Western Times News

Gujarati News

જુલાઈમાં ૨૩.૭ લાખ ટન વેચાયું; પેટ્રોલની માંગ ૧૭ ટકા, ડીઝલની ૧૨ ટકા વધી

નવીદિલ્હી: કોરોનાની બીજી લહેરના કારણે લાગેલા પ્રતિબંધોમાં ઢીલથી દેશમાં જુલાઈમાં વિવિધ ઈંધણની માંગમાં વધારો નોંધાયો છે. આ સાથે પેટ્રોલની ખપત પણ મહામારી પહેલાના સ્તરે પહોંચી ગઈ છે. રવિવારે જારી કરાયેલા પ્રાથમિક આંકડામાં આ માહિતી અપાઈ છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ જુલાઈ ૨૦૨૧માં ૨૩.૭ લાખ ટન (૨૩૦ લાખ લિટર) પેટ્રોલનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષની તુલનામાં ૧૭% વધુ છે. જ્યારે જુલાઈ ૨૦૧૯માં પેટ્રોલનું વેચાણ ૨૩.૯ લાખ ટન રહ્યું હતું. આ સિવાય દેશમાં સૌથી વધુ વપરાશ ધરાવતા ઈંધણ ડીઝલનું વેચાણ ગયા વર્ષના જુલાઈની તુલનામાં ૧૨.૩૬% વધીને ૫૪.૫ લાખ ટન રહ્યું. જાેકે, આ આંકડો જુલાઈ ૨૦૧૯ની તુલનામાં ૧૦.૯% ઓછો છે.

ભારતની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ચેરમેન એસ. એમ. વૈદ્યે ૩૦ જુલાઈએ કહ્યું હતું કે, પેટ્રોલની માંગ મહામારીના પહેલાના સ્તરે પહોંચી ગઈ છે. કારણ કે, હવે લોકો જાહેર પરિવહનના બદલે ખાનગી વાહનોનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. હવે ડીઝલની માંગ પણ કોરોના પહેલાના સ્તરે પહોંચી જવાની આશા છે, પરંતુ તેવું ત્યારે જ શક્ય બનશે જ્યારે મહામારીની સંભવિત ત્રીજી લહેરમાં કોઈ જ પ્રકારના આર્થિક પ્રતિબંધો લાદવામાં ના આવે.

માર્ચ પછી જુલાઈમાં સતત બીજા મહિને દેશમાં ઈંધણનો વપરાશ વધ્યો છે. ઈંધણની માંગ માર્ચ ૨૦૨૧માં સામાન્ય થવાની નજીક હતી, પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે લગાવેલા પ્રતિબંધોથી ઈંધણનું વેચાણ ઘટ્યું હતું. કોરોનાના કારણે દેશના મોટા ભાગના રાજ્યોમાં લૉકડાઉનને પગલે મે ૨૦૨૧માં ઈંધણનો વપરાશ ગયા વર્ષના ઓગસ્ટ પછી સૌથી ઓછો થઈ ગયો હતો. જાેકે, પ્રતિબંધોમાં ઢીલ મૂકાયા પછી આર્થિક ગતિવિધિઓ ફરી શરૂ થતાં જૂનમાં ઈંધણની માંગમાં ફરી વધારો નોંધાયો હતો.

વિમાન ઈંધણની ખપત પણ ૨૯.૫% વધી, પરંતુ તે જુલાઈ ૨૦૧૯ની તુલનામાં ૫૩.૧% ઓછી સરકારી આંકડા પ્રમાણે, આ ગાળામાં રસોઈ ગેસ એટલે કે એલપીજીની માંગમાં પણ વાર્ષિક ધોરણે ૪.૦૫% વધીને ૨૩.૬ લાખ ટન થઈ ગઈ હતી. તે જુલાઈ ૨૦૧૯ની તુલનામાં ૭.૫૫% વધુ છે. બીજી તરફ, વિમાન કંપનીઓના પ્રવાસ પ્રતિબંધોના કારણે પણ અત્યાર સુધી હવાઈયાત્રા સંપૂર્ણપણે ફરી શરૂ થઈ શકી નથી. જેના કારણે વાર્ષિક આધારે વિમાનમાં વપરાતા ઈંધણ એટીએફની માંગ જુલાઈ ૨૦૨૧માં ૨૯.૫% વધીને ૨,૯૧,૧૦૦ ટન રહી. જાેકે, તે જુલાઈ ૨૦૧૯ની તુલનામાં ૫૩.૧% ઓછી છે.

દેશની વીજળીની ખપત જુલાઈમાં લગભગ ૧૨% વધી ગઈ છે. તે ૧૨૫.૫૧ અબજ યુનિટ પર પહોંચી ગઈ છે. આ કોરોના પૂર્વેના સ્તરે પહોંચી છે. જુલાઈ ૨૦૧૯માં ખપત ૧૧૬.૪૮ અબજ યુનિટની હતી. જુલાઈ ૨૦૨૦માં વીજળીની ખપત ૧૧૨.૧૪ અબજ યુનિટની રહેવા પામી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.