Western Times News

Gujarati News

ભાજપ જીત બાદ બહેનોને ગીફ્ટ આપી, ગેસના બાટલા અને પેટ્રોલના ભાવ વધાર્યાઃ ઈશુદાન

અમદાવાદ, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિભાગ થયો છે. ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અલગ-અલગ રીતે પ્રચાર કર્યો હતો.

આ પ્રચાર સમયે એવુ લાગી રહ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં વિપક્ષ તરીકે આવશે પણ પરિણામ જે આવ્યું તેને તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. આમ આદમી પાર્ટીને ગાંધીનગરમાં ૪૪માંથી ૧ બેઠક જ મળી છે. ગાંધીનગરમાં ભાજપને ૪૧ બેઠક મળી છે અને કોંગ્રસને માત્ર ૨ બેઠક જ મળી છે. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વિપક્ષમાં બેસવાનો પણ મોકો મળ્યો નથી.

ચૂંટણીમાં હાર થયા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ નિવેદન આપતા કહ્યું હતું કે, ગાંધીનગરની જનતાના જનાદેશને અમારી પાર્ટી સ્વીકારે છે. આમ આદમી પાર્ટી વર્ષો જૂની નથી પરંતુ તેને વર્ષો જૂના પક્ષોને બરાબરના હંફાવ્યા છે. અમે વર્ષો જૂની પાર્ટીને ટક્કર આપવામાં સફળ રહ્યા છીએ. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રોડ-શો કરવો પડ્યો તે જ અમારી જીત છે.

તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ તેમના ફેસબૂક પેજ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ગાંધીનગર ચૂંટણીમાં મારુ અંગત માનવું છે અને એનાલિસિસ છે કે, આમ આદમી પાર્ટીની ટીમ ૧૬ સપ્ટેમ્બરથી પ્રચારમાં ઉતરી હતી. સ્વાભાવિક છે કે, પહેલી વખત ચૂંટણી આમ આદમી પાર્ટી લડી રહી હતી એટલે સંગઠન એટલું મજબૂત ના હોય. બીજું કે આમ આદમી પાર્ટી માત્ર ૪૦ પર લડતી હતી છતાં એને ૨૨% વોટ ૧૫ દિવસમા મળ્યા એટલે એ પાર્ટી માટે મોટી જીત જ કેવાય.

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, બીજું કે કોંગ્રસ પાર્ટી કરતા કોંગ્રેસના મજબૂત ૧૦ જેટલા ઉમેદવાર લડતા હતા એટલે એમને પણ વોટ ખેંચવામાં સફળતા મળી.

પાલિકા સહિતની ચૂંટણીઓ સ્થાનિક નેતૃત્વ, સ્થાનિક મુદ્દા, પાર્ટીઓની વર્ષોની પકડ અને સંગઠન પર લડાતી હોય છે. ભાજપે ઉમેદવારોમાં મોટા ભાગના સરપંચોને ઉતાર્યા. એમનું સંગઠન તો વર્ષોથી હોય જ એટલે એમને સફળતા મળવી સહેલી હતી. છતાં પણ આમ આદમી પાર્ટી આ બધાની વચ્ચે ૧૫ દિવસમા ૨૨% વોટ મેળવીને સંગઠન વધુ મજબૂત કરી દીધું છે.

ઈશુદાન ગઢવીએ અંતમાં લખ્યું છે કે, રહી વાત વિધાનસભાની તો એમાં મુદ્દા અને ચહેરા પર ચૂંટણી લડાતી હોય છે. એટલે જ વિશ્વાસ સાથે કહું છું કે, ગાંધીનગરમાં લોકો એ એટલા દિવસમાં એટલો વિશ્વાસ કર્યો તો નક્કી જનતા પરિવર્તન ઈચ્છે છે. આમ આદમી પાર્ટીનું લક્ષ્ય ૨૦૨૨ છે અને એમાં જનતાની વચ્ચે મજબૂત મુદ્દા ઓ સાથે જઈશું.

આ ઉપરાંત ઈશુદાન ગઢવીએ વધુ એક પોસ્ટમાં લખ્યું હતું કે, ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો. જેથી ભાજપે બહેનોને ગિફ્ટ આપવાની ચાલુ કરી દીધી છે.

ગેસના બાટલામાં ૧૫ રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. ભાજપને મત આપવો એટલે મોંઘવારી વધારવી જે આજે સાબિત થયું.પેટ્રોલના ભાવને લઇને ઈશુદાને લખ્યું હતું કે, ગાંધીનગરની ચૂંટણી પૂરી થઇ જેમાં મેં કહ્યું હતું કે, ભાજપને મત આપો એટલે ભાવ વધારા માટે તૈયાર રહેજાે. જનતાએ ભાજપને બહુમતી આપી એની ગિફ્ટ આવવાની શરૂ થઇ ગઈ છે. આજે ડિઝલનો ભાવ ૯૮.૫૩ રૂપિયાએ પહોંચ્યો. આજે પેટ્રોલમાં ૨૯ પૈસાનો અને ડીઝલમાં ૩૯ પૈસાનો વધારો થયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.