Western Times News

Gujarati News

ઝઘડીયા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ ઈસ્યુ કરવામાં થતા વિલંબ થી જનતાને હાલાકી

બીપીએલ રેશનકાર્ડો બાબતે પણ મોટી ગેરરીતિઓ હોવા બાબતની બુમ.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા ખાતે મામલતદાર કચેરીમાં લોકકાર્યો બાબતે વિલંબ થતો હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠવા પામી છે.આ અંગે જાણવા મળ્યા મુજબ તાલુકાની જનતાના રેશનકાર્ડો બાબતની જરૂરી કામગીરીમાં વિલંબ થાય છે.સામાન્ય રીતે રેશનકાર્ડ સંબંધિત કામોનો ૧૫ દિવસ જેટલા સમયગાળામાં નિકાલ થવો જોઇએ,તેને બદલે હાલ ત્રણ મહિના જેટલો સમય લેવાતો હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠવા પામી છે.રેશનકાર્ડ સંબંધિત કામગીરીમાં નવુ રેશનકાર્ડ મેળવવા બાબતની અરજી,રેશનકાર્ડનુ વિભાજન કરીને અલગ રેશનકાર્ડ મેળવવાની અરજી તેમજ રેશનકાર્ડમાં નામો દાખલ કરવાની અને કમી કરવાની અરજીઓનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ જાણવા મળ્યા પ્રમાણે પહેલા એમ હતુ કે રેશનકાર્ડ સંબંધિત અરજી પુરવઠા વિભાગમાં આપીને ચેક કરીને જનસેવા કેન્દ્રમાં  એન્ટ્રી પાડીને પુરવઠામાં આપો એટલે ૧૫ દિવસમાં અરજીનો નિકાલ થાય.પરંતુ હાલ રેશનકાર્ડ સંબંધીત કામગીરીમાં અરજદારોની અરજી એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફરીને આ કામગીરી ત્રણ મહિના જેટલો લાંબો સમય લેતી હોઈ,લોક કામો ગુંચવાતા હોવાની લાગણી જનતામાં સ્પસ્ટપણે દેખાઈ રહી છે.ઉપરાંત તાલુકામાં બીપીએલ રેશનકાર્ડોની બાબતે પણ તેને લગતી યોગ્યતા સચવાતી નથી.

સામાન્યરીતે આર્થિક રીતે નબળા ગરીબ પરિવારોને બીપીએલ યાદીમાં સમાવાતા હોય છે.સરકાર તરફથી અપાતા વિવિધ કેટેગરીના રેશનકાર્ડોમાં બીપીએલ રેશનકાર્ડનો પણ સમાવેશ થાય છે.સામાન્યરીતે જે પરિવારોના નામ બીપીએલ યાદીમાં હોય તેવા લોકો બીપીએલ રેશનકાર્ડ મેળવવા પાત્ર ગણાય.પરંતુ હાલ ઝઘડીયા તાલુકામાં બીપીએલ રેશનકાર્ડ મેળવવા માટે જે  વ્યક્તિઓ તેને યોગ્ય નથી

તેવી વ્યક્તિઓ પાસે પણ બીપીએલ રેશનકાર્ડો હોવાની વાતો સામે આવી છે.જે લોકોના નામ બીપીએલ યોજનામાં નથી તેઓને કેવી રીતે બીપીએલ રેશનકાર્ડો અપાયા છે,એ બાબતે સવાલો ઉઠવા પામ્યા છે.જો આ બાબતે તટસ્થ તપાસ થાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના જણાય છે.બીપીએલ ને લાયક યોગ્યતા નહિ ધરાવતી વ્યક્તિઓ કેવી રીતે બીપીએલ રેશનકાર્ડોની માલિક બની?બીપીએલ રેશનકાર્ડો બાબતે ઉભી થયેલી અસંગતતાને લઈને તેને લાયક ઘણી યોગ્ય વ્યક્તિઓને અન્યાય પણ થઈ રહ્યો છે.ત્યારે તાલુકામાં બીપીએલ રેશનકાર્ડો બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના જણાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.