Western Times News

Gujarati News

ત્રીજી લહેરને રોકવા માટે કોરોનાની વિરુદ્ધ પ્રભાવી પગલાં ભરવા જરૂરી : વડાપ્રધાન

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેમના રાજ્યોમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, શરૂઆતમાં વિશેષજ્ઞ એવું માની રહ્યા હતા કે જ્યાંથી સેકન્ડ વેવની શરૂઆત થઈ હતી, ત્યાં સ્થિતિ પહેલા નિયંત્રણમાં છે. પરંતુ મહારાષ્ટ્ર અને કેરળમાં કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. આ ખરેખર આપણા સૌ માટે, દેશ માટે ખૂબ ગંભીર ચિંતાનો વિષય છે. વડાપ્રધાને કહ્યું કે, ખૂબ જરૂરી છે કે જે રાજ્યોમાં કેસો વધી રહ્યા છે, ત્યાં સક્રિય ઉપાય કરતાં ત્રીજી લહેરની કોઈ પણ આશંકાને રોકવી જાેઈએ.

મોદીએ કહ્યું કે, એક્સપર્ટ્‌સ જણાવે છે કે લાંબા સમય સુધી સતત કેસોના વધારાથી કોરોના વાયરસમાં મ્યૂટેશનની આશંકા વધી જાય છે. નવા નવા વેરિયન્ટનો ખતરો વધી જાય છે. તેથી, ત્રીજી લહેરને રોકવા માટે કોરોનાની વિરુદ્ધ પ્રભાવી પગલાં ભરવા જરૂરી છે. તેમણે કહ્યું કે, ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને વેક્સીનની અમારી રણનીતિ ફોક્સ કરીને જ આપણે આગળ વધીશું. માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન્સ પર વિશેષ ધ્યાન આપવું પડશે. જે જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ વધુ છે, જ્યાંથી વધુ કેસ આવી રહ્યા છે, ત્યાં એટલું વધારે ફોકસ પણ કરવું પડશે.

વડાપ્રધાને જણાવ્યું કે, દેશના તમામ રાજ્યોને નવા આઇસીયૂ બેડ્‌સ બનાવવા, ટેસ્ટિંગ ક્ષમતા વધારવા અને બીજી તમામ જરૂરિયાતો માટે ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે હાલમાં ૨૩ હજાર કરોડ રૂપિયાથી વધુનું ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ પણ જાહેર કર્યું છે.

અધિકૃત જાણકારી મુજબ, આ બેઠકમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગમોહન રેડ્ડી, કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સામેલ થયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.