Western Times News

Gujarati News

ચીને હવે ભારતના મિસાઈલ કાર્યક્રમ પર ઉઠાવ્યાં સવાલ

નવીદિલ્હી, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના પરમાણુ સબમરીન કરારથી ભડકેલા ચીને હવે ભારતના મિસાઈલ કાર્યક્રમ પર તીખા સવાલ ઉઠાવ્યાં છે. ચીને વર્ષ ૧૯૯૮ના પરમાણુ પરીક્ષણ બાદ જાહેર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની દરખાસ્તનો હવાલો આપી આ ચિંતા જાહેર કરી છે.

રિપોર્ટ મુજબ, ભારત આગામી દિવસોમાં અગ્નિ-૫ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી શકે છે. મહત્વનું છે કે, ચીનના મીડિયામાં ભારતની આ ૫૦૦૦ કિલોમીટર રેન્જવાળી પરમાણુ મિસાઈલને લઇ ખૂબ ચર્ચા છે. કારણકે આ રેન્જમાં ચીનના કેટલાંક શહેર આવે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતના આગામી પરમાણુ પરીક્ષણને લઇ કહ્યું કે, જ્યાં સુધી ભારતની પરમાણુ બેલેસ્ટિક મિસાઈલનો સવાલ છે,યુએનએસસી ૧૧૭૨માં પહેલેથી જ સ્પષ્ટ શરતો છે.

દક્ષિણ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવા દરેક દેશોની જવાબદારી છે અને ચીન આશા રાખે છે કે દરેક દેશો આ અંગે સતત પ્રયાસ કરશે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જૂન ૧૯૯૮માં અપનાવવામાં આવેલા યુએનએસસી પ્રસ્તાવ ૧૧૭૨નો ઉલ્લેખ કરી રહ્યા હતા. ૧૯૯૮માં ભારતના પરમાણુ પરીક્ષણો બાદ આ દરખાસ્તને લાવવામાં આવી હતી. આ દરખાસ્તમાં લખવામાં આવ્યું હતુ કે ભારત અને પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયાર વિકાસ કાર્યક્રમને તાત્કાલિક બંધ કરી દેશે અને પરમાણુ શસ્ત્રો ટાળી દેશે.

આ સિવાય પરમાણુ હથિયારોની તેનાતી, બેલેસ્ટિક મિસાઈલોના વિકાસ અને પરમાણુ હથિયારો માટે ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીના કોઈ પણ રૂપમાં ઉત્પાદન પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આ ઉપરાંત એવા ઉપકરણો, સામગ્રીઓ અને ટેકનોલોજીને નિકાસ ના કરવાની પોલિસી પર પણ મક્કમ રહેવાની વાત કહેવામાં આવી હતી. જેનાથી પરમાણુ હથિયારોનું નિર્માણ થઈ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.