Western Times News

Gujarati News

ટાટા પાવરે રાધાનેસડા સોલર પાર્કમાં 100 મેગાવોટના સોલર પીવી પ્રોજેક્ટને સફળતાપૂર્વક કાર્યરત કર્યો

ટાટા પાવરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઇએલ)એ ગુજરાતમાં રાધાનેસડા સોલર પાર્કમાં 100 મેગાવોટના સોલર પાવર પ્રોજેક્ટને સફળતાપૂર્વક કાર્યરત કર્યો છે. આ પ્રોજેક્ટ ટીપીઆરઇએલ માટે વધુ એક સીમાચિહ્ન છે,

કારણ કે કામગીરીના પ્રથમ વર્ષમાં 100 મેગાવોટનો પ્લાન્ટ 255 મિલિયન યુનિટ પેદા કરશે એવી અપેક્ષા છે. એનાથી દર વર્ષે 200,000 ટન કાર્બનનું ઉત્સર્જન ઘટશે. રાધાનેસડા સોલર પાર્ક ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત છે, જે દેશમાં સૌથી મોટા સોલર પાર્ક પૈકીનો એક છે.

આ પ્રોજેક્ટ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ)એ આપ્યો હતો. 100 મેગાવોટના આ ઉમેરા સાથે ટીપીઆરઇએલની કુલ સ્થાપિત ક્ષમતા 2,797 મેગાવોટ થઈ ગઈ છે, જેમાંથી 1,865 મેગાવોટ સૌર અને 932 મેગાવોટ પવન ઊર્જા છે. કંપનીના વધુ 1,234 મેગાવોટના અન્ય રિન્યૂએબલ પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે.

આ સફળતા પર ટાટા પાવરના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, “અમને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે, ટીપીઆરઇએલએ ગુજરાતમાં દેશમાં સૌથી મોટા સોલર પાર્ક પૈકીના એક 100 મેગાવોટના પ્રોજેક્ટને કાર્યરત કર્યો છે. અમે સોલર ઊર્જાના ઉત્પાદન દ્વારા દેશમાં સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઊર્જાનું ઉત્પાદન કરવા કટિબદ્ધ છીએ.”

ઉદ્યોગને કોવિડ-19ને કારણે વિવિધ પડકારોનો સામનો કરવો પડ્યો હોવા છતાં ટાટા પાવરની ઇપીસી કંપની ટાટા પાવર સોલર સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા ટીપીઆરઇએલએ પ્રોજેક્ટ અમલીકરણમાં ઉત્કૃષ્ટ અનુભવ અને ક્ષમતાઓને કારણે પ્રોજેક્ટની નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.