Western Times News

Gujarati News

૨૦૫૦ સુધીમાં મુંબઇના કોલાબા, સેંડહર્સ્‌ટ રોડ, કાલબાદેવી અને ગ્રાન્ટ રોડનો ૭૦ ટકા વિસ્તાર પાણીમાં ડુબી શકે છે

મુંબઇ, ક્લાયમેટમાં ઝડપથી થઇ રહેલા બદલાવની સૌથી વધારે ખરાબ અસર મુંબઇ પર પડી શકે છે. જાે આપણે સતર્ક નહીં રહીશુ, તો વર્ષ ૨૦૫૦ સુધીમાં મુંબઇના કોલાબા, સેંડહર્સ્‌ટ રોડ, કાલબાદેવી અને ગ્રાન્ટ રોડનો ૭૦ ટકા વિસ્તાર પાણીમાં ડુબી શકે છે. તો મુંબઇનો સૌથી પોશ વિસ્તાર ગણાતા કફ પરેડનો ૮૦ ટકા વિસ્તાર પાણીમાં ડુબી શકે છે.

આ ચેતવણી આપી છે બીએમસીના કમિશ્નર ઇકબાલ ચહલે. કમિશ્નર ચહલે કહ્યું કે છેલ્લાં ૧૫ મહિનામાં મુંબઇમાં ૩ વખત વાવાઝોડું આવી ચુક્યું છે. ૧૮૯૧ પછી ૩ જૂન ૨૦૨૦ના દિવસે પહેલીવાર મુંબઇ પર નિસર્ગ વાવાઝોડું આવ્યું હતું, જેમાં મુંબઇને ખાસ્સું નુકશાન થયું હતું. એ પછી બે વખત મુંબઇએ વાવાઝોડાનો સામનો કર્યો. એના પરથી અંદાજ લગાવી શકાય છે કે ક્લાયમેટ ચેન્જની મુંબઇ પર કેટલી ખરાબ અસર પડી રહી છે.

બીએમસીના હેડકવાર્ટસમાં શુક્રવારે મહારાષ્ટ્રના રાજય પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ મુંબઇ ક્લાયમેટ ચેન્જ યોજનાનો શુભારંભ કર્યો હતો. સાથે જ વેબસાઇટ પણ લોન્ચ કરી, જેની પર ૨૦ સપ્ટેમ્બર સુધીમાં લોકો પોતાના સુચનો આપી શકશે. એ પછી નવેમ્બર સુધીમાં મુંબઇ ક્લાયમેટ ચેન્જ યોજનાની જાહેરાત કરાશે.

આ પ્રસંગે બીએમસી કમિશ્નર ઇકબાલ ચહલે કહ્યું હતું કે છેલ્લાં કેટલાક સમયમાં મુંબઇમા ક્લાયમેટમાં ખાસ્સો બદલાવ જાેવા મળ્યો છે. માત્ર બે કલાકમાં ૧૦૦ મી.મી. (૪ ઇંચ)થી વધારે વરસાદ,સમુદ્રમાં ઉંચી ઉંચી લહેરો, મહાનગરમાં પાણીનો ભરાવો, તાપમાનમાં વૃધ્ધિ, વાયુ પ્રદુષણ અને અન્ય પ્રદુષણ ઝડપથી ફેલાઇ રહ્યા છે. એટલે મુંબઇને બચાવવા માટે રાજ્ય સરકાર, બીએમસી, એમઆરડીએ અને અન્ય સંસ્થાઓએ આગળ આવવું પડશે.

કમિશ્નર ચહલે કહ્યું કે કમોસમી વરસાદ, વાવાઝોડા, તાપમાનમાં વધારાને કારણે મુંબઇનું ભવિષ્ય જાેખમમાં છે. અહીં હવા, પાણી, પ્રદુષણ, જમીન અને અન્ય વિષયો પર જાગૃતતા જરૂરી છે. તેમણે કહ્યું કે ક્લાયમેટ ચેન્જની અહીં અસર એ છે કે સામાન્ય રીતે જૂન, જુલાઇ અને ઓગસ્ટમાં સૌથી વધારે વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વખતે ૧૭ મેના દિવસે માત્ર એક જ દિવસમાં ૨૧૪ મી.મી (૮.૫૦ ઇંચ) વરસાદ વરસ્યો હતો. વરસાદ વધવાની સાથે એવરેજ રોજનો ૧૦૦થી ૨૦૦ મી.મી. વરસાદ પડતો હતો, જયારે સામાન્ય રીતે ૭૦થી ૮૦ એમએમ વરસાદ અપેક્ષિત હોય છે.મહાનગર મુંબઇમાં છેલ્લાં એક દાયકામાં તાપમાનમાં વધારો જાેવા મળ્યો છે.

હવે ઓકટોબર- નવેમ્બરમાં તાપમાન વધેલું રહે છે. રાત્રે પણ તાપમાનમાં વધારો જાેવા મળે છે. એક દાયકા પહેલા ૩૫ ડિગ્રી સેલ્શિયસ સુધી રહેતું તાપમાન હવે ૩૫થી ૪૦ ડિગ્રી સુધી પહોંચવા માંડ્યું છે અને ૪૫ ડિગ્રી પર તાપમાનને ખતરનાક માનવામાં આવે છે. બીએમસી કમિશ્નનર ચહેલે કહ્યું કે આનું સૌથી મોટું ઉદાહરણ સાકીનાકા મેટ્રો સ્ટેશન પાસે વધેલું તાપમાન છે. અહીં વર્ષ ૨૦૦૫થી વર્ષ ૨૦૧૦ સુધીમાં ૩૫ ડિગ્રી તાપમાન રહેતું હતું, જે હવે વધીને ૩૫થી ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

મુંબઇમાં સૌથી વધારે પ્રદુષણ વાહનોને કારણે ફેલાઇ રહ્યું છે. અહીં ૨૪ ટકા પ્રદુષણ રસ્તા પર ચાલતા વાહનોને કારણે ફેલાઇ છે. રાજ્ય પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે વાયુ પ્રદુષણને ઘટાડવા માટે ઇલેકટ્રીક કાર પર ભાર મુકવામાં આવી રહ્યો છે. એના માટે મુંબઇમાં ઠેર ઠેર ઇલેકટ્રીક ચાર્જિંગ લગાવવામાં આવી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.