Western Times News

Gujarati News

અમદાવાદ મેમનગરના રાજમાર્ગનુ નવનીતભાઈ પટેલ માર્ગ તરીકે નામાભિધાન

પ્રજાના સેવક સ્વ. નવનીતભાઈ પટેલનું નામ પ્રજાના માર્ગને મળ્યું- નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

“ઘર” બે અક્ષરનો શબ્દ નહીં પરંતુ અપાર લાગણીઓ દર્શાવતું સરનામું છે –મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ

અમદાવાદ શહેરમાં હજારો લોકોના “ઘરના ઘરનું” સ્વપ્ન જેણે પૂર્ણ કર્યું છે, જેણે સમાજ કાર્યો અને ધાર્મિક સેવાકીય પ્રવૃતિઓથી પોતાના કામગીરી સુવાસ ચોતરફ ફેલાવી  તેવા સ્વ. શ્રી નવનીત ભાઈ પટેલના જન્મ દિવસના શુભ અવસરે મેમનગરના રાજમાર્ગનું નવનીતભાઈ પટેલ માર્ગ તરીકેનું નામાભિધાન  અમારા માટે ગૌરવવંતી બાબત છે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું કે, સાધનસંપન્ન વ્યક્તિઓ માટે ઉત્તરોત્તર વિકાસ કરવો ખૂબ જ સરળ બની રહે છે. જ્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારજનો માટે તો ઘરનું ઘર હોવું પણ એક મોટા સ્વપ્ન સમાન હોય છે.આવા હજારો પરિવારોના સ્વપ્નને દિશા આપી ને પૂર્ણ કરવામાં  સ્વર્ગસ્થ શ્રી નવનીતભાઈ પટેલનો સિંહ ફાળો રહ્યો છે.

સ્વ. શ્રી નવનીતભાઈ પટેલે  આર્થિક ક્ષેત્રની સાથોસાથ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પણ લોક ઉપયોગી બનવા અનેકવિધ કાર્યો કર્યા છે. લોકોને કરવામાં આવેલી મદદ ની સોડમ આજે પણ શહેરમાં અનુભવાય છે. શ્રી નવનીતભાઈ પટેલને તેમના ધર્મપત્ની શ્રીમતી ઇન્દીરાબેન પટેલ અને તેમના પુત્ર શ્રી રૂષભભાઈ પટેલ સહિતના પરિવારજનો હંમેશથી સહયોગ મળ્યો છે. પરિવારજનોના સહયોગ થકી જ તેઓએ અમદાવાદ શહેરમાં  વિકાસની હરણ ફાળ ભરી હતી.

આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે પણ કહ્યું કે, “ઘર” ફક્ત બે અક્ષરનો શબ્દ નહીં પરંતુ અપાર લાગણીઓ દર્શાવતું સરનામું છે. નવનીતભાઈએ લોકોને ફક્ત ઘર નહીં પરંતુ ગુણવત્તાયુક્ત ઘર આપીને તેમના સ્વપ્નો પૂરા કર્યા છે.પોતાનું ઘર બનાવવા લોનની સુવિધા ઉપલબ્ધ કરાવીને તેઓએ અનેકના જીવનમાં ઉજાસ પાથર્યો છે.

મંત્રીશ્રીએ નાગરિકોને ધંધો-રોજગાર સુખ-શાંતિ માટે કેન્દ્ર સરકારમાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ અવિરત પણે કાર્ય કરી રહ્યા હોવાનું જણાવી ગુજરાત રાજ્યમાં તે જ પથ ઉપર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ચાલી રહ્યા હોવાનું કહી રાજ્યના તમામ નાગરિકોને ઉક્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર  કટિબદ્ધ હોવાનું કહ્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલે નવનીત ભાઈ પટેલ સાથેના પોત-પોતાના સંસ્મરણો પણ વાગોડ્યા હતા.

સ્વ. શ્રી નવનીતભાઈ પટેલના  જીવન સંઘર્ષ દર્શાવતી દ્રશ્ય-શ્રાવ્ય ફિલ્મે ઉપસ્થિત તમામને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે પોતાના વડીલ, સ્નેહી નામે રાજ માર્ગનું નામાભિધાન  થતાં સમગ્ર પરિવારને ભાવવિભોર બન્યો હતો.

આજના કાર્યક્રમમાં શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, દંડક શ્રી અરુણ રાજપૂત, પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, શહેર પ્રમુખ શ્રી અમિતભાઇ શાહ, ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, અગ્રણી શ્રી સુરેન્દ્ર કાકા, કોર્પોરેટરશ્રીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.