હતાં સારો સ્ટાર્ટ મળવા છતાં ભારતીય ટીમ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ નીવડી હતી વિકેટ જાળવી રાખવાની નીતિમાં ભારતીય બેટસમેનો રન બનાવવામાં નિષ્ફળ નીવડયા હતા અને ન્યુઝીલેન્ડના બોલરોએ તેનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો.

સૌ પ્રથમ તો બે વર્ષની મહેનત બાદ ભારતીય અને ન્યુઝીલેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી હતી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ માટે આઈસીસીએ લોર્ડઝ અને મેલબોર્ન જેવા ગ્રાઉન્ડના બદલે ઈંગ્લેન્ડના સાઉથહેમ્પ્ટન મેદાનની પસંદગી કરતા ચારેબાજુથી તેની ટીકા થવા લાગી હતી હવામાન વિભાગે આ ટેસ્ટ મેચમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી હતી

તેમ છતાં આ સ્થળની પસંદગી કરાતા ઈંગ્લેન્ડના જ પૂર્વ ક્રિકેટરોએ આલોચના કરી સ્થળ બદલવાની વાત દોહરાવી હતી ઈંગ્લેન્ડમાં વરસાદના વિધ્ન વચ્ચે ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઈનલ મેચ રમાતી હોવાથી કરોડો ક્રિકેટ ચાહકો નિરાશ જાેવા મળતા હતાં વારંવાર વરસાદના વિધ્નના કારણે ટેસ્ટ મેચ રમાશે કે નહીં તેવી અનિશ્ચિતતા જાેવા મળતી હતી હવામાનની સીધી અસર પીચ ઉપર પડતી હોય છે.

વરસાદના કારણે પીચ બોલરોને મદદ કરતી હોય છે. ભારતીય બેટસમેનો આ પીચ પર સંપુર્ણ નિષ્ફળ ગયા છે ખાસ કરીને ભારતીય ટીમની વોલ કહેવાતા ચેતેશ્વર પુજારા બંને દાવમાં સસ્તામાં આઉટ થઈ જતા ભારતીય ટીમ મોટો સ્કોર બનાવી શકી ન હતી આ ઉપરાંત બોલરોની પસંદગીને લઈને પણ ટીમ મેનેજમેન્ટની ટીકા થવા લાગી છે.

ઈગ્લેન્ડની પીચો પર સ્પીનરોને વધુ સફળતા મળતી ન હોવાથી ન્યુઝીલેન્ડની ટીમે એક પણ સ્પીનરને રમાડયો ન હતો જયારે ભારતે બે સ્પીનરોને રમાડી મુર્ખતાનું પ્રદર્શન કર્યું હતું અંતે ભારતીય ટીમ બોલીગ અને બેટીંગમાં નિષ્ફળ ગઈ હતી અને આખરે ન્યુઝીલેન્ડની ટીમ ચેમ્પિયન બની છે.

આ મેચ પરથી બીસીસીઆઈએ કેટલાક મહત્વના નિર્ણયો લેવા પડશે તેવું સ્પષ્ટપણે લાગી રહયું છે. ઓસ્ટ્રેલિયાની સીરીઝ પછી ભારતીય ટીમ પાસે વધુ સારા પ્રદર્શનની અપેક્ષા હતી પરંતુ વિશ્વની શ્રેષ્ઠ બેટીંગ લાઈનઅપ ગણાતી ટીમ મામુલી સ્કોરમાં ધરાશાયી થઈ ગઈ હતી જેના માટે સફેદ બોલ ક્રિકેટ અને પ્રેક્ટિસનો અભાવ મુખ્ય કારણ છે.

વર્લ્ડ ચેમ્પિયન શીપ ટેસ્ટ બાદ ઓપનીંગ જાેડી માટે ફેરવિચારણા કરવાનો સમય આવી ગયો છે. શુભમ ગીલ સતત નિષ્ફળ જઈ રહયો છે જયારે રોહિત શર્માનું ફોર્મ પણ અનિશ્ચિત રહે છે

જેના કારણે સિલેકટરોએ વધુ એક વખત મંયક અગ્રવાલ તરફ ધ્યાન આપવાની જરૂર રહેશે. ઓસ્ટ્રેલિયામાં ધ વોલ સાબિત થયેલ ચેતેશ્વર પુજારાની કારકિર્દી ઉપર પણ પશ્નાર્થ લાગી ગયો છે પીચ પર સમય કાઢવાની સાથે સાથે રન બનાવવાની પણ જરૂરિયાત રહે છે ચેતેશ્વર પુજારા રન બનાવવા મામલે નિષ્ફળ રહયો છે. તેથી મધ્યક્રમ માટે પણ નજીકના ભવિષ્યમાં જ સિલેકટરો વિચાર કરે તે જરૂરી છે.

સૌથી નોંધનીય બાબત એ છે કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર શાનદાર પ્રદર્શન કરનાર ટીમના મોટાભાગના ખેલાડીઓને ફાઈનલમાં રમાડવામાં આવ્યા ન હતા. બુમરાહ, શમી, અશ્વિન, જાડેજા, કોહલી, રોહિત શર્મા સહિતના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં રમ્યા ન હતા

જયારે ઓસ્ટ્રેલિયા સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર શાર્દુલ ઠાકુર, મોહંમદ સીરાજ, વોશિગ્ટન સુંદર જેવા યુવા ખેલાડીઓએને પેવેલીયનમાં બેસવાની ફરજ પડી હતી. ભારતીય બોલીગનો આધારસ્તંભ ગણાતા જશપ્રીત બુમરાહની નિષ્ફળતા પણ ઉડીને આંખે વળગી છે. ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઈલમાં પણ તેનું પરફોર્મન્સ ખુબ જ નબળું રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.