Western Times News

Gujarati News

મુંબઈમાં માત્ર ૩૫ દિવસમાં ૨૧૭૦ બેડની જમ્બો કોવિડ-૧૯ હૉસ્પિટલ ઊભી કરાઈ

મુંબઈ: દેશમાં કોરોના વાયરસ સંક્રમણ મામલા હવે ઓછા થઈ રહ્યા છે. પરંતુ ડેલ્ટા વેરિયન્ટના નવા કેસ અને કોરોનાની ત્રીજી લહેર ચિંતાનો વિષય બની ગયો છે. એવામાં તમામ રાજ્ય સરકારો પોતપોતાને ત્યાં સ્વાસ્થ્ય સેવાઓ વધુ સુદ્રઢ કરવામાં લાગી ગઈ છે. મહારાષ્ટ્રમાં પણ નવી હૉસ્પિટલ અને સ્વાસ્થ્ય સેવાઓ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ જ મુંબઈમાં માત્ર ૩૫ દિવસની અંદર ૨૧૭૦ બેડની એક વિશાળ કોવિડ હૉસ્પિટલને તૈયાર કરવામાં આવી છે. કોરોના મહામારીમાં મુંબઈ સૌથી વધુ પ્રભાવિત શહેર રહ્યું છે.

મુંબઈના મલાડમાં ૩૫ દિવસમાં ઊભી કરવામાં આવેલી કોવિડ હૉસ્પિટલ જર્મન ટેક્નોલોજી પર આધારિત છે. તે ફાયરપ્રૂફ અને ઇકો-ફ્રેન્ડલી છે. આ હૉસ્પિટલમાં ૭૦ ટકા બેડ ઓક્સિજન સપ્લાયવાળા છે. તેની સાથે જ ૩૮૪ બેડ આઇસોલેશન રુમ પણ તેમાં બનેલા છે.

આ હૉસ્પિટલમાં ૪૨ આઇસીયૂ બેડ બાળકો માટે અલગથી ઊભા કરવામાં આવ્યા છે. તેની સાથે જ ૨૦ બેડ ડાયાલિસિસ માટે છે. આ હૉસ્પિટલની કામગીરી પર નજર રાખવા માટે ૨૪૦ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. આ હૉસ્પિટલને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં મુંબઈ વિકાસ પ્રાધિકરણ તરફથી બીએમસીને સોંપવામાં આવી છે.

આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલયે જાણકારી આપતા ટ્‌વીટ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એમએમઆરડીએ દ્વારા મલાડમાં નિર્મિત મોટી કોવિડ હૉસ્પિટલ ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં બીએમસીને સોંપવામાં આવી છે. આ ૨૧૭૦ બેડવાળી હૉસ્પિટલમાં ઓક્સિજન બેડ, આઇસીયૂ, પિડિયાટ્રિક આઇસીયૂ, ડાયાલિસિસ અને અન્ય જરૂરી સેવાઓ ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.