Western Times News

Gujarati News

કોહલી માટે સ્પિનર સુનિલ નરેન સૌથી મોટો દુશ્મન સાબિત થયો

શારજાહ, વિરાટ કોહલીએ સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પોતાની આઇપીએલ કેપ્ટનશીપની છેલ્લી મેચ રમી હતી. વિરાટ કોહલી પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યો છે કે તે આ આઈપીએલ સીઝન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડી દેશે. પોતાની કેપ્ટનશીપ હેઠળની આ છેલ્લી મેચમાં વિરાટ કોહલીનું હ્રદયભગ્ન થઈ ગયું.

એક ખેલાડી એવો હતો જે આ મેચમાં કોહલીનો દુશ્મન સાબિત થયો અને જતા જતા પણ વિરાટ કોહલીને દર્દ આપતો ગયો. સોમવારે આઇપીએલ ૨૦૨૧ ના એલિમિનેટર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ ૪ વિકેટથી હારીને ફાઈનલની દોડમાંથી બહાર થઈ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ હાર સાથે જ આઈપીએલ ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું.

આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના સ્પિનર સુનિલ નરેન કોહલી માટે સૌથી મોટો દુશ્મન સાબિત થયો. સુનિલ નરેને બોલ અને બેટ બંનેથી જબરદસ્ત પ્રદર્શન કરીને બેંગ્લોરની હાર નિશ્ચિત કરી દીધી.

સુનિલ નરેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ બોલિંગમાં કહેર મચાવતા ૪ ઓવરમાં ૨૧ રન આપીને ૪ વિકેટ લઈ લીધી. સુનિલ નરેનની બોલિંગના કારણે જ બેંગ્લોર ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાને ૧૩૮ રનનો સામાન્ય સ્કોર કરી શકી. સુનિલ નરેને બેટથી પણ હાહાકાર મચાવતા માત્ર ૧૫ બોલમાં ૨૬ રન ઠોકી દીધા.

તેણે પોતાની આ તોફાની ઈનિંગમાં ૩ બોલમાં સતત ૩ છગ્ગા ફટકાર્યા. આ સાથે જ નરેન પહેલો એવો ખેલાડી બની ગયો છે જેણે આઈપીએલ ઈનિંગના પહેલા ત્રણ બોલમાં ત્રણ છગ્ગા માર્યા. સુનિલ નરેનને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો.

વિરાટ કોહલી ૭ વર્ષથી આરસીબીનો કેપ્ટન છે. પરંતુ તેની કેપ્ટનશીપ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ એક પણ આઈપીએલ ખિતાબ જીતી શકી નહીં. ટ્રોફી જીતવાનું સપનું તૂટ્યા બાદ વિરાટ કોહલીનું કહેવું છે કે તે જ્યાં સુધી આ આઈપીએલમાં રમશે ત્યાં સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ સાથે જાેડાયેલા રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.