Western Times News

Gujarati News

ગેમના રવાડે ચઢેલા કિશોરે ૧૬ તોલા સોનાની ચોરી કરી

પુણે, નાની ઉંમરે બાળકોને મોંઘાદાટ સ્માર્ટફોન પકડાવી દેતા માતાપિતા માટે ચેતવણીરુપ એક કિસ્સો પુણેમાં બન્યો છે. જેમાં ઓનલાઈન ગેમના રવાડે ચઢેલા એક ૧૬ વર્ષના છોકરાએ ઘરમાંથી જ ૧૬ તોલા સોનાનાં દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ખુદ છોકરાના પિતાએ નોંધાવી છે. પોલીસે આ મામલામાં આરોપી અને તેના ત્રણ મિત્રોની અટકાયત કરી છે.

ફરિયાદ મુજબ છોકરાએ ૨૮ જુલાઈથી ૩૦ ઓગસ્ટના ગાળામાં માતાના દાગીના ચોરીને જ્વેલરને વેચી માર્યા હતા.
છોકરો દાગીના ચોરી પોતાના મિત્રોને આપી દેતો હતો, જેઓ તેનો સોદો કરી આપતા હતા. તેના બદલામાં તે દરેક સોદા બદલ તેમને એક હજાર રુપિયા પણ આપતો.

બાકીના રુપિયા તે ઓનલાઈન ગેમિંગ અને મોંઘા મોબાઈલ ફોન ખરીદવા પાછળ વાપરતો, તેમજ દોસ્તો સાથે પાર્ટી કરતો. એટલું જ નહીં, આરોપી રુપિયા સાથેના પોતાના ફોટોગ્રાફ્સ ઓનલાઈન ડેટિંગ એપ્સ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્‌સ પર પણ મૂકતો હતો.

પુણેના ખડાક પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર શ્રીહરિ બહિરાતના જણાવ્યા અનુસાર, આરોપી અને તેનો એક દોસ્ત દસમા ધોરણમાં ભણે છે, જ્યારે બાકીના બે છોકરા બારમા ધોરણના વિદ્યાર્થી છે. આ કેસની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે ૩૦ ઓગસ્ટના રોજ છોકરાની મમ્મી ઘરની સાફસફાઈ કરી રહી હતી ત્યારે તેણે ઘરેણાં પણ ચેક કરતાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. કેટલાક દાગીના ગુમ થયા હોવાની ખબર પડતા છોકરાની મમ્મીએ તેના પિતાને જાણ કરી હતી.

આરોપીના પિતાને તેના વર્તનમાં પરિવર્તન આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેમને તેના પર જ શંકા જતાં તેમણે પૂછપરછ કરતાં છોકરાએ પોતાની કરતૂતના વટાણા વેરી દીધા હતા. પોલીસે હવે ચોરાયેલા ઘરેણાં જે જ્વેલર્સને વેચવામાં આવ્યા હતા તેમને શોધીને દાગીના જપ્ત કરવાની કાર્યવાહી શરુ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ આરોપી ચોરીના રુપિયાથી મોજમજા કરતા તેમજ મોબાઈલ ફોન ખરીદતા હતા. છોકરાઓએ પૈસા ખરેખર ક્યાં વાપર્યા છે તે જાણવા પોલીસ તેમના ફોન પણ ચકાસી રહી છે. ચોરાયેલા દાગીનાની કિંમત ૪.૧૬ લાખ રુપિયા જેટલી થવા જાય છે.

જાેકે, આરોપીઓએ જે જ્વેલર્સને દાગીના વેચ્યા હતા તેમણે તેની માંડ અડધી કિંમત જ આપી હોવાનું પણ બહાર આવ્યું છે. ચોરીનો માલ ખરીદનારા આ તમામ જ્વેલર્સને શોધીને તેમની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ પોલીસે જણાવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.