Western Times News

Gujarati News

હિમાચલ પ્રદેશના પૂર્વ CM વીરભદ્રસિંહનું નિધન

શિમલા: હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા વીરભદ્રસિંહનું લાંબી બીમારીથી ઝઝૂમ્યા બાદ ૮૭ વર્ષની વયે અવસાન થયું. સિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (આઈજીએમસી) ના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો.જનક રાજ દ્વારા પૂર્વ મુખ્યમંત્રીના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. સોમવારે વીરભદ્રસિંહને હાર્ટ એટેક આવ્યા બાદ ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં વીરભદ્રસિંહની તબિયત સતત બગડતી હતી. તેના લીધે તેમને આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા. વીરભદ્ર સિંહ અહીં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. અગાઉ આઇજીએમસીના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જનક રાજે બુધવારે કહ્યું હતું કે સિંહની સ્થિતિ નાજુક છે પરંતુ તે સ્થિર છે.

છ વખત રાજ્યના મુખ્યમંત્રી રહેલા સિંહ ૨૩ એપ્રિલથી મેડિકલ દેખરેખ હેઠળ હતા. તેમને ૧૩ એપ્રિલના રોજ કોરોના હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તેમને મોહાલીની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

૨૩મી એપ્રિલના રોજ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેઓ શિમલા આવી ગયા હતા. અહીં આવીને તેમને ફરીથી શ્વસન સંબંધિત સમસ્યાઓ થવા લાગી. ત્યારબાદ તેમને ફરીથી આઈજીએમસીમાં દાખલ કરાયા હતા. ૧૧મી જૂનના રોજ તેમને ફરીથી કોરોના સંક્રમણ થયું હતું. જાે કે, ત્યારબાદ તેઓ સ્વસ્થ થઈ ગયા હતા.

વીરભદ્રસિંહ નવ વખત ધારાસભ્ય રહ્યા હતા. તેઓ પાંચ વખત સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. તેમણે છ વખત મુખ્યમંત્રી તરીકે રાજ્યની બાગડોર સંભાળી હતી. હાલના સમયમાં તેઓ સોલન જિલ્લાના અરકીથી ધારાસભ્ય હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.