Western Times News

Gujarati News

“વિશ્વ અંગદાન દિવસ” : “વન મિલિયન પ્લેજ-ફોર ઓર્ગન ડોનેશન”જનહિતલક્ષી પહેલ હાથ ધરાઇ

સિવિલ મેડીસીટીની કિડની હોસ્પિટલ અને ગુજરાત મીડિયા કલબના સંયુક્ત પ્રયાસે “વન મિલિયન પ્લેજ-ફોર ઓર્ગન ડોનેશન”જનહિતલક્ષી પહેલ હાથ ધરાઇ

દેશભરમાં  પ્રતિ દસ લાખ વ્યક્તિએ 0.86 ટકા લોકો જ અંગ દાન કરે છે જે આંકડો અમેરિકામાં 26 ટકા જેટલો છે – કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા

“વિશ્વ અંગદાન દિવસ” સંદર્ભે અમદાવાદ સિવિલ મેડીસીટીની IKDRC(ઇન્ડીયન કીડની ડીસીસ રીસર્ચ સેન્ટર) કિડની ઇન્સ્ટીટ્યુટ અને ગુજરાત મીડિયા ક્લબના સંયુક્ત પ્રયાસે જનહિતલક્ષી મુહિમ હાથ ધરવામાં આવી છે.

આ પ્રસંગે અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું કે, આજે પણ દેશમાં પ્રતિ દસ લાખ વ્યક્તિઓએ 0.86 ટકા લોકો જ અંગદાન માટેની સંમતિ દર્શાવતા જોવા મળે છે જે આંક અમેરિકામાં 26 જેટલો છે.આજના દિવસે ગુજરાત મીડિયા ક્લબ અને કિડની ઇન્સ્ટીટ્યુટની 10 લાખ લોકોને અંગદાન માટે પ્રેરવાની પહેલ દેશમાં અંગદાન ક્ષેત્રે નવજાગૃતિનું સર્જન કરશે.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દેશભરમાં થઇ રહી હોય ત્યારે ગુજરાત રાજ્યમાંથી અંગદાન દ્વારા લોકોને નવજીવન આપવાનો સંકલ્પ ખરા અર્થમાં દેશના સમર્પણ ભાવની પ્રતિતી કરાવે છે.

વિશ્વ અંગદાન દિવસના અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત મીડિયા ક્લબ અને કિડની ઇન્સ્ટિટ્યૂટ ના સંયુક્ત પ્રયાસથી શરૂ કરાયેલ વન મિલીયન પ્લેજ અભિયાનને બિરદાવતા તેઓએ ઉમેર્યુ કે, આ મૂહિમ લોકસમુદાયમાં અંગદાન પ્રત્યે જનચેતના ઉભી કરશે.

વન મિલિયન પ્લેજ ફોર ઓર્ગન ડોનેશન ની આ પહેલ જનવ્યાપી બનાવીને જનસમુદાયને  અંગદાન પ્રત્યે પ્રેરવા મીડિયાની ભૂમિકા મહત્વની બની રહેશે. આ ચળવળ રાજ્યને અંગદાન ક્ષેત્રે અગ્રેસર બનાવશે તેવો ભાવ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો..

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે એમ પણ કહ્યું કે, પોતાના અંગોનું અન્ય જ શરીરમાં દાન કરવું એ પરોપકારની ભાવના સુચવે છે અને જ્યાં પરોપકાર હોય છે ત્યાં સમસ્યા હોતી નથી. આ પરોપકારના ભાવથી જ રાષ્ટ્રનિર્માણ શક્ય બને છે. જેથી પરોપકારના આ મહાયજ્ઞમાં સર્વે નાગરિકોને જોડાવવા મુખ્મમંત્રી શ્રી એ અપીલ કરી હતી.

આઝાદીકા અમૃત મહોત્સવ દ્વારા વડાપ્રધાન શ્રી એ દેશના દરેક નાગરિકને રાષ્ટ્રનિર્માણ માટે સંકલ્પબધ્ધ થવા આહવાન કર્યું છે ત્યારે ગુજરાતમાંથી  અંગદાનના સંકલ્પ માટે થયેલ શુભ શરૂઆત દેશના નાગરિકોમાં દેશદાઝ જગાડીને દેશ માટેનો સમર્પણભાવ ઉભો કરશે. તેવો આશાવાદ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

તેઓએ એમ પણ કહ્યું કે, સ્વતંત્રતા સંગ્રામ વખતે અંસખ્ય સ્વાતંત્ર્ય સૈનાનિઓ Die For The Nation ના ભાવ સાથે દેશ સેવા કરતા કરતા શહીદી વહોરી હતી પરંતુ આજના સમયે Live For The Nation  ના ભાવ સાથે દરેક નાગરિકે જીવીને દેશવાસીઓની વેદના, પીડા અને સમસ્યાઓ દૂર કરવાની વ્યવ્સથાપનમાં સહભાગી બનવાનું છે.

આજે વિશ્વ અંગદાન દિવસના પવિત્ર અવસરે દસ લાખ લોકોને અંગદાન માટે પ્રતિજ્ઞાએ સાચા અને પવિત્ર કાર્ય માટે પવિત્ર સમય નું સૂચન કરે છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી મીડિયા જગતના મિત્રોની સમાજપ્રત્યેના ઉત્તરદાયિત્વને જવાબદારી પૂર્વક નિભાવવવાની પહેલની આવકારી હતી.

વિશ્વ અંગદાન દિવસના પવિત્ર અવસરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઋષિ દધીચી અને મયુરધ્વજ રાજા ના અંગ દાનના પ્રસંગોને પણ યાદ કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે અંગદાન અને અંગોના પ્રત્યારોપણ માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અને વ્યવસ્થાપનનો નો ચિતાર રજૂ કર્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી એ અંગદાનને લગતા તાજેતરમાં કરાયેલી અગત્યની જાહેરાત વિશે કહ્યુ કે, રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ વિધાર્થીઓની થતી આરોગ્ય તપાસમાં વધુ સુવિધા આપવાનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે.

જે અંતર્ગત કિડની,કેન્સર, હ્યદય રોગ જેવા ગંભીર રોગોમાં શરીરનું કોઇ પણ અંગ પ્રત્યારોપણ કરવાનું થાય અને તેનું નિદાન 18 વર્ષ સુધીમાં થઇ ગયુ હોય પણ ઓર્ગન ઉપલ્બધ ન હોય તેવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા 18 વર્ષ પછી જો ઓર્ગન ઉપલબ્ધ થાય તો પણ વિનામૂલ્યે સારવાર આપવાનો નિર્ણય કર્યો હોવાનું નાયબ મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું હતુ.

તેઓએ એમ પણ જણાવ્યું કે, SOTTO  કાયદા અંતર્ગત રાજ્યભરમાં અંગદાનની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. ભૂતકાળની સરકારમાં  અંગદાન ક્ષેત્રે વ્યવસાયીકરણ જોવા મળતું હતું જેનો હાલની સરકારમાં અંત આવ્યો છે. આજે ગરીબ, જરૂરીયાત મંદ અને સાચા લાભાર્થી સુધી દાન કરેલા અંગો પહોંચી રહ્યા છે જે સરકારની પારદર્શક અને લોકસુખાકારી પ્રત્યેની સરકારની કટિબધ્ધતા રજૂ કરે છે.

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા કાર્યર્ત ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે રાજ્યભરના જિલ્લા અને તાલુકા સ્તર સુધી ડાયાલિસિસ કેન્દ્રો ઉપલબ્ધ થયા છે. અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલની કિડની ઇન્સ્ટીટ્યુટ સુધી  સિમિત ડાયાલિસિસ કેન્દ્રની આજે રાજ્યભરમાં સંખ્યા ૫૪ થઈ જવા પામી છે.  જેમાં અત્યાર સુધીમાં 14,50,000 કરતાં પણ વધુ વખત ડાયાલિસિસ સેવાનો લાભ દર્દીઓએ મેળવ્યો છે.

આ પ્રસંગે કોરોનાકાળમાં સતત પ્રજાને માહિતી પહોંચાડવાની શ્રેષ્ઠ કામગીરી કરનારા મીડિયા રીપોર્ટર્સનું સન્માન કરવામાં આવ્યું હતુ.

વિશ્વ અંગદાન સંદર્ભેના કાર્યક્રમમાં અસારવા ધારાસભ્ય શ્રી પ્રદિપભાઇ પરમાર, અમદાવાદ મેયર શ્રી કિરિટભાઇ પરમાર, નાયબ મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ,પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઇ ભટ્ટ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ,શહેર પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રી વાસ્તવ,કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર શ્રી વિનીત મિશ્રા, સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી, ગુજરાત યુનિવર્સિટિ વાઇસ ચાન્સેલર ડૉ. હિમાંશુ પંડ્યા સહિત મીડિયા જગતના ખ્યાતનામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.