Western Times News

Gujarati News

બોરસદના વાસણામાં સગી પુત્રી ઉપર જાતીય અત્યાચાર ગુજારનાર નરાધમ પિતાને ૧૦ વર્ષની સજા

Files Photo

બોરસદ: બોરસદ તાલુકાના વાસણા ગામે રહેતી સગી પુત્રી ઉપર જાતીય અત્યાચાર ગુજારીને જીવતી સળગાવી દેવાની ધમકી આપનાર નરાધમ પિતાને આણંદની કોર્ટે તકશીરવાર ઠેરવીને દશ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના રંબાપુર ગામનો વિજયભાઈ પ્રેમચંદભાઈ સોલંકી બોરસદ તાલુકાના વાસણા ગામે આવેલા વણકરવાસમાં પત્ની મીનાબેન અને બે પુત્રીઓ તેમજ એક પુત્ર સાથે રહેતો હતો અને મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતો હતો.

પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતાં પત્ની રીસાઈને ઘર છોડી જતી રહી હતી. દરમ્યાન બે પુત્રીઓ અને એક પુત્ર સાથે રહેતા વિજયભાઈ પ્રેમચંદભાઈ સોલંકીએ ગત ૧૩-૭-૧૮ના રોજ બપોરના અઢી વાગ્યાના સુમારે પોતાની ૧૯ વર્ષની મોટી પુત્રીના માથાના વાળ પકડીને અંદરના રૂમમાં ખેંચી ગયો હતો અને રૂમનો વચ્ચેનો દરવાજાે અંદરથી બંધ કરી દઈને પુત્રીને રૂમમાં પુરી દઈ તેણીની મરજી વિરૂધ્ધ જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. અને જાે આ વાત કોઈને કહીશ તો જીવતી સળગાવી દઈશ તેવી ધમકી આપી હતી.

આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને નરાધમ પિતા વિજયભાઈ સોલંકીની ધરપકડ કરી હતી અને તપાસ પુર્ણ કર્યા બાદ ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી. આ કેસ આણંદની ચોથી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત મદદનીશ સરકારી વકીલ જે. એસ. ગઢવીએ દલિલો કરતાં જણાવ્યું હતુ કે, પિતાએ જ સગી પુત્રી ઉપર જાતીય અત્યાચાર ગુજાર્યો છે. જે સમાજ માટે એક કલંકિત ઘટના છે. તેની અસર સમગ્ર સમાજ ઉપર ગંભીર રીતે પડે તેમ છે. ભોગ બનનાર, રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ સાક્ષીઓની જુબાની પરથી ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરે છે જેથી દાખલો બેસે તેવી સજા કરવા અપીલ કરી હતી.

તેઓએ પોતાના કેસના સમર્થનમાં ૧૩ જેટલા સાક્ષીઓ તપાસ્યા હતા અને ૨૯ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. ન્યાયાધિશ એસ. એ. નકુમે સરકારી વકીલની દલિલો અને રજુ થયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી વિજયભાઈ સોલંકીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૪ હજાર રૂપિયા દંડ, જાે દંડ ના ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

મદદનીશ સરકારી વકીલ જે. એસ. ગઢવીના જણાવ્યા અનુસાર સમાજને કલંકિત કરતી આ ઘટનામાં ભોગ બનનારની જુબાની મહત્વની સાબિત થઈ હતી. ભોગ બનનાર યુવતીએ તેણીની સાથે કરાયેલા અત્યાચારની સંપુર્ણ વિગતો કોર્ટ સમક્ષ રૂબરૂ જણાવી હતી. આ ઉપરાંત મેડિકલ પુરાવા તેમજ એફએસએલના રીપોર્ટે પણ બળાત્કારની ઘટનાને સમર્થન આપતાં ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં સફળ રહ્યો હતો.

તેમણે કહ્યું કે -ઈપીકો કલમ ૩૭૬માં ૧૦ વર્ષની સજા અને બે હજાર રૂપિયા દંડ, જાે દંડ ના ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા -ઈપીકો કલમ ૩૪૨માં ત્રણ માસની સાદી કેદની સજા અને ૫૦૦ રૂપિયા દંડ, જાે દંડ ના ભરે તો વધુ દશ દિવસની સાદી કેદની સજા -ઈપીકો કલમ ૩૨૩માં ત્રણ માસની સાદી કેદની સજા અને ૫૦૦ રૂપિયા દંડ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.