Western Times News

Gujarati News

આણંદની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો

ગુજરાતના ભાવિના પટેલે દેશનું નામ રોશન કર્યું, મોદી, રુપાણી સહિત દેશભરના લોકોએ શુભકામના પાઠવી

નવી દિલ્હી, ભારતીય મહિલા ટેબલ ટેનિસ પેરા એથ્લીટ ભાવિનાબેન પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં રવિવારના રોજ ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. પેરાલિમ્પિક ગેમ્સની આ સીઝનમાં આ ભારતનો પ્રથમ મેડલ છે. ટેબલ ટેનિસ ક્લાસ ૪ સિંગલ મેચની ફાઈનલમાં ભાવિનાએ ચીનની ઝાઉ યિંગ વિરુદ્ધ ૭-૧૧, ૫-૧૧, ૬-૧૧થી હારનો સામનો કરવો પડ્યો

અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. ભાવિનાએ પ્રથમ ગેમમાં ઝાઉ યિંગને સારી ટક્કર આપી હતી પરંતુ ચીનની એથ્લીટે પછીથી ભાવિનાને એક પણ તક આપી નહીં અને ગેમ પોતાના નામે કરી લીધી.

ગુજરાતની ભાવિના પટેલે દેશનું નામ રોશન કરતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત ત્રણ કરોડ રુપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.

સિલ્વર મેડલ જીતવાની સાથે જ ભાવિનાએ ઈતિહાસ રચ્યો છે. તે પેરાલિમ્પિકની આ સ્પર્ધામાં ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય છે. ભાવિનાના આ પ્રદર્શનને કારણે સોશિયલ મીડિયા પર ભરપૂર શુભકામનાઓ મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ખેલ જગતના દિગ્ગજાે સહિત તમામ લોકો આ સ્ટાર એથ્લીટની પ્રશંસા કરી રહ્યા છે.

વડાપ્રધાને ટિ્‌વટ કરીને લખ્યું કે, ભાવિના પટેલે ઈતિહાસ રચ્યો છે. તે એક ઐતિહાસિક સિલ્વર ઘરે લઈને આવશે. તેમને ખુબ શુભકામનાઓ. તેમના જીવનની કહાની પ્રેરિત કરનારી છે અને તેઓ અનેક યુવાઓને રમત પ્રત્યે આકર્ષિત કરશે. આ સિવાય રાહુલ ગાંધી, વિરેન્દ્ર સહેવાગ, વીવીએસ લક્ષ્મણ, યોગેશ્વર દત્ત સહિત અનેક લોકોએ તેને શુભકામનાઓ પાઠવી છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ લખ્યું કે, નેશનલ સ્પોર્ટ્‌સ ડે પર સમગ્ર રાષ્ટ્રને સિલ્વર મેડલ ભેટ આપવા બદલ ગુજરાતની દીકરી ભાવિનાબેન પટેલને હૃદયપૂર્વક અભિનંદન. દરેક ગુજરાતી અને ભારતીયને ભાવિના પર ગર્વ છે. ભાવિનાની ઐતિહાસિક સિદ્ધિ અસંખ્ય ખેલાડીઓને પ્રેરણા આપશે.

સેમીફાઈનલ મેચમાં ભાવિનાએ શનિવારના રોજ ચીનની માઓ ઝાંગને ટક્કર આપી હતી. ભાવિનાએ દુનિયાની ત્રીજા નંબરની એથ્લીટને ૭-૧૧, ૧૧-૭, ૧૧-૪, ૯-૧૧, ૧૧-૮થી હરાવીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. મહેસાણા જિલ્લામાં એક નાની દુકાન ચલાવનારા હમસુખભાઈ પટેલની દીકરી ભાવિનાએ પોતાના અદ્દભુત પ્રદર્શનથી ઈતિહાસ રચ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.