Western Times News

Gujarati News

મોડાસા: દોડતી બસનું ટાયર જામ થતા બસ ઝાડ સાથે ભટકાઈ

(પ્રતિનિધિ) ભિલોડા, ગુજરાત રાજ્ય પરિવહન નિગમની અડધો-અડધ બસો યોગ્ય સમારકામના અભાવે ખખડધજ હાલત માં ઉપયોગમાં લેવાતી હોવાનું મુસાફરો અનેકવાર ફરિયાદ કરી ચુક્યા છે અને અનેકવાર રસ્તામાં ખોટકાયી પડવાની  અને અકસ્માતની ઘટનાઓ છાસવારે બનતી હોય છે” બસ ની મુસાફરી સલામતી ની સવારી” ના બદલે લોકો જીવનજોખમે પ્રવાસ ખેડાતા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે.
એસટી બસોની ખખડધજ હાલતની પોલ ખોલતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.મોડાસાની માલપુર રોડ પર આવેલ ઓમનગર સોસાયટી નજીક  રોડ પર દોડતી ગોધરા-મોડાસા એસટી બસનું ટાયર અચાનક જામ થઇ જતા બસ રોડ સાઈડ ઝાડ સાથે અથડાઈ અટકી જતા બસમાં સવાર ૬૦  જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાસ્થળથી ૧ કીમી દૂર શામળાજી-ગોધરા હાઈવે પર બસનું ટાયર જામ થઇ ગયું હોત તો મોટી દુર્ઘટના બની શકે તેમ હતી.
આ બનાવ સંદર્ભે પ્રાપ્ત માહીતી અનુસાર,ગોધરા- મોડાસા એસ.ટી બસ ગોધરા થી મોડાસા તરફ પરત ફરી રહી હતી.ઓમનગર પાસે  એસ.ટી બસનું ટાયર અચાનક જ જામ થઈ ગયું હતું.પૂર ઝડપે દોડતી બસનું ટાયર જામ થઇ જતા ડ્રાઇવરે મહામુસીબતે સ્ટીયરીંગ પર કાબુ મેળવી જાનહાની ન થાય તે માટે પ્રયત્ન શરૂ કરતા બસ રોડ સાઈડ ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ હતી.બસમાં સવાર તમામ મુસાફરોનો જીવ તાળવે ચોંટયા હતા.
૬૦ જેટલા મુસાફરોમાં અફડાતફડી સર્જાઈ હતી જોકે બસ ચાલકની સમયસૂચકતાને કારણે બસ ચાલકે બસ પર કાબુ મેળવીને રોડ સાઈડ ઉભી રાખી દેતા મોટી દુર્ઘટના ટળી હતી દોડતી બસનું ટાયર જામ થઇ જતા બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો એસટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા ઘટનામાં કોઈ પણ મુસાફરને ઇજા કે જાનહાનિ નહીં થતા દોડી આવેલા અધિકારીઓ અને લોકો એ હાશકારો અનુભવ્યો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.