Western Times News

Gujarati News

લવજેહાદનો કાયદો કરતા પૂર્વે બંધારણનો અભ્યાસ કરવો જરૂરી હતો!!

સુપ્રીમકોર્ટમાં લવજેહાદની કલમ-૫ પરના ‘સ્ટે’ને પડકારતા પહેલા ગુજરાત સરકારના ગૃહવિભાગે અને કાયદા વિભાગે બંધારણની કલમ ૨૫ અને સુપ્રીમ કોર્ટ ના નવ ન્યાયાધિશોની બેન્ચે ‘વ્યક્તિગત ગુપ્તતા’ના અધિકાર પર આપેલા ચુકાદાનો અભ્યાસ કરી જરૂરી છે!!

હિંદુ ધર્મ, શીખ ધર્મ, બુધ ધર્મ, જૈન ધર્મ, ક્રિશ્ચયન ધર્મ, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દેશના રાષ્ટ્રપતિ, દેશની લોકસભા, દેશના વડાપ્રધાન કે દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની પરવાનગી લેવાની જરૂર નથી એવું બંધારણની જોગવાઈ જોતા લાગે છે!!

” તસવીર ગુજરાત વિધાનસભાની છે જ્યારે ઈનસેટ તસવીર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની છે બીજી તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે ઈનસેટ તસવીર ભારતની સુપ્રીમ કોર્ટ નું નેતૃત્વ કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી રમનાની છે

ગુજરાત સરકારે ઘડેલા ‘લવજેહાદ’ કાયદા ની કલમ પાંચ ની જોગવાઇ એવી છે કે કોઈપણ વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્મ પરિવર્તન કરતા પહેલા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાની રહેશે

આ ઉપરાંત ધર્મમાં પરીવર્તન થનાર વ્યક્તિ એ પણ જાહેર કરાયેલા સૂચિત ફોર્મમાં માહિતી મોકલી ને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ને અગાઉથી જાણકારી આપવાની રહેશે આ જોગવાઈ કરતાં પૂર્વે જ સરકારના કાયદા વિભાગે કે ગૃહ રાજ્યમંત્રીએ અને તેમની ટીમે દેશની બંધારણીય જોગવાઇ સાથે તુલનાત્મક અભ્યાસ કર્યો હોત અને દેશની સુપ્રીમકોર્ટે અગાઉ આપેલા ચૂકાદાઓ નોઅભ્યાસ કર્યો હોત તો ગુજરાત સરકારની અદાલતમાં પીછેહઠ થઈ ન હોત!!

અને હજુ પણ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટના સ્ટે ને પડકારતા પૂર્વે દેશના બંધારણીય જોગવાઈઓ નો અભ્યાસ કરીને ગુજરાત સરકાર ‘લવજેહાદ’ કાયદાનું જે અર્થઘટન કરે છે તેની પુનઃ સમીક્ષા કરવાની જરૂર છે, કારણ કે બંધારણની કલમ ૨૫ માં જણાવેલ છે કે ‘‘અંતઃકરણના સ્વાતંત્ર્યનો અને મુક્તપણે ધર્મ માનવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર રહેશે’’

આ જોગવાઈ સાથે તેમજ ભારતની સુપ્રીમ કોર્ટના નવ ન્યાયાધીશોની બેન્ચે બંધારણની કલમ ૨૧ હેઠળ વ્યક્તિગત ગુપ્તાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે ઠરાવતો દરજ્જો આપ્યા પછી ‘લવજેહાદ’ ની જોગવાઇ સુપ્રીમ કોર્ટમાં ટકી શકશે કે નહીં તેનો અભ્યાસ જરૂરી છે! જેથી ગુજરાત સરકારની સુપ્રીમકોર્ટમાં પીછેહટ ના થાય.

વ્યક્તિએ હિંદુ ધર્મ પાળવો, જૈન ધર્મ પાળવો, બુદ્ધ ધર્મ પાળવો, ક્રિશ્ચયન ધર્મ પાળવો, મુસ્લિમ ધર્મ પાળવો,કે તે ધર્મ સ્વીકારતા પૂર્વે દેશના વડાપ્રધાનની, રાષ્ટ્રપતિની કે દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ની પૂર્વ મંજૂરી લેવાની ના હોઈ શકે!! આટલુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે.  તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા

સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી ગજેન્દ્ર ગડકરે કહ્યું છે કે ‘‘ બંધારણના મૂળભૂત અધિકારો એ બંધારણથી આ દેશમાં દાખલ કરવા ધારેલી લોકતાંત્રિક જીવનરીતિ નો પાયો અને સ્તંભ છે’’!!

જ્યારે ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ શ્રી દેસાઇએ કહ્યું છે કે ‘‘ધર્મ નિરપેક્ષ રાજ્ય એક વ્યક્તિને તેના ધર્મથી અસંબંધિત રહીને એક નાગરિક તરીકે ગણે છે તે કોઈ અમુક ધર્મ સાથે જોડાયેલું હોતું નથી તે ધર્મ ને પ્રોત્સાહન આપતું નથી કે તેમાં દખલ કરતું નથી’’!!

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ શ્રી બીરેનભાઇ વૈષ્ણવની ખંડપીઠે ગુજરાત સરકારે રચેલા કથિત ‘લવજેહાદ’ કાયદાની અનેક કલમો પર ‘સ્ટે’ ફટકારી દીધા બાદ ગુજરાત સરકારે ‘લવજેહાદ’ કાયદાની કલમ- ૫ પરનો ‘સ્ટે’ હટાવી દેવા અરજી કરી હતી પરંતુ ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ શ્રી બીરેનભાઇ વૈષ્ણવ ની ખંડપીઠે સરકારની આ માગણી ફગાવી દેતા ગુજરાત સરકારના રાજ્ય મંત્રીશ્રી એ આ મુદ્દે સુપ્રીમ કોર્ટ માં જવાનો નિર્દેશ આપ્યો છે!!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.