Western Times News

Gujarati News

પાલનપુર માર્કેટયાર્ડ ચૂંટણીઃ બોગસ મતદારો ઉભા કર્યાનો આક્ષેપ

માર્કેટયાર્ડમાં નિયામક મંડળની ચૂંટણી ૧૮ સપ્ટેમ્બરે યોજાશે

પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં મતદારોની પ્રથમ યાદી જાહેર થતા જ વિવાદ સર્જાયો છે. બોગસ લાઈસન્સ બનાવી મતદારો ઉભા કર્યાના આક્ષેપ સાથે વેપારીઓમાં રોષ ભભૂક્યો છે જે હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને વેપારીઓએ બોગસ લાયસન્સ રદ નહી થાય અને મતદાર યાદીમાં સુધારો નહી થાય ત્યાં સુધી ખરીદ વેચાણ બંધ કરી હડતાલ પર ઉતરી જતા માર્કેટ યાર્ડમાં માલની આવક જાવક ઠપ્પ થઈ છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આવેલી માર્કેટયાર્ડમાં નિયામક મંડળની ચૂંટણી આગામી ૧૮ સપ્ટેમ્બરે યોજાનાર છે જેમાં પ્રથમ મતદાર યાદી જાહેર થતાં જ માર્કેટયાર્ડમાં ચૂંટણી મામલે વિવાદ ઉભો થયો છે. વેપારીઓ દ્વારા આક્ષેપ કરાઈ રહ્યા છે કે એપીએમસીમાં વર્તમાન સત્તાધીશો પોતાની સત્તા ટકાવી રાખવા પોતાના મળતિયાઓને નામે ચૂંટણીલક્ષી લાયસન્સ આપી મતદારયાદીમાં ૧૮૦ જેટલા નામ સમાવિષ્ટ કરાવ્યાં છે

જે નામ રદ કરી મતદાર યાદી નહી સુધરે ત્યાં સુધી વેપારીઓએ હડતાળનો માર્ગ અપનાવતા માર્કેટયાર્ડમાં માલની આવક જાવક ઠપ્પ થઈ છે જેને લઈ માલ લઈ આવતા ખેડુતો અને માર્કેટયાર્ડમાં કામ કરતા શ્રમિકોને અટવાવાનો વારો આવ્યો છે.

મહત્વની વાત છે કે મતદાર યાદીમાં ચૂંટણીલક્ષી લાયસન્સ આપી મળતિયાઓ ના નામ ઉમેરાયા હોવાની રજુઆત વેપારીઓ દ્વારા એપીએમસીના સત્તાધીશોને કરવામાં આવી પરંતુ સત્તાધીશો દ્વારા તેમની ફરિયાદ ન સાંભળતા છેવટે વેપારીઓએ તાબડતોબ બેઠક બોલાવી હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય કર્યો.

જાેકે વેપારીઓએ હડતાળ પર ઉતરવા મામલે અગાઉ માર્કેટયાર્ડનું ધ્યાન દોર્યું હોવા છતાં માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને જાણ ન કરાતા ખેડૂતો પોતાનો માલ લઈ માર્કેટયાર્ડમાં વેચવા પહોંચ્યા, પરંતુ માર્કેટ યાર્ડમાં હડતાલને પગલે બંધ પેઢીઓને લઈ ખેડુતોને વાહનોનું ભાડું ભોગવવાનો વારો આવ્યો છે.

જેને લઈ વેપારીઓની સાથે સાથે ખેડૂતોમાં પણ રોષ ભભૂકયો છે તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં કામ કરતા શ્રમિકોની રોજીરોટી પણ છીનવાઈ છે જેને લઈ શ્રમિકો પણ રોષે ભરાયા છે અને વહેલી તકે માર્કેટયાર્ડ શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.