Western Times News

Gujarati News

RTOમાં સર્વર ડાઉન અને ધીમુ રહેવાની ફરિયાદોથી લોકો હેરાન

દરરોજ હજારો લોકોને ધક્કા ખાવાની ફરજ- અમદાવાદ આરટીઓ ઓફિસમાં તોડફોડ
અમદાવાદ, ટ્રાફિકના નવા નિયમોને લઇ લાયસન્સ, આર.સી.બુક, રિન્યુઅલ સહિતના કામો માટે રોજના હજારો લોકો અમદાવાદમાં સુભાષબ્રીજ પાસે આરટીઓ કચેરી ખાતે ધક્કા ખાઇ રહ્યા છે. સવારથી સાંજ સુધી કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ કામ થયા વિના જ લોકો વિલા મોંઢે નિરાશ થઇ પાછા ફરવા મજબૂર બન્યા છે, ત્યારે છેલ્લા બે દિવસમાં આરટીઓમાં સર્વર ડાઉન અને ધીમુ ચાલતુ હોવાની વ્યાપક ફરિયાદોને લઇ તેમ જ આરટીઓ તંત્ર દ્વારા લાયસન્સ સહિતના કામો સમયસર કરી જ નહી અપાતાં હોવાના કારણે નાગરિકો જબરદસ્ત રીતે ત્રાહિમામ્‌ પોકારી ઉઠયા હતા.

એક તબક્કે લોકોનો રોષ ઉકળીને ફુટતાં આક્રોશિત થયેલા કેટલાક લોકોએ આરટીઓ કચેરીમાં ભારે તોડફોડ મચાવી હતી.
ઉશ્કેરાયેલા અને કંટાળેલા લોકોએ સરકાર અને આરટીઓ તંત્ર પર ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, નાગરિકો સવારથી સાંજ સુધી લાઇનમાં ઉભા રહે છે પરંતુ લાયસન્સ, આરસીબુક, રિન્યુઅલ સહિતના કામો સમયસર પૂરા થતા જ નથી અને રોજના હજારો લોકો ધક્કા ખાઇને પરત ફરી રહ્યા છે. એક બાજુ સરકાર ટ્રાફિકના નવા નિયમો લાગુ કરીને બેઠી છે અને ખુદ આરટીઓ તંત્ર લાયસન્સ સહિતના દસ્તાવેજાને સમયમર્યાદામાં પૂર્ણ કરી આપવા સક્ષમ જ નથી ત્યારે સરકારે આરટીઓ તંત્ર અને વહીવટી તંત્રને પહેલા સક્ષમ બનાવવું જાઇએ અને ત્યારબાદ નવા નિયમોની અમલવારી કરવી જાઇએ.

આક્રોશિત જનતાએ જણાવ્યું હતું કે, ભલે રાજય સરકાર દ્વારા આજે નવા ટ્રાફિકના નિયમોની અમલવારી તા.૧૫ ઓકટોબર સુધી મુલત્વી રાખી છે પરંતુ આ સમયમર્યાદા પૂરતી નથી કારણ કે, લાયસન્સ, આરસી બુક, રિન્યુઅલ સહિતના દસ્તાવેજા પરિપૂર્ણ કરવામાં છથી બાર મહિનાનો સમય લાગી જાય તેમ છે, તેથી છ-બાર મહિનાની સરકારે નાગરિકોને પૂરતી મુદત આપવી જાઇએ.

કાયદા અને નિયમો લોકોની સુખાકારી અને સરળતા માટે હોય છે, નાગરિકોને માનસિક ત્રાસ આપવા અને ડરાવવા માટે નહી. દરમ્યાન અમદાવાદ મોટર ડ્રાઇવીંગ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, ટ્રાફિકના નવા નિયમોને લઇ હાલ અમદાવાદ આરટીઓ કચેરીમાં નાગરિકો-વાહનચાલકોનો ધસારો રૂટીન કરતાં ચારથી પાંચ ગણો વધી ગયો છે. હાલ રોજ ત્રણથી ચાર હજાર નાગરિકો લાયસન્સ, રિન્યુઅલ, આરસી બુક, બેકલોગ સહિતના કામો માટે આવે છે પરંતુ આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન, ધીમુ ચાલતુ હોવાની સહિતની ફરિયાદોને લઇ નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

રોજના હજારો લોકો કામ થયા વિના જ આરટીઓ કચેરીમાં પરત ફરવા અને બીજા દિવસે ફરીથી વહેલી સવારથી કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે ત્યારે રાજય સરકાર અને આરટીઓ તંત્રએ આગોતરૂ આયોજન કરી લોકોને લાયસન્સ, રિન્યુઅલ, આરસીબુક સહિતના કામો માટે અને જરૂરી દસ્તાવેજા પરિપૂર્ણ કરવા પૂરતો સમય આપ્યા બાદ અને આ માટે યોગ્ય માળખાકીય વ્યવસ્થા ગોઠવ્યા બાદ ટ્રાફિકના નવા નિયમોની અમલવારી કરી હોત તો સારૂ હોત.

નિર્દોષ પ્રજાજનો હાલ પડી રહેલી હાલાકીને લઇને જ ત્રાહિમામ્‌ પોકારી રહ્યા છે અને આજની આરટીઓ કચેરીમાં તોડફોડનો બનાવ એ લોકોનો આક્રોશ છે, બીજું કંઇ નથી. સરકાર અને તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક અસરથી ખૂબ ઝડપથી અને સરળતાથી આરટીઓના કામો થઇ જાય તેવું વ્યવસ્થા તંત્ર ગોઠવવું જાઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.