Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે 75 મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરવ્યો અને અને સાથી રેલવે કર્મચારીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે રાષ્ટ્રનો 75 મો સ્વતંત્રતા દિવસ પશ્ચિમ રેલવેના ચર્ચગેટ સ્થિત, મુખ્યાલય ખાતે સાદગીપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જનરલ મેનેજરે આરપીએફની ઔપચારિક પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને તમામ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ અને તેમની કાર્યકારી સમિતિની સદસ્યાતાઓ ઉપરાંત પશ્ચિમ રેલવેના મુખ્ય વિભાગાધ્યક્ષ, મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અને પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં. પ્રારંભમાં પશ્ચિમ રેલવેના મહાનિરીક્ષક સહ પ્રધાન મુખ્ય સુરક્ષા આયુક્ત શ્રી પીસી સિન્હાએ જનરલ મેનેજરનું તેમના આગમન પર સ્વાગત કર્યું હતું.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર એક પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, શ્રી કંસલે તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં પશ્ચિમ રેલવે દ્વારા તાજેતરમાં ઉપલબ્ધ થયેલ વિવિધ સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.શ્રી કંસલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે

કોવિડ-19 મહામારીની સૌથી વિકટ પરિસ્થિતી દરમિયાન પણ દેશસેવા સર્વપ્રથમ કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા આ સુનિશ્ચિત કરવામાં આવેલ છે કે  “રાષ્ટ્ર પ્રથમ,સર્વદા પ્રથમ” ના સુવિચારનું અનુપાલન કરીને રાષ્ટ્રીય હિત હંમેશા આપણા સૌથી મહત્વપૂર્ણ વિચારમાં હોવું જોઈએ

અને આ બાબતે આપણે હંમેશા આપણા વ્યક્તિગત ફાયદાઓની ઉપેક્ષા કરવી જોઈએ.શ્રી કંસલેે તેમના જણાવ્યું હતું કે વર્ષ 2021નો પ્રારંભ પ્રતિષ્ઠિત ડભોઈ-ચાંદોદ- કેવડિયા રેલ લાઈન પ્રોજેક્ટના ઉદઘાટન સાથે થયો. પછી ગત માસમાં ગૌરવપૂર્ણ ઈતિહાસ ફરીથી રચાયો, જ્યારે માનનીય પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને ઘણા પ્રોજેક્ટ સમર્પિત કર્યા,જેમાં પુર્નવિસકિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન, નવ વિદ્યુતિકૃત સુરેન્દ્રનગર- પીપાવાવ સેક્શન, મહેસાણા – વરેઠા ગેજ પરિવર્તિત સહ વિદ્યુતિકૃત રેલ લાઈન અને પુર્નવિસકિત વડનગર રેલવે સ્ટેશન મુખ્યત્વે સામેલ છે.

જનરલ મેનેજર શ્રી કંસલે તેમના વક્તવ્યમાં “અંત્યોદય” ની કલ્પના પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, કોવિડ -19 મહામારીના કઠિન પડકારો હોવા છતાં, પશ્ચિમ રેલવેએ હંમેશા સમાજના અંતિમ વર્ગની સેવાને અગ્રતા આપી છે.

તેમણે કહ્યું કે સમાજના હાંસિયામાં ધકેલાયેલા ગ્રાહકોને સેવા આપવા માટેની સેવાના ક્રમમાં પશ્ચિમ રેલવેએ પાછલા વર્ષે 18.50 લાખથી વધુ મજૂરોને તેમના વતનમાં પહોંચાડવા માટે 1234 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો સફળતાપૂર્વક ચલાવીને મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે સામાન્ય કોચમાં અને નાના સ્ટેશનોના શૌચાલય પણ મોટા સ્ટેશનોની જેમ સારા હોવા જોઈએ.

તેમણે કહ્યું કે આ વર્ષ એક મહત્વનું વર્ષ રહ્યું છે અને પશ્ચિમ રેલવેએ ઘણા ક્ષેત્રોમાં નવી ઉંચાઈઓને સ્પર્શ કર્યો છે.પશ્ચિમ રેલવેનો પ્રાથમિક ઉદ્દેશ યાત્રીઓની સલામત યાત્રા સુનિશ્ચિત કરવાનો છે અને તેને હાંસલ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી.

ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે ઉદ્ભવતા પડકારોને પહોંચી વળવા અને મુંબઈ ઉપનગરીય ટ્રેનોના વ્હીલ્સને સરળ રીતે ચલાવવા માટે, પશ્ચિમ રેલવેએ ઉપનગરીય વિભાગમાં મિશન મોડ પર ચોમાસાને લગતા વિવિધ મહત્વના કામોની કાળજીપૂર્વક યોજના બનાવી અને તેનો અમલ કર્યું.

તદુપરાંત યાત્રીઓની સલામતી માટે, પશ્ચિમ રેલવેએ ઉપનગરીય ટ્રેનો માટે અત્યાધુનિક મોબાઇલ ટ્રેન રેડિયો કોમ્યુનિકેશન સિસ્ટમ શરુ કરી છે, જે ભારતીય રેલવે પર આ પ્રકારની પ્રથમ સિસ્ટમ છે.તેમણે કહ્યું કે આ નવીન ઉપાય પશ્ચિમ રેલવે દ્વારા કોઈપણ અવરોધ વિના ટ્રેન સેવાઓ દોડાવવાની પ્રતિબદ્ધતામાં મહત્વની ભૂમિકા ભજવતા એ સુનિશ્ચિત કરે છે કે યાત્રીઓ સુરક્ષિત રીતે તેમના સ્થળોએ પહોંચે.

અન્ય એક યાત્રી મૈત્રીપૂર્ણ પહેલમાં, પશ્ચિમ રેલવે દ્વારા પ્રતિષ્ઠિત મુંબઈ રાજધાની એક્સપ્રેસમાં તેજસ પ્રકારના સ્માર્ટ સ્લીપર કોચ રેકની શરૂઆતને પરિણામે સારી રીતે આરામ સાથે ટ્રેન યાત્રાના એક નવા યુગનો પ્રારંભ કરવામાં આવ્યો.

જનરલ મેનેજર શ્રી કંસલે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેએ હંમેશા સૌ વચ્ચે સામાજિક સમરસતાના મહત્વના પાસાનું ખાસ ધ્યાન રાખ્યું છે. તેમણે કહ્યું કે પશ્ચિમ રેલવેએ કોવિડ -19 રોગચાળા સામેની લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સંદર્ભે, જનરલ મેનેજરે રેલવે પ્રોટેક્શન ફોર્સના માનવતા કેન્દ્રિત કાર્ય અને પશ્ચિમ રેલવેના તબીબી બિરાદરોની સાચા કોરોના યોદ્ધા તરીકે ખૂબ પ્રશંસા કરી. તેમણે પશ્ચિમ રેલવેના પ્રતિભાશાળી ખેલાડીઓનો પણ ગર્વથી ઉલ્લેખ કર્યો છે જેમણે માત્ર ભારતનું જ નહીં પરંતુ ભારતીય રેલવેનું પણ નામ રોશન કર્યું છે.

ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતીને સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. પશ્ચિમ રેલવેના ખેલાડીઓ શ્રી અમિત રોહિદાસ અને શ્રી નીલકાંત શર્મા આ વિજેતા ટીમનો ભાગ હતા.

આ ઉપરાંત, પશ્ચિમ રેલવેની બે મહિલા હોકી ખેલાડીઓ, સુશ્રી દીપ ગ્રેસ એક્કા અને સુશ્રી નવનીત કૌર ભારતીય મહિલા હોકી ટીમનો ભાગ હતી, જે તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સેમીફાઇનલમાં પહોંચી હતી.

અમારી એક અન્ય ખેલાડી, સુશ્રી શ્રેયા સક્સેનાએ આંતરરાષ્ટ્રીય શૂટિંગના વર્લ્ડ કપ 2021 માં સિલ્વર મેડલ જીત્યો. શ્રી કંસલે રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારના કલ્યાણમાં નોંધપાત્ર યોગદાન બદલ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ અને તેમની ટીમનો તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

WRWWO એ તેની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કર્મચારી કલ્યાણ અને સામાજિક સેવાના ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી છે. શ્રી કંસલે કહ્યું કે કોવિડ -19 ની સૌથી કઠિન પરિસ્થિતિમાં રાષ્ટ્રની સેવા કરવા માટે, પશ્ચિમ રેલવેએ 9 રાજ્યોમાં લગભગ 9200 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું  પરિવહન કરતી 100 થી વધુ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવેલ.

તાજેતરમાં, વડોદરા અને રતલામ ખાતે પીએસએ આધારિત ઓક્સિજન જનરેટર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે, જે મેડિકલ ઓક્સિજનની આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત, આવા જ 5 વધુ પ્લાન્ટ ટૂંક સમયમાં કાર્યરત થશે. પશ્ચિમ રેલવેએ રસીકરણ અભિયાનને પણ તીવ્ર બનાવ્યું છે, જેમાં 80% થી વધુ કર્મચારીઓને પ્રથમ ડોઝની રસી આપવામાં આવી છે, જ્યારે લગભગ 20,000 કર્મચારીઓએ તેમનો બીજો ડોઝ પણ લઈ લીધો છે.

પશ્ચિમ રેલવેની મેડિકલ બિરાદરીના નિસ્વાર્થ અને સમર્પિત કાર્યને માન્યતા આપતાં રેલવે મંત્રાલયે પશ્ચિમ રેલવેને વર્ષ 2020 માટે પ્રતિષ્ઠિત વ્યાપક આરોગ્ય સંભાળ શીલ્ડ પ્રદાન કર્યો. જનરલ મેનેજરે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે ભારતીય રેલવેને વૈશ્વિક કક્ષાની રેલવેમાં પરિવર્તિત કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ગતિ, સલામતી અને સેવામાં વૃદ્ધિ સુનિશ્ચિત કરવા તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. પશ્ચિમ રેલવેનો બીજો મુખ્ય ઉદ્દેશ માળખાગત સુવિધાના અતિરિક્ત સુધારા દ્વારા લાઇન ક્ષમતા વધારવાનો છે.

ચાલુ વર્ષ દરમિયાન, જાન્યુઆરી, 2021 થી 138 કિલોમીટર નવી લાઇન, ગેજ પરિવર્તન અને ડબલિંગનું કાર્ય પૂર્ણ થયું છે. ટ્રેનની ગતિશીલતા સંબંધિત અન્ય ઘણાં માળખાકીય સુધારાઓ પણ યુદ્ધના ધોરણે પૂર્ણ થયા છે. વિવિધ વિશેષ સલામતી અભિયાન નિયમિતપણે હાથ ધરવામાં આવેલ છે

અને સલામતીના ધોરણોનું પાલન કરવાને કારણે, ચાલુ વર્ષમાં કોઈ અકસ્માતની ઘટના બની નથી.શ્રી કંસલે ઉલ્લેખ કર્યો હતો કે ભલે કોવિડ -19 રોગચાળાની પરિસ્થિતિને કારણે માલ પરિવહનને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો,પરંતુ પશ્ચિમ રેલવે આ ક્ષેત્રમાં તેની ગતિ જાળવી રાખવામાં સફળ રહી છે અને અમે ગયા વર્ષની સરખામણીમાં અપવાદરૂપે સારું પ્રદર્શન હાંસલ કર્યું છે.

સતત પ્રયત્નોને કારણે, ચાલુ નાણાકીય વર્ષમાં, પશ્ચિમ રેલવેએ 30 મિલિયન ટનનું નૂર લોડિંગ પ્રાપ્ત કર્યું છે અને ગયા વર્ષના સમાન સમયગાળાના લોડિંગને  26% થી વધુના નોંધપાત્ર માર્જિનથી વટાવી દીધું છે.આ ઉપરાંત, પશ્ચિમ રેલવે પાર્સલ આવક અને NFR આવકની દ્રષ્ટિએ ભારતીય રેલવે ટોચ પર છે

અને NFR મારફતે 23 કરોડ રૂપિયા અને પાર્સલ સેગમેન્ટમાં લગભગ 200 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી છે.તેમણે ગ્રીન રેલવે અને સ્વચ્છ રેલવે તરફ  પશ્ચિમ રેલવે દ્વારા લીધેલા પ્રશંસનીય પગલાઓ વિશે પણ જણાવ્યું હતું. આ દિશામાં વર્ષ 2020-21 દરમિયાન રેકોર્ડ 579 રૂટ કિ.મી.નું  વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે, જે ભારતીય રેલવેમાં બીજા ક્રમે છે.

વિવિધ ગ્રીન પહેલ અમલમાં મુકવામાં આવી છે અને અન્ય એક અનોખી પહેલમાં મુંબઈ સેન્ટ્રલ ડિવિઝને 17 નવી જગ્યાઓ પર નવીન  બિન-ભાડા આવક વિચારણા યોજના હેઠળ સોલર પેનલ્સનું સ્થાપન શરૂ કર્યું છે. આ અનોખા ખ્યાલથી 2.28 કરોડ રૂપિયાની વાર્ષિક આવક વધારવામાં મદદ કરશે ફક્ત એટલું જ નહીં , પરંતુ ગ્રીન ઉર્જાને પણ પ્રોત્સાહન આપશે.

શ્રી કંસલે જણાવ્યું હતું કે ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પહેલ અપનાવવામાં પશ્ચિમ રેલવે હંમેશા મોખરે રહ્યું છે.આ પહેલને રેલવેના કામકાજના દરેક પાસામાં અમલ મુકવામાં આવી રહેલ છે. પશ્ચિમ રેલવેએ 15 સ્ટેશનો પર ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) આધારિત વિડીયો સર્વેલન્સ સિસ્ટમ (VSS) સ્થાપિત કરી છે.

નવા જમાનાનું આ ડિજિટલ સર્વેલન્સ નેટવર્ક યાત્રીઓની સલામતી માટે સતર્ક નજર રાખવામાં મદદ કરશે.ટિકિટ ચેકિંગ સ્ટાફ માટે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા માટે  લગભગ 1850 POS અને HTT મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જનરલ મેનેજરે રાષ્ટ્ર અને તેના લોકોની સેવા કરવા માટે કર્તવ્ય કોલથી આગળ આવેલા દરેક કર્મચારીની વ્યાપક પ્રશંસા સાથે તેમના સંબોધનનું સમાપન કર્યું હતું.

તેમણે એ વાતનું સમર્થન કર્યું હતું  કે ઉપરોક્ત તમામ સિદ્ધિઓ કર્મચારીઓ દ્વારા સખત મહેનત અને સમર્પિત કાર્યને કારણે શક્ય બની છે. તેમણે કહ્યું કે પશ્ચિમ રેલવે કોવિડ -19 સામેની લડાઈ ચાલુ રાખશે અને ઇચ્છિત લક્ષ્યો હાંસલ કરવા માટે સખત મહેનત કરશે. તેમના વક્તવ્યના અંતે, જનરલ મેનેજર શ્રી કંસલે રેલવે કર્મચારીઓને એવા તમામ ખોટા વિચારો અને સામાજિક અનિષ્ટોથી છુટકારો મેળવવાનો સંકલ્પ લેવા માટે પ્રેરિત કર્યા જે આપણી ફરજોની કામગીરીમાં અવરોધરૂપ છે.

આ પ્રસંગે ટ્રેપપાસીંગ સે આઝાદી નામની એક લઘુ જાગરૂકતા  ફિલ્મ રજૂ કરવામાં આવી હતી, જેના દ્વારા શ્રી કંસલે તમામ મુસાફરોને ટ્રેપપાસીંગની સામાજિક બુરાઈથી બચવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે “તમારું જીવન અણમોલ છે સાથીઓ કારણ કે ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે.”

લઘુ ફિલ્મ વિશે સીપીઆરઓ શ્રી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે તેના “ઝીરો ટ્રેસપાસીંગ મિશન” માટે પ્રતિબદ્ધ છે અને આ ફિલ્મ લોકોને ટ્રેપપાસીંગની કુટેવમાંથી મુક્ત થવા માટે પ્રોત્સાહિત કરશે.અંતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ સ્વતંત્રતા દિવસની ઉજવણી સમાપ્ત થઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.