Western Times News

Gujarati News

પોલીસે યુવકનું અપહરણ કરીને ૩૦ હજાર પડાવ્યા

Files Photo

સુરત: સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને તોડ કર્યાની ફરિયાદ સામે આવી છે. સુરતના વેસુ વિસ્તારમાં મોપેડ પર બેસી સિગારેટ અને થમ્સઅપ પી રહેલા યુવાનને દારૂ પીવે છે? એમ કહીને પોલીસકર્મીએ અપહરણ કરી લીધું હતું. પોલીસકર્મીએ યુવકને પોલીસ કેસ કરવાની ધમકી આપી, માર મારી કારમાં અપહરણ કરી લીધું હતું. જે બાદ તેના પાકીટમાંથી ૫,૦૦૦ રૂપિયા રોકડા અને અને ગૂગલ-પે મારફતે ૨૫,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદલમાં પોલીસ કર્મચારી ફરાર થઈ ગયો હતો. આ મામલે પીડિત યુવકે ઉમરાના પોલીસ સ્ટેશનના કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ આપતા ઉમરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ચોર, લૂંટારૂ કે છેતરપિંડી કરતા લોકોને ઝડપવા માટે પોલીસની મદદ લેવામાં આવે છે. હવે જાે પોલીસ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ પોતે જ ગુનેગાર જેવું કામ કરતા હોય તો ફરિયાદ કોને કરવી? સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એક પોલીસ કર્મચારી વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરજ અને સામાન્ય નાગરિકના તોડ કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

ભટાર ટેનામેન્ટ નજીક સુયોગનગરમાં રહેતો અને ઝેરોક્ષની દુકાનમાં નોકરી કરતો નીરવ ભાવેશ સોની બે દિવસ અગાઉ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા અગ્રવાલ સ્કૂલની નજીક હેપ્પી હોલ માર્ક કોમ્પ્લેક્ષમાં પાન પાર્લરની સામે મોપેડ પર બેસી સિગારેટ અને થમ્સઅપ પી રહ્યો હતો.

આ દરમિયાન લાલ કલરની કારમાં આવી વિલેશ ફતેસિંહ નેમ પ્લેટ વાળા ખાખી વર્દીધારી અને એક સિવિલ ડ્રેસમાં રહેલો યુવક ત્યાં ધસી આવ્યા હતા. બંનેએ યુવાને થમ્સઅપની બોટલમાં દારૂ પીવે છે? એમ કહી ત્રણેક તમાચા મારી બળજબરીથી કારમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ પોલીસ કેસ કરવાની ધમકી આપી જેલમાં ન જવું હોય તો ૫૦ હજાર રૂપિયા આપવા પડશે તેમ કહી યુવકને પોતાની ગાડીમાં સાથે લઈ ગયા હતા.

નીરવ સોનીએ પોતાના પોકેટમાં રહેલા પાંચ હજાર રૂપિયા અને ગૂગલ પે એપ્લિકેશનથી ૨૫,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. યુવકને બે કલાક સુધી ફેરવ્યા બાદ હેપી હોલ માર્ક કોમ્પ્લેક્ષ પાસે ઉતારી દીધો હતો. સાથે જ આ બાબતે કોઈને વાત કરી તો જાેઈ લઈશું તેવી ધમકી પણ આપી હતી. ધમકી આપ્યા બાદ પોલીસ કર્મચારી ફરાર થઈ ગયો હતો. આ મામલે નીરવે બળજબરીથી કારમાં ઉઠાવી જવા અને પૈસા પડાવી લેવાની ફરિયાદ ઉમરા પોલીસ મથકે આપી હતી. ઉમરા પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે. પોલીસે તપાસ કરતા એક યુવક ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કર્મચારી જ હોવાનું સામે આવતા તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.