Western Times News

Gujarati News

નિધિએ માધવપુરના દરિયા કિનારે સૂર્યાસ્ત નિહાળ્યો

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જૂની સોનુ એટલે કે એક્ટ્રેસ નિધિ ભાનુશાળી હાલ રોડ ટ્રીપ છે. મુંબઈથી શરૂ થયેલી નિધિની રોડ ટ્રીપનો હાલનો પડાવ ગુજરાત છે. નિધિ તેના એક મિત્ર અને પોતાના ડોગ સાથે રોડ ટ્રીપ પર નીકળી છે. ગુજરાતથી રાજસ્થાન થઈને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાંથી પસાર થઈને નિધિ હિમાચલ તરફ આગળ વધવાની છે. નિધિ પોતાની રોડ ટ્રીપના વિવિધ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ એક વિડીયોએ નિધિએ પોરબંદર પાસે આવેલા માધવપુરથી શેર કર્યો છે. આ વિડીયોમાં નિધિ અફાટ દરિયાને નિહાળતી, મોજામાં પગ પલાળતી અને દરિયા તરફ દોટ લગાવતી જાેવા મળે છે. વિડીયો શેર કરતાં નિધિએ લખ્યું હતું, સૂર્યાસ્તના રંગો.

ચોમાસા દરમિયાન સૂર્યાસ્તનો નજારો અતિશય સુંદર હોય છે. સૂર્ય અસ્ત થવાના સમય પહેલા જ વાદળોમાં સંતાઈ જાય છે અને અંધારું થતાં પહેલા આકાશ સુંદર રંગબેરંગી રંગોથી ભરાઈ જાય છે. અગાઉ થોડા દિવસ પહેલા નિધિએ એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે દરિયા કાંઠે ખડકો વચ્ચે બેસીને રસોઈ બનાવી રહી છે. નાનકડા ગેસ સ્ટવ અને નાનકડા કૂકરમાં નિધિ ભોજન તૈયાર કરતી જાેવા મળે છે. નિધિ રોડ ટ્રીપ પર પોતાની સાથે ભોજન તૈયાર કરવાનો સામાન પણ લઈને નીકળી છે.

આ વિડીયો શેર કરતાં નિધિએ લખ્યું હતું, વધુ એક દિવસ અને વધુ એકવાર દરિયા કિનારે ભોજન તૈયાર કરું છું. આ મહિનાની શરૂઆતમાં જ નિધિએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ગુજરાતના એક ગામડાની તસવીરો શેર કરી હતી. જ્યાં નિધિ અને તેનો મિત્ર જઈ ચડ્યા હતા. નિધિએ અહીં રહેવાનો અનુભવ શેર કરતાં લખ્યું હતું, ‘સૂર્યાસ્તની પાછળ દોડતા-દોડતા અમે ગુજરાતના આ નાનકડા સુંદર ગામડાના ખેતરમાં આવી પહોંચ્યા હતા.

ગુજરાતના આ ગામના લોકોના આગ્રહથી અમે સવાર સુધી અહીં રોકાયા અને સૂવા માટે અમને ખાટલા અને દૂધ આપ્યું હતું કે જે અહીંની સ્પેશ્યાલિટી છે. અહીં અમે લાખો તારાથી ભરેલા ખુલ્લા આકાશ નીચે શાંતિથી સૂઈ ગયા હતા. અહીંના લોકો પણ ખૂબ દયાળુ હતા. અમે સવારનો સૂરજ જાેયો. અમારું ભોજન પેક કર્યું અને નીકળી ગયા મુસાફરી હજુ ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.