Western Times News

Gujarati News

પેટલાદ પાલિકા ફાયર NOC વિહોણી, હજી તો ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે

પ્રતિકાત્મક

કોલેજ – હોસ્પિટલ સીલ
ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની પ્રાદેશિક કચેરી દ્વારા પેટલાદ નગરપાલિકાને તા.૩૦ સપ્ટેમ્બરના રોજ એક પત્ર પાઠવવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે શહેરની હોસ્પિટલ અને શાળાઓને ફાયર એનઓસી મેળવી લેવા નોટિસો ફટકારી હોવા છતાં તેઓ ગંભીર નથી. જેથી રિજીયોનલ ફાયર ઓફિસરના આદેશ મુજબ શહેરની આર કે પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, વસુંધરા (સુધરાઈ) હોસ્પિટલ તથા સિવીલ હોસ્પિટલની આરએમઓ કચેરીને સીલ કરવામાં આવી છે.

પેટલાદ, રાજયમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલ વગેરે સ્થળોએ આગની ઘટનાઓ વિશેષ જાેવા મળી છે. જેને કારણે સરકાર હાલ ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીને લઈ ખૂબ જ ગંભીર છે. આ મુદ્દે પેટલાદમાં પણ કાર્યવાહી તેજ બની રહી છે.

શહેરની હોસ્પિટલો, શાળાઓને ફાયર એનઓસી માટે પાલિકા દ્વારા નોટીસ પણ ફટકારવામાં આવી છે. પરંતુ પેટલાદ નગરપાલિકાનું નવનિર્મિત ભવન જ ફાયર એનઓસી વિહોણી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. મળતી માહિતી મુજબ આ નવા ભવનમાં હજી તો ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ઉપલબ્ધ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી દ્વારા એક પરિપત્ર તા.૫ જૂન ૨૦૨૧ના રોજ જારી કરવામાં આવ્યો હતો. જે મુજબ સરકારના સુધારેલા નિયમો મુજબ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અથવા ફાયર એનઓસી મેળવવાના હોય છે.

આ અનુસંધાને પેટલાદ પાલિકા દ્વારા શહેરની ખાનગી ૧૫ અને સરકારી એક હોસ્પિટલને ફાયર એનઓસી મેળવવા નોટીસો ફટકારવામાં આવી હતી. જ્યારે ૧૬ જેટલી શાળાઓને પણ આવી નોટીસો મોકલવામાં આવી હતી. જે પૈકી માત્ર એક જ ખાનગી હોસ્પિટલે ફાયર એનઓસી મેળવ્યું છે.

જ્યારે બાકી રહેલ ૧૪ પૈકી ૭ ખાનગી હોસ્પિટલોએ એનઓસી મેળવવા અરજી કરેલ છે. પરંતુ હજી બાકી રહેલ હોસ્પિટલો ફાયર એનઓસી મેળવવા તસ્દી લેતા નથી. બીજી તરફ ૧૬ પૈકી માત્ર એક જ શાળાએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવ્યું છે. બાકીની ૧૫ પૈકી બે શાળાઓએ સેલ્ફ ડેકલેરેશન મેળવ્યું છે, એક શાળા બંધ થઈ ગયેલ છે અને બાકી રહેલ સંસ્થાઓ પૈકી ફક્ત પાંચ જ અરજીઓ એનઓસી મેળવવા પાલિકા પાસે આવેલ હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની જરૂરી કાર્યવાહી આગામી દિવસોમાં તેજ બનવાની હોવાનું પણ જાણવા મળેલ છે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત સરકારી કચેરીઓ પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તથા એનઓસીથી વંચિત હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે.

આ અંગેની કામગીરી સંભાળતા પાલિકાના જીનેશ ચાંપાનેરે જણાવ્યું હતું કે શહેરના સેવા સદન, તાલુકા પંચાયત, એમજીવીસીએલને ફાયર એનઓસી મેળવવાના રહે છે. જ્યારે પેટલાદ ટાઉન – રૂરલ પોલિસ મથક, મહિકેનાલ, નગરપાલિકા, માર્ગ મકાન કચેરી, એસ ટી ડેપો જેવી સંસ્થાઓને સેલ્ફ ડેકલેરેશન લેવાનું હોય છે.

જાે કે હજી સુધી સરકારી કચેરીઓની કામગીરી સંદર્ભે કોઈ સૂચના મળેલ નથી. પરંતુ આગામી સમયમાં કાર્યવાહી થવા અંગે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સેલ્ફ ડેકલેરેશન મેળવવા પાલિકામાં અરજી કરવાની હોય છે. ત્યારબાદ એ અરજી અન્વયે ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હોવા અંગેનું જરૂરી ઈન્સ્પેક્શન થતું હોય છે.

ત્યારબાદ એનઓસી આપવામાં આવતું હોય છે. પરંતુ પેટલાદ નગરપાલિકાનું ભવન ઘણાં સમયથી તૈયાર થયા બાદ લગભગ છેલ્લા બે – ત્રણ મહિનાથી કાર્યરત પણ થઈ ગયું છે. છતાં હજી તો પાલિકામાં ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ કરવાની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ અંદાજીત પંદરેક લાખના ખર્ચે ફાયર સેફ્ટીના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરંતુ નોંધપાત્ર બાબત એ છે કે શહેરની સંસ્થાઓને ફાયર સેફ્ટી અંગેની નોટીસ ફટકારનાર સંસ્થા જ ફાયર સેફ્ટીના સાધનો વિહોણી છે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.