Western Times News

Gujarati News

ભાવનગરમાં લુખ્ખાઓનો ખુલ્લા હથિયારો સાથે આતંક

ભાવનગર: મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર શહેરમાં વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીની શહેરમાં હાજરી હોય ત્યારે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોય તે સ્વાભાવિક છે. મુખ્યમંત્રીની હાજરીને પગલે શહેરમાં ૫૦૦થી વધારે જવાનો બંદોબસ્તમાં હતા. મુખ્યમંત્રી ભાવનગર શહેરમાં હાજર હતા ત્યારે જ એક આધેડ પર હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક સવાર બે લોકોએ છરા અને ગુપ્તી જેવા તીક્ષ્ણ હથિયારો વડે આધેડને ઘા મારી દીધા હતા અને ભાગી ગયા હતા. હુમલા બાદ બંને હુમલાખોર હાથમાં ખુલ્લા હથિયાર રાખીને બાઈક પર ભાગી ગયા હતા. મુખ્યમંત્રીની શહેરમાં હાજર વખતે જ બનેલા આ બનાવે ખૂબ જ ચર્ચા જગાવી છે.

મળતી માહિતી પ્રમાણે શહેરમાં બપોરના સમયે આશરે એક વાગ્યાની આસપાસ કાળીયાબીડ પાણીની ટાંકી પાસે રસ્તા પર નાળિયેર વેચીને પેટિયું રળતા એક આધેડ પર છરા અને ગુપ્તીથી હુમલો કરાયો હતો. બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને એક આધેડ પર એક પછી એક વાર કર્યો હતો. આ બનાવ બાદ બંને હુમલાખોરો ભાગી ગયા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે આ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ ઉપરાંત અહીં પોલીસ બંદોબસ્ત પણ હોય છે. ત્યારે સવાલ એ છે કે હુમલાખોરો કેવી રીતે હુમલો કરીને હાથમાં ખુલ્લા હાથિયારો રાખીને ભાગી ગયા હતા? શા માટે પોલીસના ધ્યાનમાં આ ઘટના આવી ન હતી?

હુમલાખોરો ભાગી રહ્યા હોય તેવી તસવીરો પણ વાયરલ થઈ છે. જ્યારે ઈજાગ્રસ્ત આધેડને પહેલા ભાવનગર અને ત્યારબાદ વધારે સારી સારવાર માટે અમાદવાદ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. મંગળવારે સીએમ રૂપાણી ભાવનગરમાં હતા. અહીં તેમણે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ કરાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.