Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારે કસ્ટમ એન્ડ એક્સાઇઝ ડ્યૂટીમાંથી ૪.૫૧ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી

નવીદિલ્હી: કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સ પર કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટી તરીકે ઈન્ડાયરેક્ટ ટેક્સ રેવન્યૂ તરીકે ૪,૫૧,૫૪૨.૫૬ કરોડની કમાણી કરી છે. જે ગત વર્ષની સરખામણીએ લગભગ ૫૬.૫ ટકા વધારે છે.સુત્રોના જણાવ્યા મુજબ, આ અંગે આરટીઆઇ દ્વારા જાણકારી મળી છે. જ્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કમરતોડ વધારો થતાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફ્યુઅલ ટેક્સ-સેસ ઘટાડવાની માંગ થઇ રહી છે.

રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલિયમ પેદાશોના આયાત પર રૂ. ૩૭,૮૦૬.૯૬ કરોડની કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવી હતી. સાથે જ દેશમાં આ પ્રોડક્ટ્‌સના ઉત્પાદન પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાંથી ૪.૧૩ લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે. આરટીઆઇ દ્વારા મળેલી માહિતી અનુસાર, ૨૦૧૯-૨૦માં પેટ્રોલિયમ પેદાશોના આયાત પર કસ્ટમ ડ્યુટી તરીકે સરકારે ૪૬,૦૪૬.૦૯ કરોડની આવક મેળવી હતી. જ્યારે આ પ્રોડક્ટ્‌સના ઉત્પાદન પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીથી રૂ. ૨.૪૨ લાખ કરોડ વસૂલવામાં આવ્યા છે. એટલે કે, બંને ટેક્સ અંતર્ગત સરકારે ૨૦૧૯-૨૦માં કુલ ૨,૮૮,૩૧૩.૭૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

એક આરટીઆઇ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે નાણાં મંત્રાલય સાથે સંકળાયેલ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિસ્ટમ્સ એન્ડ ડેટા મેનેજમેન્ટએ
માહિતીના અધિકાર હેઠળ તેમની અરજી અંગે માહિતી આપી હતી. તો અર્થશાસ્ત્રી જયંતીલાલ ભંડારીના જણાવ્યા મુજબ, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે માત્ર સામાન્ય માણસ જ નહીં, પરંતુ આખી અર્થવ્યવસ્થા બગડી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલ પરના તેમના ટેક્સ ઘટાડીને લોકોને મોંધવારીમાંથી રાહત આપવી જાેઈએ.

દેશમાં પેટ્રોલની કિંમતોમાં આજે ફેરફાર કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલનો ભાવ વધાર્યો છે. જાેકે, ડીઝલની કિંમત સ્થિર રાખવામાં આવી છે. આજે દિલ્હીમાં પેટ્રોલ ૩૫ પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. કોલકાતામાં ૪૦ પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ ૯૯.૧૬ રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. ડીઝલ ૮૯.૧૮ રૂપિયા પ્રતિ લીટર પર જ છે. નોંધનીય છે કે, એક રિપોર્ટ આવી રહ્યો છે કે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો વધવાની છે. જેથી દેશમાં કિંમતોમાં સમયાંતરે વધારો જાેવા મળી રહ્યો છે.

ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં હળવી રાહત જાેવા મળી છે. નોંધનીય છે કે, છેલ્લા દોઢ મહિનાથી સતત વધારા બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર છે. આ ઉપરાંત દેશના અનેક શહેરોમાં કિંમતો ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.