Western Times News

Gujarati News

રખિયાલમાંથી બોગસ કોલ સેન્ટર પકડાયું, બે જબ્બે

પ્રતિકાત્મક

અમેરિકન લોકોને રૂપિયા નહીં ભરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે, ચેક બાઉન્સ થશે તેવી ધમકી આપતા હતા

અમદાવાદ,  શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસે બોગસ કોલ સેન્ટરનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આરોપીઓ બેંક લોન લેનારા અમેરિકી નાગરિકોને ઈ-મેલ દ્વારા યેનકેન પ્રકારે દબાણ કરી રૂપિયા પડાવતા હતા. આ કૌભાંડની જાણ પોલીસને થતા પોલીસે મુદ્દામાલ સહિત ફેક કોલ સેન્ટર ચલાવતા આરોપીઓને ઝડપી પાડયા છે.

રખીયાલ પોલીસના સકંજામાં દેખાતા આ બંને ભેજાબાજ આરોપીઓ અમેરિકાના નાગરિકો પાસેથી પૈસા પડાવવામાં માહેર છે. ઓન લાઇન ઈ-મેલ કરીને બેન્કમાંથી લોન લેનાર અમેરિકન લોકોને રૂપિયા નહીં ભરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે અને તમારા ચેક પણ બાઉન્સ થઈ જશે તેવી ધમકીઓ આપી પોતાની વાતોમાં ભરમાવી રૂપિયા પડાવતા હતા.

અમેરિકન ડોલર પેટે ચલણી નાણા મેળવવા માટે મની પેક કાર્ડનો ઉપયોગ કરાવી રૂપિયા મેળવતા હતા. આ ભેજાબાજ ટોળકીની કરતુંતો રખિયાલ પોલીસના ધ્યાને આવતા પોલીસે રેડ કરી બે આરોપીઓને મોબાઈલ લેપટોપ રાઉટર અને રૂપિયા કરવાના મશીન સાથે ઝડપી પાડયા છે.

રખિયાલ પોલીસે ઝડપેલા બન્ને આરોપીઓના નામ છે સુરેશ ઠાકોર અને નરેન્દ્ર કોરડીયા. આ બંને આરોપીઓ છેલ્લા છ મહિનાથી રખિયાલ વિસ્તારના રાજીવ નગર માં ભાડે મકાન રાખીને ગેરકાયદેસર કોલ સેન્ટરનું કૌભાંડ ચલાવતા હતા. આરોપીઓ પાસેથી પકડાયેલા મુદ્દામાલમાં લેપટોપ ની સાથે સાથે મળી આવેલા રૂપિયા કરવાના મશીન ને જાેઈને તમે સમજી જ ગયા હશો કે અમેરિકન નાગરિકોને લૂંટીને આ ટોળકી બેફામ કાળુ ધન ભેગું કરી હતી.

હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ બતાવી તેની સાથે સંડોવાયેલા બીજા સાગરીતોએ પકડવા પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. આરોપીઓ જે મકાનમાં ભાડે રહેતા હતા ત્યાં તેમણે મકાનમાલિકને કોમ્પ્યુટર રીપેરીંગનું કામકાજ હોવાનું કહ્યું મકાન ભાડે રાખ્યું હતું.

વિદેશી નાગરિકો પાસેથી બોગસ કોલ સેન્ટરની આડમાં રૂપિયા પડાવવાનું આ નેટવર્ક કોઈ નવું નથી. અગાઉ પણ અનેક ટોળકીઓ બોગસ કોલસેન્ટરમાં ઝડપાઈ ચૂકી છે. પરંતુ નોંધનીય છે કે વિદેશી નાગરિકોને છેતરીને રૂપિયા પડાવવાના કૌભાંડમાં હવે ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો જાેડાવાનો રેશિયો વધી ગયો છે.

એટલે આ લાલબત્તી સમાન કિસ્સો સમાજને સૂચિત કરી રહ્યો છે કે જાે યુવાવર્ગને પરિવાર કે વડીલો દ્વારા નિયંત્રણમાં રાખવામાં નહીં આવે તો આવનારા સમયમાં યુવા પેઢી આ પ્રકારની ગુનાખોરીના દલદલમાં ફસાતી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.