Western Times News

Gujarati News

રાજ્યપાલે યાત્રાધામ સ્વામિનારાયણ મંદિર,  કુંડળધામની મુલાકાત લીધી

પરમાત્માએ સુંદર પ્રકૃતિ અર્પણ કરી છે તેનું અનાવશ્યક દોહન ન કરીએ – રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત

રાજ્યપાલના હસ્તે ‘સ્વાસ્થ્ય સુધા’ અને ‘વચનામૃતમ’ ગ્રંથના હિન્દી સંસ્કરણનું વિમોચન કરાયું

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ બોટાદ જિલ્લાના ઐતિહાસિક યાત્રાધામ શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામની મુલાકાત પ્રસંગે જણાવ્યું હતું કે, પરમાત્માએ આપણને સુંદર પ્રકૃતિ અર્પણ કરી છે જેનું આપણે અનાવશ્યક દોહન ન કરવું જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે , જો આપણે અનાવશ્યક દોહન  કરીએ છીએ ત્યારે પ્રકૃતિ નારાજ થાય છે અને તેના માઠા પરિણામો આજે આપણે જોઈ શકીએ છે.

રાજ્યપાલશ્રીએ તેમના સંબોધનમાં કહ્યું કે વેદ વાણી આપણને મનુષ્ય બનવાની પ્રેરણા આપે છે . તેમણે એમ પણ કહ્યું કે, આજે આપણે મનુષ્ય બનવાના બદલે ધર્મના વાડાઓમાં વહેંચાઈને એકબીજા પ્રત્યે ઈર્ષા અને દ્વેષભાવ કરીએ છીએ ,જેની  વિશ્વમાં અશાંતિ ઊભી થઈ છે.

રાજ્યપાલશ્રીએ સંતોના સમાજસેવા અંગેના કાર્યની પ્રશંસા કરતાં કહ્યું કે, સંતો વાદળ જેવા હોય છે, જેમ વાદળ સમુદ્રનું ખારું પાણી મીઠું બનાવે છે, તે જ રીતે સંતો પણ સમાજમાં પરોપકારની વૃત્તિ દ્વારા લોકોને શાતા આપે છે.

આચાર્ય દેવવ્રતજી એ આ પ્રસંગે કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરની પ્રવૃત્તિઓની પ્રશંશા કરતા કહ્યું કે,  સંતો આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સમાજમાં મન અને આત્માને બળવાન કરી સમગ્ર વિશ્વના કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે.

રાજ્યપાલશ્રી અને પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ આ અવસરે વૃક્ષોનો મહિમા વર્ણવતા કહ્યું કે આપણા શાસ્ત્રોમાં વૃક્ષોને દેવતા કહેવામાં આવ્યા છે જેમ દેવતા જીવન આપે છે તેમ વૃક્ષો પણ જીવનદાયી છે અને તેથી જ આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ તેમણે ઉમેર્યું કે વૃક્ષોની પૂજા દ્વારા આપણે પરમાત્માની વ્યવસ્થામાં સહયોગ આપીએ છીએ.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ કુંડળખાતે આવેલ કુંડલેશ્વર મહાદેવ, મુખ્ય મંદિર, દરબાર ગઢ, ઔષધવાટીકા, પ્રાકૃતિક કૃષિ, પવિત્ર ઉતાવળી નદી, જોગીવન તથા ગૌશાળાની મુલાકાત લઈ ગૌમાતાનું પૂજન કર્યું હતું. આ અવસરે રાજ્યપાલશ્રી દ્વારા ‘સ્વાસ્થ્ય સુધા’ અને ‘વચનામૃત’ હિંદી ગ્રંથનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કુંડળધામના પૂજ્ય જ્ઞાનદાસજી સ્વામીના શિષ્ય  અક્ષરનિવાસી સંત પુજ્ય અચલસ્વરૂપદાસજી સ્વામીની સ્મૃતિમાં ૧૧૦૦૦ વૃક્ષોનું  વૃક્ષારોપણ તથા વિવિધ ગામોથી આવેલા હરિભક્તોને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાબેન દેવી તથા શ્રી મહેંન્દ્ર દૈયાજી, શ્રીમતી સુશીલાબેન દૈયાજી, જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા, અધિક નિવાસી કલેક્ટર શ્રી મુકેશ પરમાર ,પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા, પૂજ્ય ઘનશ્યામ જીવનસ્વામી, પૂજ્ય શ્રીરંગ સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, સર્વ શ્રી ઘનશ્યામભાઈ, અશોકભાઈ, પંકજભાઈ સહિતના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.