Western Times News

Gujarati News

ઝાયડ્સ મેડિકલ કોલેજમાં છેલ્લા ૧૩ માસમાં ૪૬૪૨ કોરોનાના દર્દીઓ સારવાર લઇ સાજા થયા

મે-૨૦૨૧ માસ દરમિયાન દૈનિક ૧૭૫ દર્દીઓને સારવાર, દૈનિક સરેરાશ ૨૧ દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા

હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ પૈકી ૯૫ ટકા જેટલા દર્દીઓ માત્ર ઓક્સીજનથી જ સાજા થઇ ગયા, માત્ર એક ટકાને રિફર કરાયા

છેલ્લા દસેક દિવસથી ઝાયડ્સનો કોરોના વોર્ડ સાવ ખાલી, શરદી ઉધરસ સાથે તાવ ધરાવતા બે જ દર્દીઓ દાખલ આલેખન – દર્શન ત્રિવેદી

દાહોદ જેવા અંતરિયાળ વિસ્તારના લોકોની બેહતર આરોગ્ય સેવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ફાળવેલી મેડિકલ કોલેજની સેવા કોરોના કાળમાં મહત્વપૂર્ણ સાબિત થઇ છે. અહીં કાર્યરત ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૩ માસમાં ૪૬૪૨ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સારવાર લઇ આ ઘાતક વાયરસને મહાત આપી છે. વિશેષ વાત તો એ છે કે છેલ્લા દસેક દિવસથી ઝાયડ્સનો કોરોના વોર્ડ સાવ ખાલી છે. માત્ર શરદી ઉધરસ સાથે તાવ ધરાવતા બે જ દર્દીઓ દાખલ છે.

દાહોદમાં કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમણની ગતિ તેજ બનતા નાગરિકોને આરોગ્યલક્ષી સેવાની ખૂબ જ આવશ્યક્તા પડી હતી. એવા સમયે દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની સેવા ખરા સમયે કામ
આવી હતી.

દાહોદની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્યલક્ષી વધુ સારવાર માટે વડોદરા અથવા તો અમદાવાદ જવું પડે છે. પરંતુ, દાહોદમાં મેડિકલ કોલેજ બનતાની સાથે વિશેષ પ્રકારની સારવાર પણ હવે દાહોદમાં મળવા લાગી છે. ખાસ કરીને દૂરદરાજના ગામોમાં વસતા આદિવાસી પરિવારો માટે આ મેડિકલ કોલેજ આશીર્વાદરૂપ સાબિત થઇ છે.
કોરોનાના નોડેલ તબીબ ડો. કમલેશ નિનામા કહે છે, કોરોનાકાળમાં દર્દીઓની સારવારમાં મેડિકલ કોલેજની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહી છે. ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં માત્ર છેલ્લા ૧૩ માસમાં કુલ ૪૬૪૨ કોરોનાના દર્દીઓ સાજા થયા અને તેની સામે માત્ર ૭૫ દર્દીઓને અન્ય દવાખાનામાં રિફર કરવામાં આવ્યા હતા. રિફર કરવાનો રેશિયો માત્ર એક ટકા જેટલો જ રહ્યો છે.

ગત્ત જૂન-૨૦૨૦ના માસમાં મેડિકલ કોલેજમાં દૈનિક સરેરાશ માત્ર ૧૧ દર્દીઓએ સારવાર લીધી હતી, તેની સામે ચાલું વર્ષના મે-૨૦૨૧ માસ દરમિયાન દૈનિક ૧૭૫ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ બાબત પરથી ખ્યાલ આવી શકે છે કે, મેડિકલ કોલેજની ૨૦૦ પથારીમાં દર્દીઓનો લોડ કેટલો રહ્યો છે. એટલે જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોલેજમાં ઓક્સીજન બેડ વધારવા માટે સૂચના આપી હતી.

આ જ માસમાં દૈનિક સરેરાશ ૨૧ દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. જૂન-૨૦૨૧ને બાદ કરતા છેલ્લા ૧૩ માસમાં વેન્ટિલેટર ઉપર રહેનારાની સરેરાશ સાતથી ઓછી રહી છે. બીજી નોંધપાત્ર વાત તો એ છે કે, દાહોદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ પૈકી ૯૫ ટકા જેટલા દર્દીઓ માત્ર ઓક્સીજનથી જ સાજા થઇ ગયા હતા.
આ ઉપરાંત મેડિકલ કોલેજમાં આરટીપીસીઆર ટેસ્ટની કામગીરી માઇક્રોબાયોલોજી ડિપાર્ટેમન્ટ દ્વારા ઉમદા રીતે કરવામાં આવી રહી છે. આ જ મેડિકલ કોલેજના પ્રિવેન્ટિવ એન્ડ સોશ્યલ મેડિસીન વિભાગ દ્વારા કોરોના સામે કામગીરીની રણનીતિ ઘડવામાં મહત્વપૂર્ણ વિશ્લેષણ બનાવાની કામગીરી કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.